________________
એકદા રાજ્યસભામાં સર્વે બ્રાહ્મણો પોતપોતાના ઉચિત સ્થાને બેઠા હતા તેવામાં શ્રી હેમચંદ્રને આવતા જોઈ ઈર્ષાથી એક તેમાંનો મુખ્ય બોલી ઉઠ્યો.
आगतो हेमगोपालो दण्डकम्बलमुद्वहन् ॥
દાંડો તથા કમ્બલ ધારણ કરનાર હેમગોવાળ આ આવ્યો. તેને તો હાસ્યમાં સૂરિની કામળી તથા હાથમાં દાંડો જોઈ ગોવાળની ઉપમા આપી પણ અવસરના જાણકાર સૂરિએ ખોટું નહિ લગાડતાં તરત જ પ્રત્યુત્તર પણ શ્લોકમાં આપ્યો.
षड्दर्शनपशुप्रायांश्चारयन् जैनवाटके ॥१॥
જૈનધર્મરૂપી બગીચામાં છ દર્શનરૂપી પશુઓને ચરાવનાર હું ગોપ છું. તેમને આ ઉત્તર સાંભળી સર્વે સ્તબ્ધ બની ગયા અને તેમની પ્રશંસા કરવા લાગ્યા.
એક સમયે કુમારપાળ નામનો સિદ્ધરાજના ભાઈ ત્રિભુવનપાળનો પુત્ર રાજ્યસભામાં આવ્યો. ત્યાં સિદ્ધરાજની પાસે બેઠેલા હેમાચાર્યની દિવ્ય મુખાકૃતિ જોતાં તેના મનમાં વિચાર આવ્યો કે આ કળાસાગર જૈન મુનિશ્વર રાજાને પણ માન્ય છે માટે ખરેખર કોઈ સાત્વિક ગુણના સમુદ્ર જેવા હશે, અને તેમના દર્શનથી ખરેખર હું ભાગ્યશાળી થઈશ, અને મારા આત્માને કૃતકૃત્ય માનીશ. આવા વિચારથી તે સૂરિની પાછળ તેમના ઉપાશ્રયે ગયો, અને તેમનું દર્શન તથા વંદન કરી આનંદિત થયો. કુમારપાળ ત્યાં કેટલાક દિવસ સુધી રહ્યો, તે સમયમાં તે સૂરિની પાસે અહર્નિશ આવતો અને તેમની અમૃતરૂપ વાણીનું પાન કરી આનંદમાં તેમજ ભક્તિરસમાં મગ્ન થતો. એક સમયે જગતમાં કયો ગુણ સર્વથી શ્રેષ્ઠ તે સમ્બન્ધી ચર્ચા ચાલતાં સૂરિએ કહ્યું કે પરસ્ત્રી સાથે ભાઈ તરીકે વર્તવું અને તે સાથે સત્ત્વગુણની વૃદ્ધિ કરવી તે સિવાય આ જગતમાં બીજો ઉત્તમ ગુણ નથી. કહ્યું છે કે :- प्रयातु लक्ष्मीश्चपलस्वभावा गुणा विवेकप्रमुखाः प्रयान्तु ।
प्राणाश्च गच्छन्तु कृतप्रयाणाः मा यातु सत्त्वं तु नृणां कदाचित् ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org