________________
દ્વિતીયદ્વાર
૧૪૯
અનુયોગદ્વારની ચૂર્ણિમાં કહ્યું છે કે—બબ્બે વર્ગના સમૂહને યમલ કહે છે.'
તેથી પૂર્વોક્ત છ વર્ગના સમૂહના ત્રણ યમલ થાય.
મનુષ્ય પ્રમાણના હેતુભૂત રાશિને ત્રીજા યમલપદથી ઉપરની કહેવાનું કારણ પાંચમા અને છઠ્ઠા વર્ગનો ગુણાકાર છે. પાંચમો અને છઠ્ઠો વર્ગ ત્રીજા યમલમાં આવે છે, સાતમો અને આ આઠમો વર્ગ ચોથા યમલમાં આવે છે. મનુષ્યપ્રમાણની હેતુભૂત સંખ્યા છઠ્ઠા વર્ગથી વધારે છે, કારણ કે છઠ્ઠા અને પાંચમા વર્ગના ગુણાકાર જેટલી છે. અને તેથી જ સાતમા વર્ગથી પણ ઓછી છે. માટે મનુષ્ય સંખ્યાના પ્રમાણભૂત રાશિને ત્રીજા યમલપદથી વધારે, અને ચોથા યમલપદથી ઓછો કહ્યો છે.
અથવા આ પૂર્વોક્ત રાશિના છન્નુ છેદનક થાય છે. છેદનક એટલે અર્ધ અર્ધા કરવા તે. એટલે કે ઓગણત્રીસ અંકપ્રમાણ રાશિનું પહેલી વાર અર્ધ કરીએ, બીજી વાર તેનું અર્ધ કરીએ, ત્રીજી વાર તેનું અર્ધ કરીએ, એમ અર્ધ અર્ધ છન્નુવાર કરીએ ત્યારે છન્નુમી વારે એકડો આવે. એને ઊંધી રીતે કહીએ તો છન્નુ વાર ઠાણ બમણા કરવા. જેમ કે—એકને એક બે, બેને બે ચાર, ચારને ચાર આઠ, એમ છન્નુ વાર બમણા બમણા કરતાં છન્નુમી વારે પૂર્વોક્ત રાશિ આવે.
છન્નુ છેદનક કેમ થાય તે કહે છે—પહેલા વર્ગના બે છેદનક થાય, પહેલું છેદનક બે, બીજું છેદનક એક. બીજા વર્ગના ચાર છેદનક થાય. એટલે કે બીજા વર્ગની સંખ્યાના અર્ધ અર્ધ ભાગ ચાર વાર થાય. જેમ કે—પહેલું છેદનક આઠ, બીજું છેદનક ચાર, ત્રીજું છેદનક બે, ચોથું છેદનક એક. આ જ રીતે ત્રીજા વર્ગનાં આઠ છેદનક, ચોથા વર્ગનાં સોળ છેદનક, પાંચમા વર્ગનાં બત્રીસ છેદનક, અને છઠ્ઠા વર્ગનાં ચોસઠ છેદનક થાય. ગર્ભજ મનુષ્યની સંખ્યા પાંચમા અને છઠ્ઠા વર્ગના ગુણાકાર જેટલી હોવાથી તે સંખ્યામાં પાંચમા અને છઠ્ઠા એ બંને વર્ગના છેદનકો આવે. પાંચમા વર્ગનાં બત્રીસ અને છઠ્ઠા વર્ગનાં ચોસઠ હોવાથી બંનેનો સરવાળો કરતાં છત્તુ છેદનકો પૂર્વોક્ત રાશિમાં થાય.
આ કઈ રીતે જાણી શકાય ? એમ પૂછતા હો તો કહીએ છીએ—જે જે વર્ગનો જે જે વર્ગ સાથે ગુણાકાર કરીએ અને ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તેમાં તે બંને વર્ગનાં છેદનકો ઘટે છે. જેમ પહેલા વર્ગને બીજા વર્ગ સાથે ગુણતાં જે સંખ્યા આવે તેમાં પહેલા વર્ગનાં બે અને બીજાના ચાર કુલ છ છેદનકો સંભવે છે. તે આ પ્રમાણે—
પહેલા અને બીજા વર્ગનો ગુણાકાર ચોસઠ થાય છે. તેનું પહેલું છેદનક બત્રીસ, બીજું સોળ, ત્રીજું આઠ, ચોથું ચાર, પાંચમું બે, અને છઠ્ઠું એક, એમ છ છેદનકો થાય છે. એમ અન્યત્ર પણ જાણવું. એ જ પ્રમાણે પાંચમા અને છઠ્ઠા વર્ગના ગુણાકારમાં પાંચમા વર્ગના બત્રીસ અને છઠ્ઠા વર્ગનાં ચોસઠ બંને મળી છન્નુ છેદનકો આવે છે.
આ પ્રમાણે એક જ રાશિને શિષ્યની બુદ્ધિનો પ્રકર્ષ થાય માટે ત્રણ રીતે પરમગુરુ મહારાજે ઉપદેશ્યો છે.
અનુયોગદ્વારસૂત્રમાં કહ્યું છે કે—‘જઘન્યપદે મનુષ્યો સંખ્યાતા ક્રોડ છે. ત્રીજા યમલપદથી