________________
૧૦૬
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૫/ગાથા-૨૨
અવતરણિકા :
વળી, સાધુને ગીતાર્થ ઉપકારક છે તે અન્ય રીતે બતાવે છે
ગાથા :
લોચન આલંબન જિનશાસન, ગીતારથ છે મેઢી રે; તે વિણ મુનિ ચઢતી સંયમની, આરોહે કિમ સેઢી રે? રે. શ્રીજિન ! ૨૨
ગાથાર્થ ઃ
ગીતાર્થ સાધુ જિનશાસનનું લોચન, જિનશાસનનું આલંબન, જિનશાસનની મેઢી છે=આધાર છે, તે વગર=ગીતાર્થ વગર, મુનિ સંયમની ચઢતી=વધતી શ્રેણીને, કેમ આરોહે=કેવી રીતે આરોહી શકે ? અર્થાત્ આરોહણ કરી શકે નહિ. ||૨૨૦ા
ભાવાર્થ :
જેમ ચક્ષુથી બાહ્ય પદાર્થો યથાર્થ દેખાય છે તેમ ગીતાર્થ સાધુ જિનશાસનના લોચન સ્વરૂપ છે. તેથી ગીતાર્થ સાધુરૂપ લોચનથી અન્ય સાધુઓ ભગવાનના શાસનના પદાર્થો યથાર્થ રીતે જોઈ શકે છે. વળી, જેમ લોચનવાળો પુરુષ લોચનના બળથી ઉચિત માર્ગમાં પ્રયાણ કરીને ઇષ્ટ સ્થાને પહોંચે છે, તેમ સંસારથી ભય પામેલા અને ઇષ્ટ સ્થાનમાં જવા માટે તત્પર થયેલા યોગ્ય સાધુઓ જિનશાસનના લોચનરૂપ ગીતાર્થના બળથી ઇષ્ટ એવા મોક્ષનગરને પ્રાપ્ત કરે છે.
વળી, ગીતાર્થ સાધુ જિનશાસનનું આલંબન છે અર્થાત્ જિનશાસનના પદાર્થોને યથાર્થ જાણવા માટે ગીતાર્થ સાધુ જેમ લોચન છે તેમ જિનશાસને બતાવેલ માર્ગ પર ચાલવા માટે ગીતાર્થ સાધુ યોગ્ય સાધુઓને આલંબન રૂપ છે. તેથી જેમ અસમર્થ પુરુષ લાકડી આદિના આલંબનથી ઇષ્ટ સ્થાને ગમન કરી શકે છે તેમ યોગમાર્ગમાં ચાલવા માટે સ્વયં અસમર્થ એવા સાધુઓ ગીતાર્થના આલંબનથી યોગમાર્ગમાં ચાલવા સમર્થ બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org