________________
શ્રી અગડદત્ત રાસમાલા
129
બીજા દિવસે સવારે રાજસભા ભરાઈ. અગડદત્તના આટલા સમયનો વૃત્તાંત જાણવાનગરજનોમાં પણ ભારે ઉત્કાંઠા હતી. આજે વિશાળ સભાગૃહને હજારોની ઉપસ્થિતિએ નાનો બનાવી દીધો હતો.
મહારાજાના સિંહાસનની બાજુમાં જ અગડદત્તનું સિંહાસન ગોઠવાયું. મંત્રીએ વિનંતી કરી.
“મહારાજ! આજે સમગ્ર રાજપરીવાર, રાજદરબાર અગડદત્તનો ગુપ્ત વૃતાન્ત જાણવા આતુર છે. લોકોની જિજ્ઞાસા તૃપ્ત કરવા કૃપા કરો'.
જરૂર મંત્રીશ્વર,’ કહી મહારાજાએ અગડદત્તની સામે નજર કરી.
અગડદતે નગર છોડીને વારાણસી પહોંચ્યા પછી જે જે રોમાચંક પ્રસંગો બન્યા. તે તે કહેવાના શરૂ કર્યા.
હાથીની વાત સાંભળતા સૌના જીવ અદ્ધર થઈ ગયા. તો ચોરોની વાત આવતા લોકોને એવો રસ પડ્યો કે જાણે બધા પોતે જ વારાણસીના વનમાં પહોંચી ગયા હોય ને અગડદત્તના સાહસને જોઈ રહ્યા હોય, વીરમતીનો પ્રસંગ સાંભળી અગડદત્તની ચતુરાઈ પર સૌ ઓવારી ગયા. અટવીમાં ભિલોના અચાનક થયેલા ભયંકર હુમલામાં તો લોકોએ “અગડદત્ત ભાગી છૂટ્યો હશે.” એવી કલ્પના પણ કરી લીધી પણ આખો પ્રસંગ સાંભળી અગડદત્તની રાજનીતિ પર સૌ મુગ્ધ બની ગયા. ત્યાર પછી બાવો બનીને આવેલા ચોર પર શરૂઆતમાં તો પેલા સાર્થના લોકોની જેમ જ બધાને વિશ્વાસ બેસી ગયો. પણ તેની સાચી હકીકત જાણી ત્યારે સોએ તેને ફીટકાર્યો અને અગડદત્તની વીરતાને સત્કારી. હાથી, વાઘ અને સર્પની ભયંકરતામાં સૌ મદનમંજરીની જેમ જ ભયભીત બની ગયા હતા. પરંતુ, અગડદત્તનું તે સમયનું પણ પરાક્રમ સાંભળી નગરજનો આશ્ચર્યચકિત બની ગયા.
સઘળો વૃત્તાંત એવો તો રોમાંચક અને દિલચસ્પ હતો કે બે પ્રહર ક્યાં વીતી ગયા? તેનું ભાન પણ કોઈને ન રહ્યું.
મહારાજ, મહામંત્રી, નગરશેઠ, પુરોહિત વગેરે અને સમગ્ર સભાજનો વિસ્ફારિત નેત્રે ને એક કાને અગડદત્તની આખીય કથની સાંભળી રહ્યા, બધાના મુખમાંથી એક જ શબ્દ સરી પડ્યો.
અદ્ભુત... અદ્ભુત...” આખા નગરમાં લોકોના મુખમાં એક જ નામ સંભળાય છે. “અગડદત્ત..” ચારે બાજુ અગડદની કીર્તિ ફેલાઈ.
મહારાજાને પોતાનો વારસદાર મળી ગયાનો આનંદ હતો તો મહારાણીને પણ લાડકવાયો મળવાથી હરખનો પાર ન હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org