________________
૨૮
અનુવાદકની પ્રસ્તાવના આગમોમાં કાયોત્સર્ગ મુદ્રામાં ધ્યાન કરતા મહાવીરનાં વર્ણનો આવે છે. ધ્યાનમાર્ગની આ અત્યંત પ્રાચીન પરંપરાને યતિઓ, મુનિઓ, પરિવ્રાજકો વગેરે સાધના દ્વારા પુષ્ટ કરતા રહ્યા છે તેમ જ શિષ્યો દ્વારા કાળપ્રવાહમાં આગળ ધપાવતા રહ્યા છે.
અતૂટપણે સતત વહેતી આ જ યોગની પ્રાચીન પરંપરા બૌદ્ધ પિટકોમાં, જૈન આગમોમાં અને પાતંજલ યોગદર્શનમાં મળે છે. આ યોગસાધનાની પરંપરા એક જ હોવા છતાં ભિન્ન ભિન્ન તત્ત્વવ્યવસ્થાઓએ તેને અપનાવી તેને ભિન્ન ભિન્ન ઓપ આપ્યો છે, આમ છતાં મૂળભૂત યોગસાધનામાર્ગ એક જ રહ્યો છે, પરિભાષામાં થોડોઘણો ભેદ થયો હોવા છતાં મૂળ અર્થ એક જ રહ્યો છે, ભિન્ન ભિન્ન જણીતી યોગસાધનાઓનો આત્મા, તેમનું સત્ત્વ એક જ રહ્યું છે.
બૌદ્ધ વિચારધારાની વાત કરીએ તો અભિધમ્મ પિટક અને તેના ઉપરની બુદ્ધઘોષની (ઇ.સ.૩૮૦) ટીકાઓ યોગસિદ્ધાન્ત અને યોગસાધના વિશેની માહિતીનો ખજાનો છે. વળી બુદ્ધઘોષનો જ વિસુદ્ધિમન્ગ (વિશુદ્ધિમાર્ગ) નામનો વિશાલકાય ગ્રન્થ બૌદ્ધ યોગમાર્ગનું સર્વગ્રાહી નિરૂપણ કરે છે. ચોથી શતાબ્દીના આચાર્ય અસંગે યોગાચારભૂમિશાસ્ત્ર નામનો યોગની ભૂમિકાઓનું વિસ્તૃત નિરૂપણ કરતો મહાકાય ગ્રન્થ રચ્યો છે. પાંચમી શતાબ્દીના વસુબધુનો અભિધર્મકોશ નામનો ગ્રન્થ યોગના સિદ્ધાન્તોની ભરપૂર સામગ્રી પૂરી પાડે છે. આ તો નિદર્શન માત્ર છે. ખરેખર તો ભારતીય વિચારધારાઓમાં બૌદ્ધ - વિચારધારાએ બીજી વિચારધારાઓની સરખામણીમાં યોગસિદ્ધાન્ત, યોગસાધના અને ચિત્તવિજ્ઞાન વિશે અતિ ઊંડું અને ઘણું ચિન્તન કર્યું છે અને આ તેની વિશેષતા છે. વળી, એ પણ નોંધવું જોઈએ કે ભારતીય યોગમાર્ગને ભારત બહાર વિદેશોમાં લઈ જવાનું કામ એક માત્ર બૌદ્ધ ભિક્ષુઓએ જ કર્યું છે. આજનો જાપાનનો ઝેન બૌદ્ધ સંપ્રદાય આનું દષ્ટાન્ત છે. ઝેનનો અર્થ છે ધ્યાન. કહેવાય છે કે ઇ.સ.ની છઠ્ઠી શતાબ્દીમાં બોધિધર્મ નામના ભારતીય બૌદ્ધ ભિક્ષુએ દક્ષિણ ભારતથી ચીન જઈ ત્યાં આ સંપ્રદાયનો પ્રચાર કર્યો છે. છસો વર્ષ તે ચીનમાં સમૃદ્ધ થતો રહ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org