________________
ચતુર્થદ્વાર
૪૦૩
એ પ્રમાણે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે જઘન્ય નવ ઉત્કૃષ્ટ સોળ, દેશવિરતિ ગુણઠાણે જઘન્ય આઠ ઉત્કૃષ્ટ ચૌદ, યતિત્રિક-પ્રમત્ત, અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનકે જઘન્ય પાંચ પાંચ ઉત્કૃષ્ટ સાત સાત, અનિવૃત્તિબાદરે જઘન્ય બે, ઉત્કૃષ્ટ ત્રણ, સૂક્ષ્મસંપરાયે જઘન્ય અને ઉત્કૃષ્ટથી બે જ, શેષ ઉપશાંતમોહ, ક્ષીણમોહ, અને સયોગીકેવળી ગુણઠાણે અજધન્યોત્કૃષ્ટ એક જ બંધહેતુ હોય છે.
સૂક્ષ્મસંપરાયાદિમાં તેને યોગ્ય મેળવવાની સંખ્યા નહિ હોવાથી કહી નથી, માટે ગાથાના પૂર્વાર્ધમાં કહેલી બંધહેતુની સંખ્યા જ સમજવી. ૬
હવે મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનકે જઘન્યપદે જે દશ બંધહેતુઓ કહ્યા તે બતાવે છે. मिच्छत एककायादिघाय अन्नयरअक्खजुयलुदओ । वेयस्स कसायाण य जोगस्सण भयदुगंछा वा ॥७॥ मिथ्यात्वमेककायादिघातो ऽन्यतराक्षयुगलोदयः ।
वेदस्य कषायाणां च योगस्य अनन्तानुबन्धि भयजुगुप्सा वा ॥७॥
અર્થ—પાંચમાંથી એક મિથ્યાત્વ, એક કાયાદિનો ઘાત, અન્યતર ઇન્દ્રિયનો અસંયમ, બેમાંથી એક યુગલ, અન્યતર વેદ, અન્યતર ક્રોધાદિ ચાર કષાય, અને દશ યોગમાંથી એક યોગ એ પ્રમાણે જઘન્ય દશ બંધહેતુઓ હોય છે, અને અનંતાનુબંધી, ભય, અને જુગુપ્સા એ કોઈ વખતે ઉદયમાં હોય છે, કોઈ વખતે નથી હોતા.
ટીકાનુ—એક સમયે એક સાથે ઓછામાં ઓછા કેટલા બંધહેતુઓ હોય તે કહે છે. મિથ્યાત્વના પાંચ ભેદોમાંથી કોઈ પણ એક મિથ્યાત્વ,
છ કાયમાંથી એકબે આદિ કાયની હિંસાના ભેદે કાયની હિંસાના છ ભેદ થાય છે તે આ · પ્રમાણે કાયમાંથી જ્યારે બુદ્ધિપૂર્વક એક કાયની હિંસા કરે ત્યારે એક કાયઘાતક કહેવાય; જ્યારે છ કાયમાંથી કોઈ પણ બે કાયની હિંસા કરે, ત્યારે બે કાયનો ઘાતક કહેવાય, જ્યારે છ કાયમાંથી કોઈ પણ ત્રણ કાયની હિંસા કરે, ત્યારે ત્રણ કાયનો ઘાતક કહેવાય, એ પ્રમાણે છ કાયમાંથી કોઈ પણ ચાર કે પાંચ કાયની હિંસા કરે, ત્યારે અનુક્રમે ચાર અને પાંચ કાયનો ઘાતક, અને છએ કાયની એક સાથે હિંસા કરે, ત્યારે ષટ્કાયઘાતક કહેવાય. આ પ્રમાણે બુદ્ધિપૂર્વક એકાદિ કાયની હિંસા થઈ શકે છે, સંશી કરી શકે છે, માટે કાયઘાતના ભેદે છ ભેદો થાય છે.
વળી પ્રત્યેક કાયઘાતના આ પ્રમાણે ભેદો થાય છે, જ્યારે કોઈ પણ એક કાયની હિંસા કરે ત્યારે કાયો છ હોવાથી છ ભેદ થાય. છમાંથી કોઈ પણ બે કાયની હિંસા કરે ત્યારે દ્વિકસંયોગે પંદર ભેદ થાય, એ પ્રમાણે ત્રિક સંયોગે વીસ ભેદ, ચતુષ્ક સંયોગે પંદર, પંચ સંયોગે છ, અને છના સંયોગે એક ભંગ થાય છે. કાયની હિંસાના સ્થાને એ ભેદો ગ્રહણ કરવા.
૧. છકાયના દ્વિકસંયોગાદિના પંદર વગેરે ભાંગાઓ જાણવાની રીત પૃષ્ઠ ૧૨૯-૧૩૦ની ટિપ્પણીમાં જણાવેલ છે. ત્યાંથી જોઈ લેવી.