________________
છેલ્લા દિવસો
જેમ વખત જતો ગયો તેમ મહારાજશ્રીને હરસમસાની અને મોટી થઈ ગયેલ પ્રોસ્ટેટ ગ્લેન્ડની તકલીફ ઓછી થવાને બદલે વધતી ગઈ, અને એને કારણે ઝાડો અને પેશાબ-એ બન્ને કુદરતી હાજતોમાં અવાર-નવાર અવરોધ આવવા લાગ્યો. પરિણામે હરસમસામાંથી લોહી પડતું રહેવાને કારણે અશક્તિ અને બેચેની બન્નેમાં વધારો થતો ગયો. છેવટે લાગ્યું કે હોમિયોપેથી, આયુર્વેદિક કે બીજા આડા-અવળા ઉપચારોમાં કાળક્ષેપ કરવો એ જાણીજોઈને જોખમને નોતરવા જેવી ભૂલ છે, એટલે છેવટે એલોપેથીનો વ્યવસ્થિત ઉપચાર કરાવવાનું નક્કી કરવામાં આવ્યું. ડૉ. પન્નાલાલ પતરાવાળા મહારાજશ્રીની સંભાળ ખૂબ ભક્તિપૂર્વક રાખતા હતા, એટલે કે કંઈ ઉપચારો કરાવવામાં આવતા તે એમને જણાવીને જ કરાવવામાં આવતા, પણ એનું કંઈ પરિણામ ન આવ્યું, તેથી તેઓ પણ સચિંત હતા. અને મહારાજશ્રીને તો ફક્ત એટલાથી જ સંતોષ હતો કે તાવતરિયાની કે શરીરના કોઈ પણ ભાગમાં સહન થઈ ન શકે એવા દુ:ખાવાની વેદના ન થાય એટલે બસ. બાકી, શરીરની આળપંપાળની બાબતમાં કે જીવન કે મૃત્યુની બાબતમાં તેઓ, કોઈ યોગસિદ્ધ આત્માની જેમ, સાવ નચિંત, સમભાવી અને અલિપ્ત હતા, પણ બીજાઓને માટે આવી વાતના મૂક સાક્ષી બની ચૂપ બેસી રહેવું એ શક્ય ન હતું. છેવટે ડૉ. પતરાવાળા, શ્રીયુત ફૂલચંદભાઈ શામજી અને બીજાઓએ ડૉ. મુકંદભાઈ પરીખની સલાહ લેવાનું નક્કી કર્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org