________________
૧૫૯
મિથ્યાકાર સામાચારી / ગાથા: ૨૯
આશય એ છે કે, જે સાધુ ફરી ફરી તે ને તે જ પાપ કરે છે અને પાપ કરતી વખતે પણ “આ પાપ મારી કરેલી પ્રતિજ્ઞાનું વિરોધી છે,” તેવી ઉપસ્થિતિ પણ કરતા નથી અને પછીથી મિથ્યાદુષ્કત આપે છે, તે સાધુઓને પાપ કરતી વખતે “આ મારી પ્રતિજ્ઞાથી વિરુદ્ધ છે” તેવી ઉપસ્થિતિ નથી, તેથી અનાભોગ છે, તોપણ તેઓ જે વારંવાર વિપરીત આચરણા કરે છે, ત્યાં અનાભોગ વિપરીત પ્રવૃત્તિનો પ્રયોજક નથી, પરંતુ અભિનિવેશ જ ફરી ફરી તે પાપપ્રવૃત્તિ કરવામાં પ્રયોજક છે; કેમ કે જે પાપ અનાભોગથી થતું હોય ત્યાં ક્યારેક વિપરીત પ્રવૃત્તિ થાય, વારંવાર નહિ.
આશય એ છે કે, જેઓને “આ પાપ છે માટે મારે કરવું નથી” તેવો અધ્યવસાય છે અને તેથી તે પાપસેવન ન થાય તેના માટે પ્રયત્ન કરે છે, તેવા જીવો અનાભોગથી ક્યારેક વિપરીત આચરણા કરે તેવું બની શકે; પરંતુ જ્યારે જ્યારે તેવા સંયોગ ઉપસ્થિત થાય ત્યારે ત્યારે તેવી તેવી સંયમયોગથી વિપરીત આચરણાઓ જે સાધુઓ કરે છે, અને ત્યારે પણ પોતે ગ્રહણ કરેલ વ્રતની મર્યાદાઓને સ્મરણ કરવામાત્રનો પણ પ્રયત્ન કરતા નથી, તેવા સાધુઓ તો જે જે પાપ ફરી ફરી સેવે છે, તે અભિનિવેશથી જ સેવે છે; અર્થાત્ તેમનું પાપ સેવવા પ્રત્યેનું બદ્ધ માનસ છે તે તેમને પાપ કરાવે છે. માટે તેવા સાધુઓની વિપરીત આચરણામાં પોતાના વ્રતની મર્યાદાના અસ્મરણરૂપ જે અનાભોગ છે, તે પ્રયોજક નથી, પરંતુ વિપરીત આચરણા પ્રત્યે જે બદ્ધ માનસ છે, તે તેમની વિપરીત આચરણા પ્રત્યે પ્રવર્તક છે; અને તેવા સાધુઓ પ્રતિક્રમણની ક્રિયા કરે અને “મિચ્છા મિ દુક્કડ' આપે તો પણ તે મિથ્યાદુષ્કતદાનથી પ્રતિક્રમણ થતું નથી.
અહીં વિશેષ એ છે કે, કોઈક સાધુએ જાણીને વિપરીત આચરણા કરી હોય અથવા તો પોતાના વ્રતના સ્મરણની ઉપેક્ષા કરીને ફરી ફરી પાપ સેવ્યું હોય, તેવા સાધુ મિથ્યાદુષ્કત આપીને તે પાપની શુદ્ધિ કરી શકે નહિ; પરંતુ જાણીને તેમણે તે પાપ કર્યું હોય, આમ છતાં પાછળથી તે પાપ પ્રત્યે પશ્ચાત્તાપ થાય, તો તે કરેલા પાપની શુદ્ધિ અર્થે ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે તો તેના પાપની શુદ્ધિ થઈ શકે, અન્યથા નહીં. અને તે રીતે વિચારીએ તો, અઈમુત્તા મુનિ જ્યારે પોતાના પાત્રને સરોવરના જલમાં તરાવે છે, ત્યારે તે ક્રિયા પોતાની કરેલી પ્રતિજ્ઞાથી વિરુદ્ધ ક્રિયા છે, એમ જાણીને કરે છે. તેથી તેમની ઉપેયકરણરૂપ તે ક્રિયા છે, તેથી તેની શુદ્ધિ પણ પ્રતિક્રમણથી થઈ શકે નહીં. આમ છતાં પાપ કર્યા પછી અત્યંત વિશુદ્ધમાન અધ્યવસાયવાળા એવા તેઓ માત્ર ઈરિયાવહિયા કરવાની સાથે પાપના પ્રતિપક્ષભાવના પ્રકર્ષવાળા થવાથી કેવળજ્ઞાનને પામ્યા.
તેથી એ નિયમ પ્રાપ્ત થાય છે, સામાન્ય રીતે ઉપયકરણથી થયેલા પાપની શુદ્ધિ પ્રતિક્રમણથી ન થાય, આમ છતાં આલોચનાકાળમાં ભાવોનો પ્રકર્ષ થાય તો થયેલું પાપ તો નાશ પામે જ, પરંતુ સર્વ કર્મોનો પણ નાશ થઈ શકે અને આથી જૈનશાસનની કોઈપણ ક્રિયા અત્યંત અપ્રમાદભાવથી થાય તો સર્વ પાપોનો નાશ પણ કરી શકે છે. તે રીતે જે સાધુઓએ તેવું પાપ કર્યું હોય કે જેની શુદ્ધિ ચરમ પ્રાયશ્ચિત્તથી થઈ શકે તેમ હોય, તેવું પણ પાપ પ્રતિપક્ષ ભાવનાના પ્રકર્ષથી આલોચનાકાળમાં નાશ પામી શકે છે, અને આથી અતિશયજ્ઞાનીઓ આવા ચરમ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિવાળા મુનિઓની જો આલોચનાકાળમાં શુદ્ધિ દેખાય તો ઈરિયાવહિયામાત્ર પણ પ્રાયશ્ચિત્ત આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org