________________
શ્રી અગડદત્ત રાસમાલા
145
આ બધુ જોઈ ચોર તરત મંદિરમાંથી બહાર નીકળ્યો. મંદિરમાં સ્ત્રી સાથે બનેલી બધી જ ઘટના પોતાના ભાઈઓને કહી સંભળાવી... બધાના મનમાં એક જ વિચાર ચાલ્યો.
“આવો સંસાર?.. આવા સગપણ?.. આવી સ્ત્રીઓ?”..
“માત્ર ક્ષણિક વિષય સુખ માટે સંપૂર્ણ રીતે પોતાને આધીન પતિને પણ મારવા તૈયાર થઈ જાય?..
સંસાર કેટલો સ્વાર્થી છે એ તો આજે જ સમજાયું!”...
“ખરેખર! દુનિયામાં સ્ત્રી જેવું ખતરનાક અને કુટીલ પાત્ર ગોત્યું નહીં મળે. જે ભડવીર યુદ્ધના મેદાનમાં સૈનિકો સામે પોલાદી છાતીથી ઝઝુમવા તૈયાર થઈ જાય છે. એ જ ભડવીરની નજર સામે સ્ત્રી રૂપી આગ આવી જાય. ત્યારે એને મીણની જેમ પીગળતા વાર નથી લાગતી.”
સ્ત્રીની તાકાતની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. એની કુટીલતા સામે શિયાળ કોઈ વિસાતમાં નથી. તેની ક્રૂરતા આગળ વાઘ લાચાર છે. એની કૃતજ્ઞતાની સ્પર્ધામાં સાપ છેલ્લા નંબરે છે. એની ભયંકરતા આગળ જ્વાળામુખી પાણી ભરે છે. અને આક્રોશભરી ત્રાડ સામે સિંહ મોઢામાં તણખલું લઈને ઊભો રહી જાય છે. એની આક્રમકતા સામે પ્રલયકારી વાવાઝોડું હાર સ્વીકારી લે છે.”
આમ, નારી સ્વભાવની વિચિત્રતાનું ચિંતન કરતા-કરતા એ લોકોને વિચાર આવ્યો.
“સ્ત્રીચરિત્ર અંગે તો કહીએ તેટલું ઓછુ જ છે. પણ જરા આપણી જિંદગી પર તો નજર કરીએ. આપણે પાપો કરવામાં શું બાકી રાખ્યું છે?”
“આજ સુધી આપણે કેટલા પાપો કર્યા?....
કેટકેટલી ચોરી કરી? કેટ-કેટલી ઘાડો પાડી? સાર્થો લૂટ્યા ને તીર્થયાત્રાએ જતા સંઘો ય લૂંટ્યા. અનેકને સ્વજન વિહોણા કર્યા. કોઈની ચૂડીઓ ભાંગી તો કોઈના શિરછત્ર લૂંટી લીધા. આ ધન-દોલતના લોભમાં જ આપણા મોટાભાઈ, પિતા અને દાદાએ પ્રાણ ખોયા.”
આ રીતે તેમનું માનસ પોતાના પાપો પર રડી પડ્યું. “હવે શું કરીશું?” નાનાભાઈએ રડતા હૈયે ભાઈઓને પૂછ્યું. “ભઈલા! ખરેખર મને તો હવે કોઈ રસ્તો દેખાતો નથી.” મોટા ભાઈએ જવાબ આપ્યો. “આપણા પાપોનો હિસાબ માગતા પરમાધામીઓ મને દેખાય છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org