________________
146
અગડદત્ત કથા
એક ભાઈએ કહ્યું. “તો આપણને આમાંથી કોઈ ઉગારી નહીં શકે?” નાના ભાઈની વેદના તીવ્ર બની. થોડીવાર મૌન છવાઈ ગયું.પછી મોટાભાઈએ સલાહ આપી. “એક ઉપાય છે.” “ક્યો?" “આપણે કોઈ નિર્ગથ અને ત્યાગી એવા ગુરુનું શરણું લઈ લઈએ” “હા! આપણા પાપોને ધોવાની તાકાત તો માત્ર એમનામાં જ છે” એકે ઉમેર્યું.
બધાને આ વાત ગમી ગઈ. અને બધા નિર્ણય લઈ ગુરુની શોધમાં નીકળી ગયા. જંગલમાં ફરવાની આમ પણ ટેવ તો હતી જ. ફરતાં-ફરતાં મને મળ્યા. અને પોતાની આંતરવેદના પ્રગટ કરી. મેં પણ એ લોકોને શુદ્ધ ધર્મનો ઉપદેશ આપ્યો. આ સામે ઊભા એ આ જ પાંચ ચોરો આજે ચારિત્ર ધર્મ અંગીકાર કરવા તત્પર બન્યા છે.”
અગડદત મુનિની પાસે પોતાના જ જીવનની રહસ્યમય કથા સાંભળી રહ્યો હતો. પોતે જેની પાછળ ગાંડો-ઘેલો બન્યો હતો. પોતે જેની પાછળ બળી મરવા તૈયાર થયો હતો. જેને પોતાના પ્રાણથી પણ અધિક માનતો હતો એ મદનમંજરીનું દુશ્ચરિત્ર સાંભળી વિચારધારાએ ચડ્યો.
“આ સંસાર કેવો દારૂણ છે! સંસારના સંબંધ કેવા સ્વાર્થથી ખદબદે છે?'
“મેં આજ સુધી એને મારી પ્રાણવલભા માની હતી. એના એક એક સુખની મેં ચિંતા કરી હતી. અરે! એના માટે તો હું મરવા પણ તૈયાર થયો.”
“શું તેને આ વાતની ખબર નહોતી?” “શું મેં એને પ્રેમ આપવામાં કચાશ રાખી હતી? શું મારા કરતા ચોર વધુ રૂપવાન હતો?” ખરેખર! સ્ત્રીઓના ચરિત્રને પારખવામાં તો બ્રહ્માનું પણ કામ નહીં.”
બુદ્ધિશાળી પુરુષો ગંગામાં રહેલી રેતીનું, સાગરમાં રહેલ જલનું, કે હિમાલયની ઊંચાઈનું પ્રમાણ જાણવામાં હજી કદાચ સફળ થાય પણ સ્ત્રીના હૃદયને જાણવામાં તો તેઓ થાપ જ ખાઈ જાય છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org