________________
૧૪
કોટિલીય અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
જડ બળના આધિપત્યને અટકાવે છે, તેમ કોઈ પણ જાતની કટ્ટર મનોવૃત્તિને પણ જામવા દેતું નથી. તેથી સર્વ ધર્મપરંપરા, સર્વ જાતિ, સર્વ બોલી, સર્વ લિંગ ઇત્યાદિની નિજ-નિજ પ્રતિષ્ઠા તેમાં સધાય છે.
પ્રાચીન ભારતીય શાસન-વ્યવસ્થાના સિદ્ધાંતગ્રંથો જોતાં અને દીર્ઘકાલીન ઐતિહાસિક વસ્તુસ્થિતિ તપાસતાં, એકંદરે “એકરાજ્ય'-પદ્ધતિ ચિરપ્રતિષ્ઠિત રહી છે. “એકરાજય' એટલે એક શાસકના આધિપત્યવાળું તંત્ર. વત્તેઓછે અંશે અજમાવાયેલા અન્ય સંભવિત શાસનપ્રકારો પૈકી રાજય” (બ વ્યક્તિના સંયુક્ત આધિપત્યવાળું રાજય), “વૈરાજય' (એકાધિક શાસકો દ્વારા શાસિત રાજ્યતંત્ર – આ કાં તો ઉમરાવશાહી હોય યા અન્ય મતે લોકતંત્ર; પ્રા. કંગલેના મતે વિદેશી રાજાનું શાસન), સંઘતંત્ર કે ગણતંત્ર (પ્રજાપ્રતિનિધિઓનું કે ઉમરાવોનું શાસન) ઇત્યાદિના ઉલ્લેખો મળે છે. આ બધામાં પ્રાચીન ભારતમાં સમાજની સંસ્કારદશાના અન્વયે “એકરાજય'-પદ્ધતિ (રાજાશાહી) પૌરાણિક-ઐતિહાસિક એ બંને ગાળામાં કારગર અને પ્રતિષ્ઠિત જણાય છે. એકંદરે એનાથી સમાજ-રક્ષા, સંસ્કૃતિ-રક્ષા ગણનાપાત્ર કક્ષાએ દીર્ઘકાળ સુધી સધાતી રહી. એટલે પ્રાચીન-ભારતીય રાજનીતિવિષયક ગ્રંથો આ રાજાશાહીને સ્વીકારીને જ નિરપવાદપણે ચાલ્યા. ભારતીય સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ-સાંપ્રત ભારતીય ભાષાઓમાં રચાયેલું લલિત સાહિત્ય પણ પ્રાણવાનું રાજ-પ્રતિભાનાં વિવિધ નિદર્શન રજૂ કરે છે.
રાજનીતિવિષયક પ્રાચીન ભારતીય ગ્રંથોનું પંખીદર્શન કરીએ :
ધર્મસૂત્રો અને તજજન્ય ધર્મશાસ્ત્ર-ગ્રંથોમાં મુખ્યત્વે સામાજિક-આર્થિક-વહીવટી કાયદાઓ અને તેમને લગતું દંડવિધાન જ પ્રાધાન્ય ધરાવે છે. પાછળથી રાજધર્મના વિસ્તરણ સાથે અર્થતંત્ર, વહીવટીતંત્ર, ગુપ્તચરતંત્ર, કરતંત્ર, પરદેશનીતિ, યુદ્ધતંત્ર ઇત્યાદિનાં નિરૂપણ ઉમરાતાં ગયાં. ધર્મશાસ્ત્રગ્રંથોમાંથી યાજ્ઞવલ્કય, પારાશર, નારદ, મનુ આદિને નામે ચડેલાં સ્મૃતિગ્રંથો આવશ્યક સંક્ષેપ કે વિસ્તારથી રચાયા. તે પૈકી સુપ્રસિદ્ધ “મનુસ્મૃતિ'માંના સાતમા અધ્યાયમાં વિસ્તૃત રીતે રાજધર્મનાં મોટા ભાગનાં અંગો નિરૂપાયાં છે. “મહાભારતમાં આમ તો ઠેર-ઠેર રાજનીતિની ચર્ચાઓ કે તે અંગેનાં દીર્ઘ સંભાષણો ગૂંથાયાં છે. છતાં ‘શાંતિપર્વમાં એક-સો ચાળીસ અધ્યાયનું સુદીર્ઘ “રાજધર્મપર્વ' (પેટાપર્વ તરીકે) અલગ જોવા મળે છે. “મનુસ્મૃતિ” અને “મહાભારત'ના આ ભાગો “અર્થશાસ્ત્ર'ની પછી પ્રક્ષિપ્ત થયેલા અને “અર્થશાસ્ત્રનો પ્રભાવ ઝીલનારા જણાય છે. કૌટિલ્ય “અર્થશાસ્ત્ર પોતાના વિષયના પૂર્વાચાર્યોનાં પ્રસ્થાપિત થયેલાં મોટા ભાગનાં અર્થશાસ્ત્રોનું દોહન કરીને સ્વપ્રતિભા અનુસાર રચ્યું છે તેવું તેઓ પોતે જ ગ્રંથારંભે કહે છે. આ ગ્રંથ કોઈ રાજાને ઉપયોગી બને તે રીતે પોતે રચ્યો હોવાનું પણ કહ્યું છે. આ ગ્રંથ એની પ્રભાવકતાને કારણે કામંદક, જૈનમુનિશ્રી સોમદેવસૂરિ ઇત્યાદિ રાજનીતિવિષયક ઉત્તરવર્તી ગ્રંથકર્તાઓ માટે આધારગ્રંથ બન્યો છે. મહાભારતમાં મુખ્ય કથાનકના અંતરંગ ભાગ તરીકે અને અનેક સંબદ્ધ ઉપાખ્યાનોના સહજ અંશ તરીકે રાજનીતિની ઘણી જ પ્રૌઢ, મૌલિક ચર્ચાઓ સમાવેશ પામી છે. વાલ્મીકિકૃત ‘રામાયણમાં પણ અનેક પ્રૌઢ રાજધર્મચર્ચાઓ જોવા મળે છે. પ્રાચીન પુરાણોમાં અનેક રાજવૃત્તાંતોમાં અને સ્વતંત્ર શાસ્ત્રીય ચર્ચાઓ રૂપે રાજધર્મની ચર્ચાઓ ગૂંથાયેલી છે. આ બધી સામગ્રી ઠીક-ઠીક અંશે તે-તે ગ્રંથના કે ગ્રંથાંશના કાળની પરિસ્થિતિનું પ્રતિબિંબ પાડતી પણ ગણી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org