________________
૧૫૨
વિશેષાર્થ :
‘ચિન્તાજ્ઞાન’નું નામ જ એ સૂચવે છે કે, ઊંડા ચિંતન અને મનનથી થતું જ્ઞાન. આ જ્ઞાન તર્ક-વિતર્ક, યુક્તિપ્રયુક્તિ અને અન્વય-વ્યતિરેકની વિચારણાપૂર્વકનું હોય છે. તે વાક્યાર્થના જ્ઞાન પછી થતાં મહાવાક્યાર્થના જ્ઞાનથી ઉત્પન્ન થાય છે, તેમાં મહાવાક્યાર્થ એટલે અનંત ધર્માત્મક વસ્તુને સંપૂર્ણપણે જાણવાની તીવ્ર આકાંક્ષા; આ આકાંક્ષામાંથી ઉત્પન્ન થયેલું જ્ઞાન એ જ ચિન્તાજ્ઞાન છે. આથી જ તેમાં શાસ્ત્રના એકેક વચન ઉપર ઊંડું ચિંતન ચાલે છે. જેમકે શાસ્ત્રમાં કહ્યું હોય કે, ‘કોઈ પણ જીવની હિંસા ન કરવી જોઈએ.' અને વળી, બીજું વચન એવું હોય કે, ‘સંપૂર્ણ અહિંસા પાળવા સાધુએ વિહાર પણ કરવો જોઈએ.’ અને ‘શ્રાવકોએ જિનમંદિર બંધાવવાં, સંઘ કઢાવવા, સાધર્મિક ભક્તિ કરવી વગેરે'; આમ જે કાર્યોમાં છકાયના જીવોની હિંસાની સંભાવના છે તેવાં વિધાનો ક૨વાં; તે કઈ રીતે ઘટે ? - આવા પ્રશ્નો ઉપર ઊંડું ચિંતન કરી, અનેક યુક્તિઓપૂર્વક તેનું નયસાપેક્ષ સમાધાન મેળવવાની ક્ષમતા ચિંતાજ્ઞાનમાં હોય છે.
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
જો કે શ્રુતજ્ઞાનીને પણ ‘જો સુખી થવું હોય તો હિંસા ન કરવી જોઈએ.' તેવું સામાન્ય વાક્યાર્થનું જ્ઞાન હોય છે, તેના ઉપર તે ચિંતન પણ કરે છે. ચિંતન કરતાં તેને પણ અનેક પ્રશ્નો ઉઠે છે, તેના સમાધાનો પણ તે મેળવે છે; પરંતુ નયની સૂક્ષ્મ યુક્તિઓ સમજવાની ક્ષમતા નહીં હોવાને કારણે તેનાં સમાધાનો અતિ સામાન્ય કક્ષાનાં હોય છે.
જ્યારે ચિન્તાજ્ઞાનની ભૂમિકાને સ્પર્શેલો સાધક તેનું ખૂબ ઊંડાણથી અને અન્ય યુક્તિઓથી ખંડિત ન થાય તેવું સમાધાન મેળવી શકે છે, કારણ કે તે દરેક પદાર્થોને સ્યાદ્વાદની દૃષ્ટિથી જોઈ શકે છે. ભગવાનના એક એક વચનને નય સાપેક્ષ રીતે મૂલવી શકે છે. હિંસા અને અહિંસાના વિવિધ પ્રકારો જાણી શકે છે. તેથી તેને સમજાય છે કે દ્રવ્યહિંસા કરતાં ભાવહિંસા વધારે ઘાતક છે કારણ કે રાગાદિ ભાવોરૂપ ભાવહિંસા જ કર્મબંધમાં મોટો ભાગ ભજવે છે અને દ્રવ્યહિંસાની પરંપરા પણ તે જ સર્જે છે.
ભાવહિંસાથી બચવા માટે જ ભગવાને સાધુ માટે વિહારનું, લોચનું કે તપાદિનું વિધાન કર્યું છે. એક સ્થાને રહેવામાં, વાળની સાચવણી કરવામાં કે શરીરને હૃષ્ટ-પુષ્ટ કરવામાં જે રાગાદિ ભાવો વધે છે તે જ ભાવો દ્રવ્યહિંસાની પરંપરાનું કારણ બને છે. વળી, સ્ત્રી, પુત્ર, પરિવાર કે શરીર આદિના રાગને કારણે જ સંસારી જીવો અનંતા જીવોને પીડે છે, દુઃખ આપે છે. પોતાના કે પોતાની માનેલી વ્યક્તિના સુખ માટે અન્ય જીવોની હિંસા કરતાં તેમને પોતાના આત્માનું કે અન્યનું શું થશે તેનો વિચાર પણ આવતો નથી. જીવમાં જો રાગાદિ ભાવો ન હોય તો જીવ અન્યને પીડા ઉપજે તેવી પ્રવૃત્તિઓ કરે જ નહીં, તેથી સ્વ-૫૨ દુઃખદાયક દ્રવ્યહિંસા ઘટાડવા ભાવહિંસા ઘટાડવી પડે. આ વાત ચિન્તાજ્ઞાનસંપન્નને સહેલાઈથી સમજાય છે. આ વાત શ્રુતજ્ઞાનવાળાને પણ સમજાય છે અને ચિંતાજ્ઞાનવાળાને પણ સમજાય છે; પરંતુ શ્રુતજ્ઞાનવાળા કરતાં ચિંતાજ્ઞાનવાળો સાધક આ વાતને ઊંડાણપૂર્વક અને નયસાપેક્ષ રીતે વિચારી શકે છે.
આવી સમજણ પ્રાપ્ત થવાને કારણે ચિન્તાજ્ઞાનસંપન્ન વ્યક્તિને ખ્યાલ આવે છે કે, પરિણામની શુદ્ધિને ઇચ્છતા નિશ્ચયનયને સામે રાખીને જ શાસ્ત્રકારોએ રાગાદિને દૂર કરવા માટે વ્યવહારથી વિહારાદિનાં વિધાનો કર્યાં છે. આ રીતે શાસ્ત્રના કોઈપણ વિધાનનો કે કોઈપણ પદાર્થનો જ્યારે પ્રમાણ-નય-સાપેક્ષ યથાર્થ
1. महावाक्यार्थजं | = वस्त्वाकाङ्क्षारूपेण जनितम्
- દા. દા. વૃત્તો ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org