________________
પરિશિષ્ટ
૨૭૩
(૨) ભયસંજ્ઞા– ભય એટલે ત્રાસ. ત્રાસનો અનુભવ થાય તે ભયસંજ્ઞા. તેના સાત પ્રકાર આ પ્રમાણે છે— ૧. ઇહલોકભય– જીવ જે ગતિમાં હોય તે ગતિવાળા જીવથી ભય તે ઇહલોકભય. જેમ કે મનુષ્યને મનુષ્યથી ભય. ૨. પરલોકભય– જીવ જે ગતિમાં હોય તે ગતિથી બીજી ગતિમાં રહેલા જીવથી ભય તે પરલોકભય. જેમ કે મનુષ્યને દેવોથી ભય. ૩. આદાનભય– કોઇ મારું ધન લઇ લેશે ઇત્યાદિ ભય તે આદાનભય. ૪. અકસ્માત્મય– કોઇ કારણ વિના જ ભય ઉત્પન્ન થાય તે અકસ્માત્ ભય. જેમ કે ધરતીકંપ થશે તો ? મને રોગ થશે તો ? ૫. આજીવિકાભય— જીવનનો નિર્વાહ કેવી રીતે થશે ? એમ જીવનનિર્વાહનો ભય તે આજીવિકાભય. ૬. અપયશભય– લોકમાં મારો અપજસ ફેલાશે તો ? ઇત્યાદિ ભય તે અપયશભય. ૭. મૃત્યુભય– મરણનો ભય તે મૃત્યુભય. મોહાધીન જીવો સદા આ સાત ભયોથી દુ:ખી થતા હોય છે.
(૩) મૈથુનસંજ્ઞા— સ્ત્રી આદિ વિજાતીય કે સજાતીય સાથે મૈથુન સેવવાની ઇચ્છા તે મૈથુનસંજ્ઞા. અહીં પણ આસક્તિપૂર્વકની ઇચ્છા સમજવી. તેવા તેવા નિમિત્તોથી આ સંજ્ઞા પ્રગટે છે. સ્ત્રી સંબંધી વાતો કરવી, સાંભળવી, સ્ત્રીના રૂપનું કે અંગોપાંગનું નિરીક્ષણ કરવું, સ્ત્રીઓની સાથે એકાંતમાં બેસવું કે તેની સાથે વાતો કરવી, મનમાં સ્ત્રીનું ચિંતન કરવું, પતિ-પત્નીની પ્રેમકથાઓ વાંચવી-સાંભળવી, શરીરમાં લોહી-માંસની અતિશય વૃદ્ધિ થવી વગેરે નિમિત્તોથી મૈથુનસંજ્ઞા પ્રગટે છે. મૈથુનસંજ્ઞાના કારણે જીવો અનેક અનર્થો પામે છે.
(૪) પરિગ્રહસંજ્ઞા– ધન વગેરે ભૌતિક વસ્તુઓ ઉપર મૂર્છા તે પરિગ્રહ સંજ્ઞા. ધનની જરૂર ન હોવા છતાં ધન મેળવવાનો પ્રયત્ન કરવો, પુણ્યથી મળેલા ધનનો સદુપયોગ કરવાનું મન ન થાય, ધન ચાલ્યું ન જાય તેનો સતત ભય રહે, પોતાની પાસે હોય અને અન્યને ધનની જરૂર હોવા છતાં આપવાનું મન ન થાય, વગેરે પરિગ્રહસંજ્ઞાનું જ સ્વરૂપ છે.
(૫) ક્રોધસંજ્ઞા— અપ્રીતિ થવી તે ક્રોધ સંજ્ઞા છે. મુખ આદિના વિકારોથી, તેવા પ્રકારના વચનથી અને તેવા પ્રકારની પ્રવૃત્તિથી ક્રોધ સંજ્ઞાની અભિવ્યક્તિ થાય છે. આ સંજ્ઞાથી જીવ આ ભવ અને પરભવ એમ બંને ભવમાં દુઃખી થાય છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org