________________
૯૧
7 આલોયણાવિંશિકા
પ્રકારની કૃપા પ્રાપ્ત થાય એવી આશંસા, અથવા તો સારી રીતે આલોચના કરવાથી જન્માંતરમાં દેવભવની શ્રેષ્ઠ સામગ્રીઓ પ્રાપ્ત થાય તેવી આશંસા થઇ શકે છે. એ પ્રકારની ફળની આશંસાપૂર્વક આલોચના કરવામાં આવે, તો આલોચના કરવા છતાં પણ બધા અતિચારોનું આલોચન થતું નથી, કેમ કે આવા પ્રકારની આશંસાપૂર્વક આલોચના તે જ અતિચારરૂપ છે. આવી આલોચનાથી નિદાનશલ્યની પ્રાપ્તિ થાય છે. માટે સર્વ આશંસા છોડીને પાપથી વિરુદ્ધ અધ્યવસાયને પેદા કરવાના આશયથી આલોચનામાં યત્ન કરવો જોઇએ.
(૬) પ્રજ્ઞાપનીય :- પ્રજ્ઞાપનીય એટલે વાળ્યો વળી શકે, સમજાવ્યો સમજી શકે તેવો જીવ. આલોચના લેનારને પોતાની કરેલ ભૂલનું સ્મરણ ન થાય ત્યારે, આલોચનાકાળમાં તેના સહવર્તી સાધુ કે ગુરુ આદિ તેને તેની થયેલી ભૂલોનું સ્મરણ કરાવે, તો તે સાંભળીને તેને પ્રમોદ થાય કે મને મારી ભૂલનું સ્મરણ કરાવીને આ લોકોએ મારા ઉપર ઉપકાર કર્યો છે. આવું જેને થાય તે જીવ પ્રજ્ઞાપનીય કહેવાય છે. પ્રજ્ઞાપનીયતા એ આલોચક માટે એક મહત્વનો ગુણ છે. જે પ્રજ્ઞાપનીય નથી હોતો તેને પોતાની ભૂલ સુધારવાની મનોવૃત્તિ હોતી નથી. તેથી અપ્રજ્ઞાપનીય જીવની આલોચના સમ્યક્ થઇ શકતી નથી. (૭) શ્રદ્ધાળુ :- ગુરુએ કહેલા પ્રાયશ્ચિત્તથી નક્કી શુદ્ધિ થશે એ પ્રકારની શ્રદ્ધા આલોચકને હોવી જોઇએ. જેથી દુષ્કર આલોચના અને ગુરુએ આપેલ પ્રાયશ્ચિત્ત આદિ દરેક કૃત્યોને તે સમ્યગ્ કરી શકે.
(૮) આજ્ઞાવર્તી :- આલોચના કરનાર જીવ ગુરુની આજ્ઞામાં રહીને સંયમમાં યત્ન કરનાર હોવો જોઇએ. તેવો જીવ ક્યારેક પ્રમાદથી સ્ખલના થઇ ગઇ હોય તો તે આલોચનાથી શુદ્ધિ કરી શકે, અને જે જીવ ગુરુને આજ્ઞાવતી નથી તેવો જીવ થયેલી ભૂલની આલોચના કરે તો પણ, મનસ્વી જીવવાની વૃત્તિ હોવાથી તેના પાપની શુદ્ધિ થતી નથી. (૯) દુષ્કૃતતાપી :- આલોચકને પોતે કરેલાં દુષ્કૃત્યો પ્રત્યે પશ્ચાત્તાપ હોવો જોઇએ. અતિચારોના સેવનરૂપ દુષ્કૃતથી જે તપે તે દુષ્કૃતતાપી કહેવાય છે. અતિચારના આલોચનકાળમાં બોલાતા અતિચારો પ્રત્યે એનું ચિત્ત અનુતાપ પામે તેવું હોવું જોઇએ. પોતે કરેલાં દુષ્કૃતોનું જ્યારે સ્મરણ કરે ત્યારે તેનું ચિત્ત પશ્ચાત્તાપના કારણથી અતિ ભીંજાએલું હોવું જોઇએ, જેથી દુષ્કૃતનો વિરોધી ભાવ ઉત્તરોત્તર ઉદ્ઘસિત કરી શકે. (૧૦) આલોચનાની વિધિમાં ઉત્સુક :- આલોચકમાં આલોચનાની વિધિ જાણવાની ઉત્સુકતા હોવી જોઇએ, અને તે પ્રમાણે જ આલોચના કરવાનો તે આગ્રહી હોવો જોઇએ. વળી અવિધિનો સજાગતાથી ત્યાગ કરવો જોઇએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org