________________
સંબોધ પ્રકરણ
૮૪
૧૫. વહાણ— જેવી રીતે વહાણ સમુદ્રથી પાર ઉતારે છે, તેવી રીતે સાધુઓ સ્વ-૫૨ને સંસારરૂપ સમુદ્રથી પાર ઉતારે છે.
૧૬. શ્રીફળ– જેવી રીતે શ્રીફળ શુકન ગણાય છે તે રીતે સાધુઓ શુકન રૂપ છે. જેવી રીતે શ્રીફળ ખાવાથી શરીરને પુષ્ટિ આપે છે અને ગરમી દૂર કરે છે તે રીતે સાધુઓ જીવના સમ્યગ્દર્શનાદિ ગુણોને દૃઢ કરે છે અને કષાયોની ગરમીને દૂર કરે છે.
૧૭. શેરડી– જેવી રીતે શેરડી પોતાને પીલનારને પણ મધુર રસ આપે છે તેમ સાધુઓ પોતાને દુઃખ આપનારને પણ પ્રેમરૂપ મધુર રસ આપે છે, તેના પ્રત્યે પણ કરુણા વર્ષાવે છે, તેનું હિત ચિંતવે છે. જેવી રીતે શેરડી ગરમીને દૂર કરે છે તેમ સાધુઓ ભવ્યજીવોની કષાયોની ગરમીને દૂર કરે છે.
૧૮. શંખ— જેવી રીતે શંખ નિરંજન=રંગરહિત હોય છે તેમ સાધુઓ પણ રાગથી રહિત હોય છે.
૧૯. તુંબડું– જેમ તુંબડું સમુદ્રથી પાર ઉતારે છે તેમ સાધુઓ સંસારરૂપ સમુદ્રથી પાર ઉતારે છે. જેમ તુંબડું હલકું હોય છે તેમ સાધુઓ પરિગ્રહના ભારથી રહિત હોવાથી હલકા=ફોરા હોય છે.
૨૦. ચંદન– જેમ ચંદન પોતાને ઘસનારને પણ શીતળતા આપે છે તેમ સાધુઓ પોતાને પીડા આપનારને પણ ક્ષમારૂપ શીતળતા આપે છે. જેમ ચંદન શીતળ હોય છે તેમ સાધુસમાગમ ચંદનથી પણ અધિક શીતળ હોય છે.
૨૧. બૃહસ્પતિ– જેવી રીતે બૃહસ્પતિ (=દેવોના ગુરુ) જ્ઞાન આપે છે તેમ સાધુઓ સમ્યજ્ઞાન આપે છે.
૨૨. મેઘ— જેમ મેઘ પાણી આપીને પરોપકાર કરે છે તેમ સાધુઓ નિઃસ્વાર્થ રીતે ઉપદેશ દ્વારા પરોપકાર કરે છે. જેવી રીતે મેઘ ઉચ્ચ-નીચના ભેદ વિના બધે જ સ્થળે વર્ષે છે તેવી રીતે સાધુઓ ઉચ્ચ-નીચના ભેદ વિના યોગ્ય બધા જ જીવોને ધર્મોપદેશ આપે છે અને બધા પ્રત્યે સમદષ્ટિ રાખે છે.
૨૩. ચંદ્ર- જેમ ચંદ્ર અંધારામાં પ્રકાશ પાથરે છે તેમ સાધુઓ અજ્ઞાનતારૂપ અંધકારમાં અથડાતા જીવોને જ્ઞાનરૂપ પ્રકાશ પાથરે છે. જેમ ચંદ્ર શીતળતા આપે છે તેમ સાધુઓ જીવોને મૈત્રીરૂપ શીતળતા આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org