________________
૫૦
જૈન ઈતિહાસ દીક્ષા લીધી. એવામાં તે દેશમાં ભયંકર દુકાળ પડવાથી લોકો ધાન્ય વિના ઘણું હેરાન થવા લાગ્યા; તે વખતે સંઘે એકઠા થઈ વજસ્વામીજીને વિનંતી કરવાથી તેમણે એક મોટો પાટ તૈયાર કરાવી તે પર સંઘને બેસાડી આકાશમાર્ગે બીજા સ્થળમાં પુરી નામની નગરીમાં લઈ ગયા; કેમ કે ત્યાં સુકાળ હતો. હવે તે નગરનો રાજા બૌદ્ધધર્મી હતો; તેથી જૈન ધર્મ પર દ્વેષ રાખતો હતો. એક વખતે પર્યુષણમાં તેણે જૈન લોકોને પુષ્પો આપવાં બંધ કરાવ્યાં; ત્યારે જિનપૂજા માટે પુષ્પો નહીં મળવાથી, સંઘની વિનંતી સાંભળીને વજસ્વામીજી આકાશગામિની વિદ્યાથી પદ્મ સરોવર પ્રત્યે ગયા; તથા ત્યાં લક્ષ્મી દેવી પાસેથી સહસ્ત્ર પાંખડીઓવાળાં કમળો અને બીજાં પુષ્પો લાવ્યા. તેમનો આવો પ્રભાવ જોઈને ત્યાંનો રાજા પણ પ્રજા સહિત જૈનધર્મી થયો. એક વખતે વજસ્વામીજીને શ્લેષ્મનો વિકાર થવાથી સૂંઠનો એક ટુકડો શ્રાવકને ઘેરથી મગાવ્યો; તથા વિચાર્યું કે આહાર પાણી કર્યા બાદ હું તે વાપરીશ; એમ વિચારી તેમણે તે ટુકડો પોતાના કાન પર રાખી મેલ્યો. આહાર પાણી લીધા બાદ વિસ્મરણ થવાથી તે ટુકડો કાન પર જ રહી ગયો; સંધ્યા સમયે પ્રતિક્રમણ કરતી વેળાએ મુહપત્તિથી અંગનું પડિલેહણ કરતાં તે ટુકડો નીચે પડ્યો; ત્યારે યાદ આવવાથી તેમને ઘણો પશ્ચાત્તાપ થયો કે, અરે ! આ સંયમાવસ્થામાં મને પ્રમાદ આવ્યો ! માટે મારું સંયમ કલંકવાળું થયું, માટે હવે જીવવું વૃથા છે; એમ નિશ્ચય કરી પોતાના શિષ્ય વજસેનસૂરિજીને પોતાની પાટે સ્થાપી કહ્યું કે, આજથી બાર વર્ષોનો દુકાળ પડશે; તથા જ્યારે તમને લક્ષ મૂલ્યના ભાતમાંથી ભિક્ષા મળશે, તેને બીજે દિવસે સુકાળ થશે. એમ કહી સ્થાવર્ત પર્વત પર જઈ ત્યાં અનશન કરી સ્વર્ગે પધાર્યા. વિક્રમ સંવત ૧૧૪.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org