________________
૨૧૨
પંચસંગ્રહ-૧
આત્મા સાસ્વાદન ભાવને અનુભવી ત્યાંથી પડી ફરી સાસ્વાદન ભાવને પ્રાપ્ત કરે તો અવશ્ય જઘન્યથી પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ ગયે છતે જ પ્રાપ્ત કરે છે, પહેલાં નહિ.
આ પ્રમાણે કેમ જાણી શકાય ? એમ પૂછતા હો તો કહે છે—ઔપમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરી ત્યાંથી અનંતાનુબંધિ કષાયના ઉદયથી પડીને જ સાસ્વાદનભાવને પ્રાપ્ત કરે છે, ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા વિના કોઈ જીવ સાસ્વાદને જઈ શકતો નથી. સાસ્વાદનેથી પડી મિથ્યાત્વે જઈ ફરી વાર ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય તો મોહનીયની છવ્વીસ પ્રકૃતિની સત્તા થયા પછી યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરણ કરવા પૂર્વક પ્રાપ્ત થાય છે. મોહનીયની છવ્વીસની સત્તા મિશ્ર અને સમ્યક્ત્વપુંજ ઉવેલે ત્યારે થાય છે. અને તે બંનેની ઉદ્ઘલના પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે થાય છે. તેથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળે સમ્યક્ત્વ અને મિશ્રમોહનીય ઉવેલી છવ્વીસની સત્તાવાળો થઈ તરત જ ત્રણ કરણ કરવા પૂર્વક ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કરે અને ત્યાંથી પડી સાસ્વાદને આવે તો તે આશ્રયી સાસ્વાદનનું જઘન્ય અંતર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઘટે છે.
શેષ મિથ્યાદૃષ્ટિ, સમ્મગ્મિથ્યાર્દષ્ટિ, અવિરતિસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, ઉપશમશ્રેણિ સંબંધી અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદરસંપરાય, સૂક્ષ્મસંપરાય, અને ઉપશાંતમોહ એ ગુણસ્થાનકોનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત છે. તે આ પ્રમાણે—
મિથ્યાદૃષ્ટિ આદિ પોતપોતાના તે તે ગુણસ્થાનકોને છોડી અન્ય ગુણસ્થાનકે જઈ ફરી પોતપોતાના તે તે ગુણસ્થાનકને જઘન્યથી અંતર્મુહૂર્ત કાળ ગયા પછી પ્રાપ્ત કરી શકે છે.
પ્રશ્ન—ઉપશમશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણાદિનો માત્ર અંતર્મુહૂર્ત અંતરકાળ શી રીતે ? કારણ કે દરેક ગુણસ્થાનકનો અંતર્ અંતર્મુહૂર્તનો કાળ છે. આઠમેથી દરેક ગુણસ્થાનકે અંતઅંતર્મુહૂર્ત રહી અગિયારમે જાય ત્યાં પણ અંતર્મુહૂર્ત રહે, ત્યાંથી પડી અનુક્રમે સાતમે છઠ્ઠ આવી અંતર્મુહૂર્ત પછી શ્રેણિ પર આરૂઢ થાય ત્યારે અપૂર્વકરણાદિને સ્પર્શે છે, એટલે કાળ વધારે થાય, અંતર્મુહૂર્ત કેમ ?
ઉત્તર—ઉપશમશ્રેણિનો સંપૂર્ણ કાળ પણ અંતર્મુહૂર્ત છે. ઉપશમશ્રેણિથી પડ્યા બાદ કોઈક
૧. કોઈ આત્માએ મિથ્યાત્વે ત્રણ કરણ કરી ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કરી, પડી, સાસ્વાદનને સ્પર્શી પહેલે આવે ત્યાં અંતર્મુહૂર્ત રહી, ક્ષયોપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કરી, ઉપરના ગુણસ્થાનકે જઈ અંતર્મુહૂર્તમાં જ શ્રેણિનું ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કરી ઉપશમશ્રેણિ પર આરૂઢ થાય. ત્યારપછી શ્રેણિથી પડી અંતર્મુહૂર્તમાં જ સાસ્વાદને સ્પર્શી શકે છે, અને આ રીતે સાસ્વાદનની સ્પર્શનાનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત પણ સંભવે છે, તો પછી તે અહીં કેમ ન કહ્યું ? એ શંકા થઈ શકે તેમ છે. તેના ઉત્તરમાં સમજવું કે બહુ જ અલ્પ સંખ્યાને તેમ થતું હોવાથી તેટલું અંતર સંભવે છે, છતાં વિવક્યું નથી.
૨. પહેલે ગુણસ્થાનકેથી ચોથે પાંચમે જઈ પડી પહેલે આવી વળી અંતર્મુહૂર્ત કાળે ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી ચોથે પાંચમે જઈ શકે છે, અને છઠ્ઠું સાતમું તો પ્રત્યેક અંતર્મુહૂર્વે બદલાયા જ કરે છે, એટલે તેઓનું પણ અંતર્મુહૂર્ત અંતર સંભવે છે.