________________
ધ્યાન અને કાયોત્સર્ગ • પર્યક્ર ભેદ
રહ્યું હતું. એક તીવ્ર મધુર કંપારી હું અનુભવતો અને પછી અપાર્થિવ આનંદમાં ડૂબી જતો. આ સમયે પેલા સાધુએ મારી બહુ સારસંભાળ લીધી. મારી સ્થિતિ એ બરાબર સમજી ગયો હતો. એ પાસે ન હોત તો કદાચ આ શરીર ટક્યું ન હોત.
એક બ્રહ્માંડવ્યાપી આનંદસાગરમાં હું નિમગ્ન થઈ જતો હતો. અને ક્યારેક કિનારે આવતો ત્યારે દરેક વસ્તુનું રહસ્ય મારી સામે અનાયાસે પ્રગટ થતું. કોઈ વ્યક્તિને જોઉં તો એનું જીવન છતું થઈ જાય. કોઈ વસ્તુ જોઉં તો એનો ઇતિહાસ ખૂલી જાય. કોઈ વનસ્પતિ જોઉં તો એના ગુણધર્મ અંતરમાં ઊગવા લાગે. જાણે મારામાં સર્વ કાંઈ આવી ગયું હતું અને મારો સર્વમાં પ્રવેશ થઈ ગયો હતો. મારે પોતાને માટે પછી કોઈ પ્રશ્ન ન રહ્યો. કોઈ આશા કે આશંકાનું નામનિશાન ન રહ્યું. શાંતિ શાંતિ છવાઈ ગઈ.”
યોગી હરનાથના વ્યક્તિત્વમાં એ શાંતિ બીજાને પણ શાંતિ પમાડે એવી ચંદનની જેમ વણાઈ ગઈ હતી. પણ પેલું રહસ્યજ્ઞાન અત્યારે છે કે નહિ તે મેં પૂછી જોયું.
“આપને જે અનાયાસ જ્ઞાનની ફુરણા થતી તે અત્યારે થાય છે ?”
“ના, પહેલાં જેવો ઉછાળો નથી રહ્યો. પણ ભીતર અખ્ખલિત પ્રવાહ વહી રહ્યો છે એની પ્રતીતિ છે.”
આટલું કહી યોગી હરનાથે જરા તાનમાં આવી કંઈક મજાકભર્યા સ્વરે ગાયું :
મન મસ્ત હુઆ તબ ક્યાં બોલે ? હીરા પાયો, ગાંઠ ગંઠિયાયો, બાર બાર વાકોં ક્યોં ખોલે ?”
૧૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org