________________
૭૮
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ જૈન અહિંસા
જૈન પરંપરાના જન્મની સાથે જ અહિંસાની અને તન્લક અપરિગ્રહની ભાવના જોડાયેલી છે. જેમ જેમ આ પરંપરાનો વિકાસ અને વિસ્તાર થતો ગયો તેમ તેમ તે ભાવનાનો પણ ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં અનેક પ્રકારનો ઉપયોગ અને પ્રયોગ થયો છે. પરંતુ જૈન પરંપરાની અહિંસક ભાવના, અન્ય કેટલીક ભારતીય ધર્મપરંપરાઓની જેમ, યાવત પ્રાણીમાત્રની અહિંસા અને રક્ષામાં ચરિતાર્થ થતી આવી છે, કેવળ માનવ સમાજ સુધી કદી સીમિત રહી નથી. ક્રિશ્ચિયન ગૃહસ્થોમાં અનેક વ્યક્તિઓ કે અનેક નાનાં મોટાં દળો વખતોવખત એવાં થયાં છે જેમણે યુદ્ધની ઉગ્રતમ પરિસ્થિતિમાં પણ તેમાં ભાગ લેવાનો વિરોધ મરણાન્ત કષ્ટ સહન કરીને પણ કર્યો છે જયારે જૈન ગૃહસ્થોની સ્થિતિ આનાથી નિરાળી રહી છે. આપણને જૈન ઇતિહાસમાં એવું કોઈ સ્પષ્ટ ઉદાહરણ મળતું નથી જેમાં દેશરક્ષાની સંકટપૂર્ણ ક્ષણોમાં આવનારી સશસ્ત્ર યુદ્ધ સુધ્ધાંની જવાબદારી ટાળવાનો યા, તેનો વિરોધ કરવાનો પ્રયત્ન કોઈ પણ સમજદાર જવાબદાર જૈન ગૃહસ્થ કર્યો હોય. ગાંધીજીની અહિંસા
ગાંધીજી જન્મથી જ ભારતીય અહિંસક સંસ્કારવાળા જ રહ્યા છે. પ્રાણીમાત્ર પ્રતિ તેમની અહિંસાવૃત્તિ અને અનુકંપાવૃત્તિનો સ્રોત સદા વહેતો રહ્યો છે, જેનાં અનેક ઉદાહરણો તેમના જીવનમાં ભર્યા પડ્યાં છે. ગોરક્ષા અને અન્ય પશુપક્ષીઓની રક્ષાની તેમની હિમાયત એટલી તો પ્રગટ છે કે કોઈથી છૂપી નથી. પરંતુ બધાનું ધ્યાન ખેંચનારો તેમનો અહિંસાનો પ્રયોગ દુનિયામાં અજોડ ગણાતી રાજસત્તાની સામે મોટા પાયે અશસ્ત્ર પ્રતિકાર યા સત્યાગ્રહનો છે. આ પ્રયોગે પુરાણી બધી પ્રાચ્યપાશ્ચાત્ય અહિંસક પરંપરાઓમાં પ્રાણ પૂરી દીધો છે, નવચેતના જગાડી દીધી છે, કેમ કે તેમાં આત્મશુદ્ધિપૂર્વક બધાંના પ્રત્યે ન્યાય વ્યવહાર કરવાનો દઢ સંકલ્પ છે અને બીજી તરફ અન્યના અન્યાય પ્રતિ ઝૂક્યા વિના તેનો અશસ્ત્ર પ્રતિકાર કરવાનો પ્રબળ અને સર્વમંકર પુરુષાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org