________________
શ્રી અગડદત્ત રાસમાલા
અગડદત્તે બનેલી બધી હકીકત મદનમંજરીને જણાવી અને મદનમંજરી તથા અગડદત્ત બન્ને વિદ્યાધરને પગે પડ્યા. તરત વિદ્યાધરે હાથ પકડી ઊભા કર્યા અને કહ્યું.
‘આ તો મારી ફરજ છે. શીખેલી વિદ્યાઓ કોઈને ઉપકારક બને એનાથી મોટું વિદ્યાનું ફળ બીજું ક્યું હોઈ શકે?’
‘અને મેં તો ક્યાં કાંઈ કર્યું છે? આ પ્રભાવ તો વિદ્યાનો છે.’
વિદ્યાધરના વચનોમાં નિખાલસતા નીખરી આવતી હતી. ત્યાર પછી વિદ્યાધર દંપતીએ વિદાય લીધી. કુમારે પણ ‘અડધી રાત તો વીતી ગઈ હોવાથી હમણાં નગરમાં જવું ઉચિત નથી.’ એમ વિચારી ઉદ્યાનમાં એક જીર્ણ મંદિર હતું. ત્યાં રાત્રે સૂઈ રહેવાનું નક્કી કર્યું. મદનમંજરીને લઈ ત્યાં પહોંચ્યો. મદનમંજરીએ ‘પોતાને ઠંડી લાગે છે’ એવું જણાવ્યું. એટલે અગડદત્તે કહ્યું.
‘તું નિશ્ચિંત બની અહીં આરામ કર, હું હમણાં જ ઉદ્યાનમાંથી અગ્નિ લઈ આવું છું’.
‘સ્વામી! બહુ વાર નહીં લગાડતા, મને એકલા બહુ ડર લાગે છે’.
‘ભલે, હું જલ્દી આવી જઈશ. બસ!’
આટલું કહી અગડદત્ત જીર્ણ મંદિરમાંથી નીકળ્યો.
મદનમંજરી પણ તેના આગમનની પ્રતીક્ષામાં બેસી રહી.
થોડે જ દૂર જતાં અગડદત્તને શમીવૃક્ષ મળી ગયું. તેમાંથી લાકડા લઈ અગ્નિ પ્રગટાવી. પાછા વળીને મંદિર તરફ આવતો હતો ત્યારે એણે મંદિરમાં પ્રકાશ જોયો.
135
અગડદત્તને આશ્ચર્ય થયું. આવીને મદનમંજરીને પૂછ્યું.
‘આ દેવલ તો જીર્ણ છે. કોઈ દીવા પણ કરતું નથી. છતાં મને પ્રકાશ દેખાયો, આવા મંદિરમાં પ્રકાશ કેવી રીતે થયો હશે?’
‘તમારા હાથમાં અગ્નિ હતો ને?’
‘હા.’
‘તો બસ.’
‘અરે! બસ શું? મને કાંઈ સમજાયું નહી.’
‘તમારા હાથમાં રહેલા અગ્નિનો જ એ પ્રકાશ હશે! આ દેવ મંદિરનો વર્ણ શ્વેત છે. એટલે એવું લાગે છે અને બીજું રાત ઘણી વીતી છે. અને નિદ્રાનો સમય પણ થઈ ગયો છે. માટે જ આવો ભ્રમ થયો હશે!’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org