SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ કરવાનો તેમ જ કાર્યનાશ કરવાનો પણ ગુણ ધરાવતાં હોય છે. જેમકે, માટલું બનાવવા માટે દંડલાકડીની જરૂર પડતી હોય છે, પરંતુ તે જ દંડ દ્વારા માટલું ફૂટી પણ શકે છે. એટલે તેને અપુષ્ટ નિમિત્ત કહેવાય છે. તેલને સુગંધી બનાવવામાં ફૂલો જોઈએ, પરંતુ આ ફૂલોમાં ક્યારેય તેલને દુર્ગધી બનાવવાનો ગુણ હોતો નથી, માટે તે પુષ્ટ નિમિત્ત કહેવાય છે. પરમાત્મા પણ મોક્ષમાર્ગમાં પ્રબળ સહાયક નિમિત્તરૂપ હોવાથી પુષ્ટ નિમિત્ત છે. તે માટે કવિ સર્વ સાધકોને પરમાત્માનો પ્રબળ આદર કરવાનું કહે છે. કવિ પોતાની વાતને સૂર્ય, ઉત્તરસાધક અને પારસમણિનાં ઉદાહરણો દ્વારા પણ સ્પષ્ટ કરે છે. કવિ આ રીતે ભક્તિની દાર્શનિક સ્થાપના કરે છે, પરંતુ તેઓ સમજણ વિનાની ભક્તિનો મહિમા કરતા નથી. ભક્તિમાં જ્યારે પરમાત્મગુણોનું જ્ઞાન ભળે, ત્યારે ભક્તિ વિશેષ ફળવતી બને છે. આજ સુધી જીવે સાંસારિક-લૌકિક પ્રીતિમાં સ્વના મોહને, સ્વાર્થ સાથે પ્રીતિ કરી છે. આ જીવ અનાદિકાલીન રીતે જ પરમાત્મા સાથે પ્રીતિ કરવા લલચાય છે. પરંતુ કવિ મન પર સંયમ રાખી પરમાત્માને જ તેમની શુદ્ધ, નિર્વિષ પ્રીતિ કરવાનો માર્ગ પ્રથમ સ્તવનમાં પૂછે છે. સમગ્ર સ્તવનચોવીશીમાં આ વિશુદ્ધ પ્રીતિનો માર્ગ ગૂંથાયેલો છે. આ નિર્મળ પ્રીતિ એટલે ગુણોની પ્રીતિ, પરમાત્માના ગુણોને જાણીને કરાયેલી પ્રીતિ. કવિ આ પ્રીતિનું વર્ણન કરતાં કહે છે; જ્ઞાનાદિક ગુણસંપદા રે, તુજ અનંત અપાર. તે સાંભળતા ઉપની રે, રુચિ તેણે પાર ઉતાર. (૨, ૧). તે જ રીતે પરમાત્મ ગુણોની અનંતતા વર્ણવતા કહે છે; “ચરમ જલધિ જમિણે, અંજલિ, ગતિ આપે અતિવાયજી સર્વ આકાશ ઓલંઘે ચરણે, પણ પ્રભુતા ન ગણાયજી. (૧૦, ૨) સ્વયંભૂરમણ સમુદ્ર (અતિ વિશાળ સમુદ્ર)ના જળને કોઈ અંજલિથી માપી શકે, શીધ્ર ગતિથી પવનને જીતી શકે કે સમગ્ર આકાશને ચાલીને પાર કરી શકે પરંતુ પરમાત્મગુણોનો પાર પામી શકાતો નથી. એમ છતાં, કવિ પરમાત્માના ગુણોને વિવિધ રીતે વર્ણવવાના વિવિધ સ્તવનોમાં પ્રયત્ન કરે છે. કવિ સાતમા સ્તવનમાં પરમાત્માના પરસ્પર વિરોધી એવા ગુણોને ઓળખાવતાં કહે છે, હે પ્રભુ, તમે સંરક્ષણ વિના પણ સર્વ જીવોના શરણરૂપ હોવાથી નાથ છો અને ધન-કંચન આદિ દ્રવ્યોથી રહિત હોવા છતાં પરમ ગુણસંપત્તિને ધારણ કરનારા હોવાથી ધનવાન છો, તેમ જ કોઈ ક્રિયા ન કરવા છતાં આત્મસ્વભાવના કર્તા છો. આપ અગમ્ય, અગોચર અને પૌગલિક સુખોથી પર શાશ્વત સુખના ભોક્તા છો. કવિ અગિયારમા સ્તવનમાં આનંદઘનજીની જેમ ત્રિભંગી વડે પરમાત્મગુણોનું વર્ણન કરે છે. કવિ કહે છે કે, પરમાત્મામાં એક એક ગુણ ત્રણ ત્રણ રૂપે પરિણમ્યા છે. પરમાત્મા પોતે કેવળજ્ઞાનરૂપ ગુણ ધરાવે છે, એ ગુણ વડે સર્વ જગતને જુએ છે. સર્વ જગત એ કારણ છે, અને જોવું એ ક્રિયા છે, પરંતુ કેવળજ્ઞાન એ એવું જ્ઞાન છે કે, જેને લીધે સમગ્ર જ્ઞાન જ્ઞાની સાથે એકરૂપ બની રહે છે, માટે કર્તા, કાર્ય અને કારણની એકરૂપતાથી આ ત્રણે પરમાત્માગુણ રૂપે પરિણમ્યા છે. - જ્ઞાનપ્રધાન ચોવીશી ઃ ૨૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy