________________
દ્વિતીયદ્વાર-સારસંગ્રહ
૨૪૧
જેટલા ખંડો થાય તેટલા પર્યાપ્ત બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય અને અસંશી-પંચેન્દ્રિય એ પ્રત્યેક જીવો છે. છતાં અંગુલનો સંખ્યાતમો ભાગ સંખ્યાત ભેદવાળો હોવાથી તેઓનું પરસ્પર અલ્પબહુત્વ આ પ્રમાણે છે—
પર્યાપ્ત ચરિન્દ્રિય સર્વથી અલ્પ, તે થકી પર્યાપ્ત અસંશીપંચેન્દ્રિય વિશેષાધિક, તે થકી પર્યાપ્ત બેઇન્દ્રિય વિશેષાધિક અને તે થકી પર્યાપ્ત તેઇન્દ્રિય વિશેષાધિક છે.
અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશરાશિ વડે ઘનીકૃત લોકના એક પ્રતરને ભાગતાં જેટલા ખંડો થાય તેટલા અપર્યાપ્ત વિકલેન્દ્રિય અને અપર્યાપ્ત અસંશી-પંચેન્દ્રિય જીવો છે, છતાં અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયથી અપર્યાપ્ત ચરિન્દ્રિય, તેઇન્દ્રિય અને બેઇન્દ્રિય જીવો અનુક્રમે વિશેષાધિક છે.
અંગુલમાત્ર સૂચિશ્રેણિમાં રહેલ આકાશપ્રદેશોની સંખ્યાને પોતાના વર્ગમૂળ સાથે ગુણતાં જે અસંખ્યાત સંખ્યા આવે તે અસંખ્યાતી શ્રેણિઓના કુલ જેટલા આકાશપ્રદેશો છે તેટલા પ્રથમ નરકના નારકો છે.
બીજીથી સાતમી સુધીના દરેક નરકના નારકો એક સપ્ત રજ્જુ પ્રમાણ શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશો છે તેટલા હોય છે. પરંતુ બીજાથી પછી પછીની નરકમાં શ્રેણિનો અસંખ્યાતમો ભાગ અસંખ્યગુણ હીન સમજવો. કારણ કે—અત્યંત ઉત્કટ પાપ કરનારા ક્રૂરકર્મી સાતમી નરકમાં જાય છે અને તેવા જીવો થોડા જ હોય છે, માટે સાતમી નરકમાં જીવો સર્વથી થોડા છે. તેનાથી હીન હીન પાપ કરનારા અનુક્રમે છઠ્ઠી આદિ નરકમાં જાય છે અને તેવા જીવોની સંખ્યા અસંખ્યાતગુણ કહી છે—માટે સાતમીથી પ્રથમ નરક સુધીના જીવો અનુક્રમે એકેકથી અસંખ્યાતગુણા છે.
અત્યંત ક્રૂરકર્મી પાપી જીવો કૃષ્ણપાક્ષિક કહેવાય છે, તેઓનો દેશોનાર્ધ પુદ્ગલપરાવર્તનથી અધિક સંસાર બાકી હોય છે. તેવા જીવો ઘણા છે અને તેઓ તથાસ્વભાવે જ ગમે તે ગતિમાં દક્ષિણ દિશામાં વધારે ઉત્પન્ન થાય છે. અને જેઓને દેશોનાર્ધપુદ્ગલપરાવર્તન અગર તેથી ન્યૂન સંસારશેષ હોય તે જીવો શુક્લપાક્ષિક કહેવાય છે. તેવા જીવો થોડા જ હોય છે અને તે જીવો તથાસ્વભાવે જ કોઈપણ ગતિમાં પ્રાયઃ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં જ ઉત્પન્ન થાય છે માટે દરેક નરકમાં આ ત્રણે દિશાના નારકો કરતાં એક દક્ષિણ દિશાના નારકો અસંખ્યાતગુણ હોય છે.
અંગુલપ્રમાણ સૂચિશ્રેણિમાં રહેલ આકાશપ્રદેશોના પહેલા અને બીજા વર્ગમૂળનો ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તે અસંખ્ય સંખ્યા પ્રમાણ સાતરાજની શ્રેણિઓના જેટલા આકાશપ્રદેશો છે તેટલા કુલ ભવનપતિ દેવો છે, વળી અસુરકુમારાદિ દશે નિકાયના દેવો પણ તેટલા જ છે. પરંતુ તે કુલ ભવનપતિઓની સંખ્યાથી સંખ્યાતગુણ હીન છે.
ઘનીકૃતલોકના એક પ્રતરના સંખ્યાત યોજન સૂચિશ્રેણિ પ્રમાણ જેટલા ખંડો થાય તેટલા સર્વ વ્યંતરો અને વ્યંતરના એકેક નિકાયના દેવો છે પરંતુ સર્વ વ્યંતરો કરતાં તે સંખ્યાતગુણ હીન છે.
પંચ૰૧-૩૧