________________
પંચસંગ્રહ-૧
૧૬૬
જીવ પણ પોતાના ભવના અંતકાળે પોતાના પ્રદેશોથી ઋજુગતિ વડે ઉત્પત્તિસ્થાનનો સ્પર્શ કરીને પરભવાયુના પ્રથમ સમયે પૂર્વના શરીરનો ત્યાગ કરે છે. આ રીતે પોતાના ભવના અંત સમયે—કે જે સમયે પ્રમત્તાદિ ભાવો હોય છે—પોતાના આત્મપ્રદેશો વડે સર્વાર્થસિદ્ધ મહાવિમાનરૂપ પોતાના ઉત્પત્તિ સ્થાનને સ્પર્શ કરતો હોવાથી ઇલિકાગતિ આશ્રયી પ્રમત્ત તેમજ ઉપશમકાદિને સાત રાજની સ્પર્શના કોઈપણ રીતે વિરોધી નથી.
આ પ્રમાણે ઋજુગતિ વડે જતાં પ્રમત્તાદિને સાત રાજની સ્પર્શના સંભવે છે, વક્રગતિ વડે જતાં નહિ. કારણ કે ઋજુગતિથી જતાં પોતાના આયુના છેલ્લા સમયે પોતાના પ્રદેશો વડે ઉત્પત્તિસ્થાનનો સ્પર્શ કરે છે, એટલે તે છેલ્લા સમયે પ્રમત્તાદિ ગુણસ્થાનક અને સાત રાજની સ્પર્શના એ બંને સંભવે છે.
વક્રગતિ વડે જતાં બીજા સમયે ઉત્પત્તિસ્થાનનો સ્પર્શ કરે છે, કે જે સમયે પરભવાયુનો ઉદય થાય છે. પહેલે સમયે વચમાં રહે છે, કે જે સમય પૂર્વભવાયુનો છેલ્લો સમય છે. આ પ્રમાણે પૂર્વભવના છેલ્લા સમયે વચમાં અને પરભવાયુના પહેલા સમયે ઉત્પત્તિસ્થાને જાય છે. પરભવાયુના પહેલા સમયે ઉત્પત્તિસ્થાને જતો હોવાથી અને તે સમયે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક હોવાથી વક્રગતિ વડે જતાં પ્રમત્તાદિને સાત રાજની સ્પર્શના સંભવતી નથી.
તથા ‘પુંઢેલનયા' એ પદમાં ‘ૐ' પદ વડે સામાન્યથી મનુષ્યનું ગ્રહણ છે. એટલે સામાન્યથી મનુષ્યરૂપ દેશવિરત આત્માઓ ઋજુગતિ વડે જ્યારે બારમા અચ્યુત દેવલોકમાં ઉત્પન્ન થાય, ત્યારે તેઓને છ રાજની સ્પર્શના ઘટે છે. તિર્યંચો સહસ્રાર નામના આઠમા દેવલોક સુધી જ જાય છે, માટે મનુષ્યનું ગ્રહણ કર્યું છે.
છ
દેશવિરતિ આદિ ગુણસ્થાનકો પોતાના ભવના અંત સમય પર્યંત જ હોય છે માટે પૂર્વે કહેલ યુક્તિથી ઋજુગતિથી જ જતાં છ રાજની સ્પર્શના દેશવિરત આત્માને સંભવે છે. તિÁલોકના મધ્ય ભાગથી અચ્યુત દેવલોક પર્યંત છ રાજ થાય છે, માટે છ રાજની સ્પર્શના કહી છે. ૩૩
એ પ્રમાણે સ્પર્શના દ્વાર કહ્યું. હવે કાળદ્વાર કહે છે.
કાળ ત્રણ પ્રકારે છે—૧. ભવસ્થિતિકાળ, ૨. કાયસ્થિતિકાળ, અને દરેક ગુણસ્થાનક આશ્રયી કાળ.
તેમાં ભવસ્થિતિ કાળ એટલે એક ભવનું આયુ.
૧. દેશવિરતિની સ્પર્શના માટે જીવસમાસ પાના ૧૯૨માં નીચે પ્રમાણે કહ્યું છે. ‘દેશવિરતિ મનુષ્ય અહીંથી મરીને અચ્યુત દેવલોકમાં ઉત્પન્ન થતાં છ રાજને સ્પર્શે છે. અહીં એમ ન કહેવું કે, દેવલોકમાં ઉત્પન્ન થતો તે આત્મા દેવ હોવાથી અવિરતિ સમ્યગ્દષ્ટિ છે, પરંતુ દેશવિરતિ નથી. કારણ કે જે દેશિવરતિ આત્મા ઋજુગતિ વડે એક સમયે દેવમાં ઉત્પન્ન થાય છે, તેને પૂર્વભવનું આયુ ક્ષય થયું નથી, તેમજ પૂર્વભવના શરીરનો સંબંધ પણ છૂટ્યો નથી. માટે ઋજુગતિમાં પૂર્વભવના આયુનો અને પૂર્વજન્મના શરીરનો સંબંધ હોવાથી તે આત્મા દેશવિરતિ જ છે, તેથી જ ઋજુગતિ વડે જતાં છ રાજની સ્પર્શના કહી છે. માટે અહીં કંઈ દોષ નથી.' ઇલિકાગતિ વડે જતાં આ સ્પર્શના સંભવે છે.