________________
૧૦૦
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
ભાવાર્થ :
પરસ્પર વિરોધી એવા નયોના સંગ્રહ સમાન અનેકાન્તમાં વિરોધ કેમ ન આવે ? એવા પ્રશ્નના જવાબમાં વિદ્વાન ગણાતા પૂર્વપક્ષની અણસમજ પ્રત્યે ખેદ વ્યક્ત કરતાં હંત ! કહીને ગ્રંથકારશ્રી કહે છે કે, જુદી જુદી અપેક્ષાને કારણે અભિપ્રાયભેદ ધરાવતા નયોના સમૂહસ્વરૂપ અનેકાન્તવાદમાં વિરોધ શી રીતે આવે ? અર્થાતુ અપેક્ષાભેદ હોવાથી જુદા જુદા અભિપ્રાયો ધરાવતા નયોમાં વિરોધ ન આવે. વિશેષાર્થ :
પૂર્વપક્ષીનું એમ કહેવું છે કે, “સ્યાદ્વાદ પરસ્પર વિરુદ્ધ અભિપ્રાય ધરાવતા નયોના સમૂહસ્વરૂપ છે. પરસ્પર વિરુદ્ધ અભિપ્રાય ધરાવતા નયોને જ્યારે ભેગા કરવામાં આવે ત્યારે તો નક્કી વિરોધ ઊભો થાય અને જો અનેકાન્તના અંગભૂત નયોમાં પરસ્પર વિરોધ ઊભો થાય તો અનેકાન્તમાં સંવાદીપણું શી રીતે ઘટે ?'
પૂર્વપક્ષીના આવા કથનના પ્રત્યુત્તરમાં પૂજ્ય મહામહોપાધ્યાયજી ભગવંત વિદ્વાન ગણાતા પ્રશ્નકારની અણસમજ ઉપર ઢન્ત શબ્દ દ્વારા અત્યંત ખેદ અને નારાજગી વ્યક્ત કરતાં કહે છે કે, નયોના અને તેના સમૂહરૂપ અનેકાન્તના સ્વરૂપને ન સમજવાના પરિણામે જ તમને આવો પ્રશ્ન ઊભો થાય છે. જો નયોના તથા અનેકાન્તના સ્વરૂપનો યથાર્થ બોધ હોય તો આવા પ્રશ્નને અવકાશ જ રહેતો નથી, કારણ કે અનેકાન્તવાદના અંગભૂત નયોનો અભિપ્રાયભેદ અપેક્ષાપૂર્વકનો હોય છે.
પૂર્વના શ્લોકમાં જણાવ્યું તેમ જો અપેક્ષાને બાજુ ઉપર મૂકીને એટલે નિરપેક્ષપણે વિચારતાં જો અભિપ્રાયભેદ આવતો હોય તો તેના સમુચ્ચયમાં એટલે કે તેને ભેગા કરવામાં જરૂર વિરોધ આવે, જ્યારે અપેક્ષાપૂર્વક અભિપ્રાયભેદ હોય તો કદી પણ વિરોધ સંભવી શકતો નથી, પરંતુ સમ્યગુ અને યથાર્થ બોધ થાય છે.
નિરપેક્ષપણે અભિપ્રાયભેદ ધરાવવો તે દુર્નયનું લક્ષણ છે. આવા દુર્નયોના સમૂહમાં જરૂર વિરોધ સંભવે, પણ સાપેક્ષપણે અભિપ્રાયભેદ ધરાવવો તે તો સુનયનું લક્ષણ છે. આવા સુનયોના સમુચ્ચયમાં વિરોધ કેવી રીતે આવે ? આવો પ્રશ્ન કરી ગ્રન્થકારશ્રી એમ જણાવવા માંગે છે કે, આ રીતે અપેક્ષાભેદથી વિચાર કરવામાં આવે તો પરસ્પર કોઈ વિરોધ રહેતો નથી. ઊલટાનું સાપેક્ષપણે પદાર્થનું પ્રતિપાદન કરતા સુનયોના સમૂહને તો સમ્યગુદર્શન કહેવાય છે, તેથી નયોના સમૂહરૂપ સ્યાદ્વાદમાં ક્યારેય ક્યાંય વિસંવાદ આવતો નથી, ઊલટું સર્વત્ર સ્યાદ્વાદથી જ સંવાદિતા સાધી શકાય છે, તેથી સ્પષ્ટ છે કે, સ્યાદ્વાદ એ નિશ્ચિતતાનો સૂચક છે અનિશ્ચિતતાનો નહિ.
આચાર્યદેવ શ્રીમદ્ વિજય સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાએ તો કહ્યું છે કે, જેમ રત્નો ગમે તેવાં પાણીદાર અને કીમતી હોય પણ જ્યાં સુધી તે બધા છૂટાં હોય, ત્યાં સુધી તે “રત્નાવલી” કે “હાર' કહેવાતાં નથી. તે જ રત્નો જ્યારે યોગ્ય રીતે ગોઠવીને દોરામાં પરોવી દેવામાં આવે તો તે વૈર્ય, હીરા, માણેક વગેરે પોતાના ખાસ નામો છોડી “હાર' એવું નામ ધારણ કરે છે. તેમ દરેક નયવાદ પોતપોતાના પક્ષમાં ગમે તેટલો મજબૂત હોય; પરંતુ જો તે બીજા પક્ષની દરકાર ન કરે તો તે નિરપેક્ષ નયો “સમ્યગ્દર્શન' કહેવાતા નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org