________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૩
ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે કેટલાક સાધુઓ વિચારે છે કે “સાધુએ આત્મસાક્ષીક ધર્મ ક૨વો જોઈએ તેથી મોહનું ઉન્મૂલન થાય તે રીતે વ્રતોમાં ઉદ્યમ કરવો જોઈએ. પરંતુ જેમાં લોકોને ભેગા કરવાનું કામ થાય તેવી ધર્મદેશના આપવી જોઈએ નહિ.” આ પ્રકારે કહેનારા સાધુઓ ભગવાનના માર્ગને ગોપવે છે=ભગવાનના માર્ગને વૃદ્ધિ પામતો અટકાવે છે.
વસ્તુતઃ શુદ્ધદેશનાથી યોગ્ય જીવોને ભગવાનના માર્ગની પ્રાપ્તિ થાય છે અને ભગવાનના માર્ગને પામીને તે યોગ્ય જીવો પણ સન્માર્ગની પ્રવૃત્તિ કરીને આત્મકલ્યાણ સાધે છે.
૬૩
વળી, જે ઉપદેશક સ્પૃહા રહિત કેવળ ભગવાનના વચન પ્રત્યેના રાગથી અને લોકોને ભગવાનનો માર્ગ પ્રાપ્ત થાય તેવા શુદ્ધ આશયથી દેશના આપે છે, તેવા ઉપદેશકને “આ ઉપદેશકો લોકોને ભેગા કરવાની બાહ્ય પ્રવૃત્તિમાં પડ્યા છે એ પ્રકારનું ખોટું દૂષણ આપે છે”, પરમાર્થથી તો જે ઉપદેશક લોકોના આવાગમનની કે લોકો પાસેથી કોઈ બાહ્ય વસ્તુની અપેક્ષા રાખ્યા વગર, કેવળ લોકો પ્રત્યેની હિતબુદ્ધિથી માર્ગ પ્રકાશે છે, તેઓ નિર્ભયપણે માર્ગનું પ્રકાશન કરનારા છે અને તેવા ઉપદેશકને શાસ્ત્રકારોએ દ્વીપના તોલે કહ્યા છે. જેમ સમુદ્રમાં પડેલા મુસાફરો વચમાં કોઈ દ્વીપ મળે તો તે દ્વીપના બળથી સુરક્ષિત રહે છે, તેમ ચાર ગતિઓની વિડંબના પામીને વિનાશ પામી રહ્યા છે તેવા સંસાર સમુદ્રમાં પડેલા જીવો માટે સન્માર્ગનું પ્રકાશન કરનારા સુસાધુઓ દ્વીપ જેવા છે. તેથી તેવા મહાત્માઓના આલંબનથી સંસારમાં રખડતા જીવો ચાર ગતિઓની વિડંબનામાંથી સુરક્ષિત બને છે અને ક્રમે કરીને ધર્મ સાધીને ઇષ્ટ સ્થાન એવા મોક્ષને પ્રાપ્ત કરે છે.
વળી, માર્ગ પ્રકાશન કરનારા મહાત્મા પણ મોહને પરવશ થયા વગર શુદ્ધ આશયથી કેવળ દેશના આપનારા હોવાથી નિર્જરાની પ્રાપ્તિ કરે છે. માટે આવી દેશના આપનાર સાધુને “આ બાહ્ય પ્રવૃત્તિમાં પડ્યા છે” તેવું દૂષણ આપવું અનુચિત છે. II3II
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org