________________
શ્રી અગડદત રાસમાલા
127
અરે! શું કહું, તું સાંભળીશ ને નાચી ઉઠીશ.'
પ્રાણનાથ! પુત્રનો જે દિનથી વિયોગ થયો ત્યારથી મારા માટે દુનિયાની એક ચીજ એવી નથી રહી જે મને આનંદદાયક બને.”
પ્રિયે! હવે બધું જ તને આનંદ આપનારું બનશે, વર્ષોથી કરેલ તારી પ્રતીક્ષાયાત્રા આજે વિરામ પામી રહી છે.”
એટલે? શું મારો પુત્ર”. હા, મહારાણી હા..' જલ્દી કહો, ક્યાં છે મારો લાલ? હું હમણાં જ તેને મળવા નીકળું.”
“મહારાણી! આમ અધીરા ન બનો, તમારો લાડકવાયો પ્રાણ આધાર તમારી પાસે જ આવે છે. આવતી કાલે એનો નગરપ્રવેશ આપણે ધામધૂમથી ઉજવશું.”
આ સાંભળીને મહારાણીના હૈયામાં ઉમટેલો આનંદનો સાગર આંખોથી છલકાયો. મહારાણીને આનંદની વધામણી આપી રાજા અગડદત્તના નગરપ્રવેશની તૈયારીમાં લાગી ગયા.
આખાય નગરની નાનામાં નાની ગલીઓ સાફ કરાવી સુગંધી જળ છંટકાવ્યા. ઘરે ઘરે તોરણો બંધાવ્યા, દિવડાઓ પ્રગટાવ્યા, રંગોળીઓ પુરાવાઈ, ફૂલોનો શણગાર તો અત્યંત મનમોહક બની ગયો, રાજાએ ગામના કુશળ ગવૈયાઓ, નૃત્યકારો, કથાકારો, હાસ્યકારો, વિદૂષકો બધાને પોતાની આગવી કળાનું પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા, જગ્યાએ જગ્યાએ દુંદુભિઓ, શરણાઈ, ઢોલ, ભેરી, ભુંગલ, વીણા, સિતાર વગેરે અનેક જાતના વાંજિત્રોનો મધુર ધ્વનિ રેલાયો.
નગરમાં ઠેકઠેકાણે અગડદત્તના આગમનની જ ચર્ચા ચાલે છે. “આટલો સમય અગડદત્ત ક્યાં હતો?” એ જાણવાની જ સૌને ઉત્કંઠા હતી.
બીજા દિવસે સવારે રાજા સહિત સમગ્ર નગર અગડદત્તને આવકારવા પ્રવેશ દ્વાર પર આવી ઊભું. પ્રત્યેક વ્યક્તિના મુખ પર અગડદત્તનું મુખ જોવાની ઉત્કંઠા ઉભરાઈ આવતી હતી.
દૂરથી અગડદત્તને આવતો જોયો ને નગરજનોએ જયનાદથી આકાશ ગજવી દીધું. જેમ-જેમ અગડદત્તનો રથ અને સૈન્ય નજીક આવતું ગયું. તેમ-તેમ લોકોના જયકારનો નાદ વધતો ગયો. અગડદત્તને સૈન્યસહિત રથમાં આવતો જોઈ સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો. જોત-જોતામાં રથ એકદમ નજીક આવી પહોંચ્યો. પિતાને જોતા જ અગડદત્ત રથમાંથી ઉતર્યો, સીધો જ ચરણોમાં નમ્યો, મહારાજા તુરત જ હાથ પકડી પુત્રને ઊભો કરીને ભેટી જ પડ્યા. હૈયે હૈયું ભીડીને બન્ને ક્ષણવાર આંસુની દુનિયામાં ખોવાઈ ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org