________________
તૃતીયદ્વાર સારસંગ્રહ
હવે આ દ્વારમાં બાંધવા યોગ્ય આઠ પ્રકારના કર્મનો વિચાર કરેલ છે તેથી આ દ્વારનું ‘બંદ્વવ્ય’ નામ રાખેલ છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ મૂળ કર્મપ્રકૃતિઓ છે.
સામાન્ય-વિશેષ એમ ઉભય ધર્મવાળી વસ્તુમાં રહેલ વિશેષ ધર્મને જાણવાની જે આત્મામાં રહેલ શક્તિ તે જ્ઞાન, તેને રોકનાર અર્થાત્ તેને ઢાંકનાર જેમાં મિથ્યાત્વાદિ હેતુઓની પ્રધાનતા છે એવા જીવના વ્યાપારથી ગ્રહણ કરાયેલ કાર્યણવર્ગણા અન્તર્ગત જે પુદ્ગલ સ્કંધોનો સમૂહ તે જ્ઞાનાવરણીય કર્મ.
સામાન્ય-વિશેષ એમ ઉભયધર્મવાળી વસ્તુને સામાન્ય સ્વરૂપે જાણવાની આત્મામાં રહેલી શક્તિ તે દર્શન અને તેને રોકનાર જે કર્મ તે દર્શનાવરણીય કર્મ
જે સુખ-દુ:ખ રૂપે અનુભવાય તે વેદનીય, જો કે દરેક કર્મ કોઈ ને કોઈ સ્વરૂપે અનુભવાય જ છે તોપણ કાદવમાં ઉત્પન્ન થયેલ દરેક પદાર્થોને પંકજ કહેવાતાં નથી પરંતુ રૂઢિવિશેષથી કમળને જ પંકજ કહેવાય છે તેમ જે સુખ-દુઃખ રૂપે અનુભવાય તેને જ વેદનીય કર્મ કહેવાય છે.
જે કર્મના ઉદયથી જીવ આત્મિક દૃષ્ટિએ સાર-અસાર-અર્થાત્ હેય ઉપાદેય આદિના વિવેક વિનાનો થાય તે મોહનીય.
એક ભવથી બીજા ભવમાં જતાં સર્વ બાજુથી જીવને જે ઉદયમાં આવે તે અથવા કરેલ પોતપોતાંના કર્મના ફળને અનુસારે પ્રાપ્ત થયેલ નરકાદિ ગતિમાંથી નીકળવાની ઇચ્છાવાળા પ્રાણીને રોકી રાખે તે આયુષ્ય.
જે કર્મ જીવને નરકત્વાદિ પર્યાયો ભોગવવા તરફ નમાવે અર્થાત્ લઈ જાય તે નામકર્મ. જે કર્મના ઉદયથી જીવ ઉચ્ચ-નીચ શબ્દો વડે બોલાવાય અથવા ઉચ્ચ-નીચ કુળમાં ઉત્પન્ન થવા રૂપ આત્માનો પર્યાય વિશેષ થાય તે ગોત્ર.
જે કર્મના ઉદયથી અનંત શક્તિવાળો જીવ દાનાદિકના અંતર-વ્યવધાનને પામે તે અંતરાય અથવા વિઘ્ન કર્મ છે.
અહીં પ્રકૃતિ શબ્દના જુદા જુદા ત્રણ અર્થો છે. પ્રકૃતિ = સ્વભાવ, અથવા સ્થિતિ, રસ અને પ્રદેશનો સમુદાય તે પ્રકૃતિ અથવા પ્રકૃતિભેદ. અહીં ટીકાકારે વિશેષાવશ્યકભાષ્યના અનુસારે પ્રકૃતિભેદ એ અર્થ ગ્રહણ કરેલ છે. તે મૂળકર્મના આ આઠ જ ભેદ છે.
અહીં જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મો જે ક્રમપૂર્વક કહ્યાં છે તેમાં આ કારણ છે.