________________
વિશ્વશાંતિ અને જૈન પરંપરા
૭૯ આ જ કારણે આજનો કોઈ પણ સાચો અહિંસાવાદી યા શાન્તિવાદી ગાંધીજીની પ્રેરણાની અવગણના કરી શકતો નથી. આથી આ વિશ્વ શાન્તિવાદી સમેલનની પાછળ પણ આપણે ગાંધીજીના અનોખા વ્યક્તિત્વને પામીએ છીએ.
નિવૃત્તિ-પ્રવૃત્તિ
જૈન કુળમાં જન્મ લેનાર બાળકોમાં કેટલાક એવા સુસંસ્કાર માતૃસ્તન્યપાનની સાથે બીજરૂપમાં આવે છે જે પાછળથી અનેક પ્રયત્નો દ્વારા પણ દુર્લભ છે. ઉદાહરણાર્થ, નિર્માસ ભોજન, મદ્ય જેવી નશીલી ચીજો પ્રતિ ધૃણા, કોઈને ન સતાવવાની તથા કોઈનો પ્રાણ ન લેવાની મનોવૃત્તિ, તથા કેવળ અસહાય મનુષ્યને જ નહિ પરંતુ પ્રાણીમાત્રને સહાયતા પહોંચાડવાની વૃત્તિ. જૈન વ્યક્તિમાં ઉક્ત સંસ્કાર, જન્મજાત સ્વતઃસિદ્ધ હોવા છતાં પણ તે સંસ્કારોની પ્રચ્છન્ન શક્તિનું ભાન સામાન્યપણે ખુદ જૈનોમાં પણ ઓછું દેખાય છે, જ્યારે આવા જ સંસ્કારોના પાયા પર મહાવીર, બુદ્ધ, ક્રાઈસ્ટ અને ગાંધીજી જેવાના લોકકલ્યાણકારી જીવનનો વિકાસ થયેલો જોવામાં આવે છે. તેથી આપણે જૈનોએ આપણા પોતાના વારસાગત સુસંસ્કારોને પિછાણવાની દષ્ટિનો વિકાસ કરવો સૌપ્રથમ જરૂરી છે જે આવા સમેલનના અવસર ઉપર અનાયાસ સંભવ છે. અનેક લોકો જૈન પરંપરાને સંન્યાસપ્રધાન હોવાના કારણે કેવળ નિવૃત્તિમાર્ગી સમજે છે અને ઓછા સમજદાર ખુદ જૈનો પણ પોતાની ધર્મપરંપરાને નિવૃત્તિમાર્ગી માનવા-મનાવવામાં ગૌરવ લે છે. તેથી પ્રત્યેક નવી જૈન પેઢીના મનમાં એક એવો અકર્મણ્યતાનો સંસ્કાર જાણે-અજાણે પડે છે જે તેના જન્મસિદ્ધ અનેક સુસંસ્કારોના વિકાસમાં બાધક બને છે. તેથી પ્રસ્તુત પ્રસંગે આ વિચાર કરવો જરૂરી છે કે વાસ્તવમાં જૈન પરંપરા નિવૃત્તિગામી જ છે કે પ્રવૃત્તિગામી પણ છે, અને - જૈન પરંપરાની દૃષ્ટિએ નિવૃત્તિ તથા પ્રવૃત્તિનો સાચો અર્થ શું છે.
ઉક્ત પ્રશ્નોનો ઉત્તર આપણને જૈન સિદ્ધાન્તમાંથી મળે છે અને જૈન પરંપરાના ઐતિહાસિક વિકાસમાંથી પણ મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org