________________
સંબોધ પ્રકરણ
૨૩૪
(૧) શંકિત— ઉદ્ગમ દોષોમાં કહ્યા તે આધાકર્મ વગેરેમાંથી કોઇ દોષની ચિત્તમાં શંકા હોય છતાં સાધુ જે (નિર્દોષ પણ) આહારાદિ લે, તે ‘શંકિત’ દોષવાળો કહેવાય. એમાં શંકાપૂર્વક લેવું અને શંકા છતાં ભોજન કરવું, એ બે પદોની આ રીતે ચતુર્થંગી થાય છે. ૧. લેતી વખતે શંકા છતાં લજ્જાદિને વશ પૂછ્યા વિના લે અને શંકા દૂર ન થવા છતાં ભોજનકાળે ભોજન પણ કરે. ૨. લેતી વેળા શંકા છતાં લે પણ તે પછી કોઇના કહેવા વગેરેથી તે શંકા ટળે-નિર્દોષની ખાત્રી થાય પછી ભોજન કરે, ૩. લેતી વેળા શંકા વિના જ નિર્દોષ સમજીને લે અને પાછળથી કોઇ કારણે દોષિત હોવાની શંકા થાય છતાં ભોજન કરે, અને ૪. લેતાં અને ભોજન કરતાં પણ શંકા ન હોય, નિર્દોષ સમજીને લે અને વાપરે. એ ચારમાં બીજો અને ચોથો ભાંગો ભોજનવેળા નિર્દોષની ખાત્રીવાળા હોવાથી શુદ્ધ છે. આ શંકા પણ આધાકર્માદિ સોળ ઉદ્ગમદોષો અને હવે પછી કહેવાશે તે પ્રક્ષિતાદિ નવ ગ્રહણૈષણાના દોષો મળી પચીશ પૈકી જે કોઇ દોષની શંકા હોય, તે દોષવાળો તે પિંડ ગણાય, અર્થાત્ જે દોષની શંકા હોય, તે દોષ લાગે.
(૨) પ્રક્ષિત– સચિત્ત પૃથ્વીકાય-અકાય-વનસ્પતિકાયથી કે અચિત્ત છતાં નિન્દ એવા દારૂ વગેરેથી ખરડાયેલો આહારાદિ પિંડ ‘પ્રક્ષિત’ કહેવાય. તેવા નિન્દ પદાર્થથી ખરડાયેલો પિંડ સર્વ રીતે અકલ્પ્ય સમજવો, અને ઘી-દૂધ વગેરે ખાદ્યપદાર્થથી જો ખરડાયેલો હોય, તો તેને લાગેલા કીડી આદિ જીવોની જયણા (દૂર) કર્યા પછી ‘કલ્પ્ય’ પણ થઇ શકે. અહીં (પણ) હાથ અને વહોરાવવાનું પાત્ર ખરડાવાને યોગે ચાર ભાંગા થાય છે. (૧. હાથ અને પાત્ર બંને ખરડાય, ૨. હાથ ખરડાય-પાત્ર નહિ, ૩. પાત્ર ખરડાય-હાથ નહિ અને ૪. બંને ન ખરડાય.) એમાં ચોથો ભાંગો શુદ્ધ જાણવો, પહેલા ત્રણ ભાંગામાં ખરડાવાને કારણે ‘પુરઃકર્મ, પશ્ચાત્કર્મ’ વગેરે દોષોની સંભાવના હોવાથી તે અશુદ્ધ જાણવા. તેમાં પુરઃકર્મ એટલે દાન દેતાં પહેલાં ગૃહસ્થ સાધુને નિમિત્તે હાથ-પાત્ર વગેરેના (સચિત્ત પાણી વગેરેથી) ધોવે–સાફ કરે તે અને પશ્ચાત્કર્મ એટલે ગૃહસ્થ વહોરાવ્યા પછી ખરડાયેલાં હાથ-પાત્રાદિને ધોઇને સાફ કરે તે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org