________________
૧૭૧
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮|ગાથા-૭
આ કથનથી એ ફલિત થાય કે જે સાધુ ભગવાનના વચનાનુસાર નિર્દોષ ભિક્ષાચર્યામાં યત્ન કરે છે અને દોષિત ભિક્ષા ગ્રહણ કરતા નથી, તેથી ભૂલથી તેઓને તીર્થકરઅદત્તની પ્રાપ્તિ નથી તેવું જણાય. વળી ગુણવાન ગુરુની અનુજ્ઞાથી ભિક્ષાચર્યા કરે છે, ગુરુથી પ્રચ્છન્ન કંઈ રાખતા નથી, તેથી ગુરુઅદત્તની પણ પ્રાપ્તિ નથી. વળી જીવ સંસક્ત આહાર ગ્રહણ પણ કરતા નથી, માટે જીવઅદત્તની પ્રાપ્તિ નથી અને જે આહારાદિ જે માલિકના હોય તેના આપ્યા વગર ગ્રહણ કરતા નથી માટે સ્વામીઅદત્તની પણ પ્રાપ્તિ નથી, આમ છતાં તે મહાત્મા નિર્દોષ ભિક્ષાચર્યા આદિ કરીને તેનાથી પુષ્ટ થયેલા દેહથી ઉચિત વૈયાવચ્ચ ન કરે, સંવેગની વૃદ્ધિ થાય તે પ્રકારે ઉચિત કાળે સ્વાધ્યાય આદિમાં ઉચિત પ્રવૃત્તિ ન કરે તો તે મહાત્માને તીર્થકરઅદત્તની પ્રાપ્તિ થાય છે; કેમ કે તીર્થકરે દેહની પુષ્ટિ અર્થે સાધુને આહાર ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી નથી. પરંતુ સંયમના સર્વયોગો ઉચિત કાળે ઉચિત રીતે સેવીને અસંગભાવના સંસ્કારો આત્મામાં વૃદ્ધિ પામે તે રીતે સેવવામાં ઉપકારક થાય તે અર્થે આહાર ગ્રહણની અનુજ્ઞા આપેલી છે, છતાં તે મહાત્માએ દેહની પુષ્ટિ અર્થે આહાર ગ્રહણ કર્યો; તેથી તે મહાત્મા ત્રીજા મહાવ્રતની આરાધના કરતા નથી.
આનાથી એ પ્રાપ્ત થયું કે ત્રીજા મહાવ્રતની આરાધનારૂપ એક ક્રિયામાં સંયમની અન્ય સર્વ ક્રિયાઓનો યોગ છે, તેથી જે સાધુ અપ્રમાદભાવથી સંયમની અન્ય ક્રિયાઓ કરતા હોય તે મહાત્મા જ ત્રીજા વ્રતરૂપ એક ક્રિયાનું સમ્યમ્ પાલન કરી શકે.
આનાથી એ સિદ્ધ થાય કે કોઈ એક ઉચિત્ત ક્રિયા ઉચિત કાળે અપ્રમાદભાવથી સેવાતી હોય તો તે ક્રિયા તે મહાત્માના વીતરાગભાવને અભિમુખ પરિણામની વૃદ્ધિ કરે છે. માટે તે મહાત્માને સર્વ ક્રિયાઓના સેવનનું ફળ તે એક ક્રિયાના સેવનથી પ્રાપ્ત થાય છે અને જો તે ક્રિયા સ્વશક્તિ અનુસાર અપ્રમાદભાવથી ન સેવાતી હોય તો તે ક્રિયાથી વીતરાગભાવને અભિમુખ તે મહાત્માનો યત્ન થતો નથી, તેથી તે ક્રિયા અન્ય સર્વ ક્રિયાઓ સાથે સંયોગવાળી નહિ હોવાથી તે ક્રિયાનું ફળ મળતું નથી. આથી તીર્થકર વચનાનુસાર ભિક્ષાના સર્વ દોષોનો પરિહાર કરીને, ગ્રહણ કરાયેલી ભિક્ષાથી પણ અન્ય ઉચિત ક્રિયાઓમાં પ્રમાદી સાધુને તીર્થકરઅદત્તની પ્રાપ્તિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org