________________
૨૫૭
જ્ઞાનયોગી માટે પણ સમતા આવશ્યક – ગાથા-૧૨ વિશેષાર્થ :
‘પૂર્વ કર્મના ઉદયથી જ્ઞાનીને થતા કષાયો આભાસિક છે, વાસ્તવિક નથી' – એવું કહેવું તે જરા પણ સાચું નથી પણ અભિમાન માત્ર છે, કેમ કે દુનિયાનો દસ્તુર છે કે બે વિરોધી ભાવો એક સાથે ન રહે, તેથી જે ભાવ, વિરોધી ભાવ ઉત્પન્ન થતાં નાશ પામી જવાના સ્વભાવવાળો હોય, તે ભાવ વિરોધી ઉત્પન્ન થતાં નાશ પામી જ જાય. જેમ અંધકાર અને પ્રકાશ બે વિરોધી ભાવો છે, તેથી પ્રકાશ થતાં અંધારું ટકતું નથી.
આત્મામાં વર્તતા ભાવોમાં પણ આ જ ન્યાય પ્રવર્તે છે, તેથી એકબીજાના પ્રતિપક્ષી એવા જ્ઞાન અને અજ્ઞાન સાથે રહેતા નથી. જ્ઞાન પ્રગટતાં અજ્ઞાન નાશ પામી જાય છે. તેમ કષાય અને સમતા પણ વિરોધી ભાવો છે, આથી જ સામ્યયોગ પ્રગટતાં કષાયો પણ નાશ પામી જાય છે. તે જ વ્યક્તિમાં કષાયો સંભવે કે જેનામાં સામ્યયોગ ન પ્રગટ્યો હોય, પછી તે કહેવાતો જ્ઞાની હોય કે અજ્ઞાની. તેથી જ્ઞાનીમાં જો કષાયો દેખાતા હોય તો સમજવું જોઈએ કે તેમનામાં હજુ સામ્યયોગ પ્રગટ્યો નથી, આથી જ તેમના કષાયો આભાસિક નહિ પણ વાસ્તવિક માનવા જોઈએ અને એ વાસ્તવિક કષાયોને કાઢવા જ્ઞાનીને પણ સામ્યયોગનો સહારો લેવો જ પડે છે. *
હકીકતમાં પરિણત તત્ત્વજ્ઞાનને કારણે જ્ઞાનીનું ચિત્ત મોટા ભાગે કષાયોની અસરથી અતિ વ્યગ્ર બનતું નથી, તેથી ઉપલક દૃષ્ટિથી એવું જણાય કે તેમના કષાયો નાશ પામી ગયા છે, આમ છતાં પ્રારબ્ધથી ઉત્પન્ન થતાં એટલે કે અવિરતિ પ્રાપ્ત કરાવનાર ચારિત્ર મોહનીયકર્મના ઉદયથી જ્ઞાનીમાં પણ કષાયો વર્તે છે અને તે વાસ્તવિક કષાયોથી જ જ્ઞાની સંસારમાં પ્રવૃત્તિ કરે છે. જ્ઞાન દ્વારા નાશ નહીં પામેલા તે કષાયો કે કર્મોનો નાશ કરવા જ્ઞાનીને પણ સામ્યયોગ સાધવો પડે છે. જ્યારે તેમનામાં નિર્વિકલ્પ અવસ્થાનો ઉચ્ચતમ સામ્યયોગ પ્રગટશે ત્યારે તેના પ્રતિપક્ષી એવા કષાયો નાશ પામી જશે.
આ રીતે સમતાથી જ્યારે જ્ઞાનીના નષ્ટપ્રાય: સૂક્ષ્મ કષાયોનો પણ નાશ થાય છે ત્યારે જ તેમનું મોક્ષ તરફ અસ્મલિત પ્રયાણ થાય છે, તેથી માત્ર જ્ઞાનથી મોક્ષ નથી મળતો, પણ મોક્ષ મેળવવા જ્ઞાનયોગીને પણ સમતા પ્રાપ્ત કરવી અતિ આવશ્યક છે. તે જ આ શ્લોકનું તાત્પર્ય છે. /૧૨ી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org