________________
રચવાનું વરદાન પ્રાપ્ત કરેલ તેથી તેઓશ્રીએ ઘણા આગમો તથા પ્રકરણાદિ ઉપર સરળ અને સુંદર કરેલ ટીકાઓ આજે પણ પ્રાપ્ત થાય છે.
પૂજય પ્રેરકશ્રીના દાદાગુરુ પૂજયપાદ સ્વ આચાર્ય વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબને પણ આ વિષયમાં ખૂબ જ રસ અને તત્ત્વસ્પર્શી બોધ હતો તેથી મહેસાણામાં તેઓશ્રી જ્યારે જયારે પધારતા ત્યારે ત્યારે મને ઉપાશ્રયે બોલાવતા અને હંમેશાં કલાકો સુધી આઠ કરણો અને તેમાં આવતા ઉપશમનાકરણ, ક્ષપકશ્રેણિ આદિ વિષયોની ઘણી જ ઊંડાણપૂર્વક વિચારણાઓ કરવાનો અને તેઓશ્રીની પાસેથી મને નવું નવું જાણવાનો લાભ મળતો હતો તેમજ તેઓશ્રીના શિષ્યરત્ન સ્વ. પરમપૂજ્ય પંન્યાસશ્રી કનકવિજયજી મહારાજ સાહેબને પણ આ વિષયનો એટલો જ રસ હતો અને તેથી જ તેઓશ્રીના શિષ્યરત્ન અને પ્રસ્તુત ગ્રંથના પ્રેરક પરમ પૂજય મુનિશ્રી રુચકવિજયજી મહારાજ સાહેબે પણ મહેસાણામાં ચાતુર્માસ દરમ્યાન અપ્રમત્ત ભાવે છ માસ સુધી સતત અથાગ પ્રયત્ન કરી કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોનો તત્ત્વસ્પર્શી મનનપૂર્વક સુંદર અભ્યાસ કર્યો ત્યારથી જ આ વિષય ઉપર તેઓશ્રીનું ચિંતન સતત ચાલુ જ રહ્યું અને અવસર પ્રાપ્ત થતાં પંચસંગ્રહ ગ્રંથનું કેટલાય સુધારાવધારા સાથે પુનઃ અનુવાદ કરવાનું કાર્ય ભાઈશ્રી વસંતલાલ મફતલાલ દ્વારા મને સુપરત કરવામાં આવ્યું અને મારી ચક્ષુવિકલતા આદિના કારણે પરાધીનતા હોવા છતાં આ કાર્ય કરવામાં મને પણ ઘણું નવીન વિચારવા અને જાણવા મળશે એમ માની મેં સહર્ષ તેનો સ્વીકાર કર્યો.
આ વિષય એટલો બધો ગહન હોવાથી અનેક વર્ષો સુધી તેના ઉપર ચિંતનમનન કરવા છતાં તેનો વિશાળ બોધ અશક્ય નહિ તો દુઃશક્ય તો માની શકાય. તેથી તે વિષયનો મને ખાસ બોધ ન હતો છતાં ત્રીસ વર્ષ પહેલાં આ સંસ્થાના માનદ મંત્રી ડૉક્ટર મગનલાલ લીલાચંદભાઈએ અને ભૂતપૂર્વ મેનેજર અને મારા વિદ્યાગુરુ પૂજ્ય મુરબ્બી શ્રી પ્રભુદાસ બેચરદાસભાઈએ અથાગ પ્રયત્ન દ્વારા આ વિષયના નિષ્ણાત સીનોર નિવાસી પંડિત શ્રીયુત ચંદુલાલ નાનચંદભાઈની સંસ્થામાં ખાસ નિમણૂક કરી તેઓશ્રીની પાસે મને તથા મારા સહાધ્યાયી બાબુલાલ સવચંદભાઈને આ વિષયનો શક્ય તેટલો સારો અને સચોટ બોધ કરાવવા કમ્મપયડી આદિ ગ્રંથોનો મનનપૂર્વક અભ્યાસ કરાવેલ અને છેલ્લાં દશેક વર્ષથી સિદ્ધાંતમહોદધિ સ્વર્ગસ્થ આચાર્યદેવ ૧૦૦૮ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની અને તેઓશ્રીની નિશ્રામાં કર્મસિદ્ધાંતોનો અતિ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી સંશોધન કરવાપૂર્વક કર્મસાહિત્યને લગતા અનેક નવીન ગ્રંથોના નિર્માતા પ. પૂ. મુનિરાજ શ્રી જયઘોષવિજયજી મ. સા., ધર્માનંદવિજયજી મ. સા., વીરશેખરવિજયજી મ. સા. અને જગચંદ્રવિજયજી મ. સા. આદિ અનેક મુનિ ભગવંતોની અત્યન્ત કૃપાદૃષ્ટિથી મને તે નવા ગ્રંથો વાંચવા અને મનન આદિ કરવાનો તેમજ પ્રસંગોપાત્ત થયેલ શંકાઓનું સમાધાન આદિ મેળવવાનો અપૂર્વ લાભ મળતો હતો. અને આ ગ્રંથમાં પણ સારસંગ્રહ, પ્રશ્નોત્તરી તેમજ ટિપ્પણો આદિ લખવામાં તેઓશ્રીએ બનાવેલ ઉત્તરપયડીબંધો આદિ અનેક ગ્રંથોમાંથી વિશેષ માર્ગદર્શન મળ્યું અને તદુપરાંત તેઓશ્રીએ જાતે પણ પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપી કેટલાક માર્મિક વિષયોના આગમપાઠો આદિ બતાવી સુંદર ખુલાસાઓ આપેલ. આમ આ વિષયનો મને કંઈક બોધ થવાથી આ ગ્રંથ સંપૂર્ણ તૈયાર કરી શક્યો છું. તેથી