________________
૬૪
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૪/ગાથા-૪ અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે નિર્ભયપણે માર્ગનું પ્રકાશન કરનારા સુસાધુઓને શાસ્ત્રમાં દ્વીપ સમાન કહ્યા છે. હવે તેઓ દ્વીપ સમાન કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
ગાથા :
અજ્ઞાની ગારવ રસિયા, જે જન છે કુમતે ગ્રસિયા;
તેહનો કુણ ટાલણહાર ?, વિણ ધર્મદેશના સાર. ૪ ગાથાર્થ -
જે જન=જે જીવો અજ્ઞાની છે, ગારવના રસિયા છે અને કુમતથી ગ્રસિયા છે તેમનો સુંદર ધર્મદેશના વગર કોણ તારણહાર છે? અર્થાત્ તેમને અજ્ઞાનાદિ ભાવોમાંથી બહાર કાઢનાર કોણ છે ? III ભાવાર્થ -
અનાદિકાળથી જીવમાં તત્ત્વનું અજ્ઞાન વર્તે છે અને સંસારી જીવો અજ્ઞાનને વશ જ સુખના અર્થે પ્રવૃત્તિ કરે છે અને દુઃખની પરંપરાને પ્રાપ્ત કરે છે. વળી, સંસારી જીવો રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવના રસિયા હોય છે અર્થાત્ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત, બાહ્ય વૈભવ એકઠો કરવામાં તત્પર અને શરીરની શાતા માટે સર્વ ઉદ્યમ કરનારા હોય છે.
વળી, કોઈક રીતે સંસારી જીવો ધર્માભિમુખ થયા હોય તોપણ સંસારમાં ઘણા કુમતો પ્રવર્તતા હોવાથી અને તે કુમતોના વચનોથી જે જીવોની વિપરીત બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે, તેઓ તપ ત્યાગાદિ ધર્મપ્રવૃત્તિ કરીને પણ કુમતિના કારણે આત્મહિત સાધી શકતા નથી. આ રીતે અજ્ઞાની જીવોને, ગારવ રસિક જીવોને અને કુમતોથી ઘેરાયેલી બુદ્ધિવાળા જીવોને ભગવાનના વચનના પરમાર્થને બતાવનાર સુંદર દેશના વગર કોઈ તારણહાર નથી. તેથી તેવી દેશના આપનારા મહાત્માઓને શાસ્ત્રકારે દ્વીપ જેવા કહ્યા છે; કેમ કે ઉપદેશક ધર્મદેશના દ્વારા અજ્ઞાનાદિથી જીવોનું રક્ષણ કરે છે. llll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org