________________
126
અગડદત્ત કથા
મદનમંજરીના અનેક ઉપાલંભો અવગણી અગડદત્તે કલાચાર્ય પાસે શીખેલ વિદ્યાનું સ્મરણ કરી સાપની ગતિનું સ્થંભન કર્યું અને તુરંત બીજી વિદ્યાનો પ્રયોગ કરી દ્રષ્ટિનું સ્થંભન કરી સાપને ખૂબ રમાડ્યો અને અંતે છોડી દીધો.
અત્યાર સુધી પતિને શૌર્યવંત જ જાણ્યા હતા “એ વિદ્યાવંત પણ છે” એ જાણી મદનમંજરી અગડદત્ત પર ઓવારી જ ગઈ.
અટવાનો ભયંકર માર્ગ હવે પૂરો થવામાં હતો, આમ પણ જે વિનોની વાત જાણવામાં આવી હતી એ વિનો પણ પસાર થઈ ચૂક્યા હતા એટલે અગડદત્ત રથને એવો તો દોડાવ્યો જાણે રથ હવામાં ઉડવા લાગ્યો હોય.
થોડા જ સમયમાં જંગલ પાર કરી અગડદત્ત મુખ્યમાર્ગે ચડ્યો, છૂટું પડેલું સૈન્ય છાવણી નાખીને ત્યાં જ રહ્યું હતું, અગડદત્તને ઘણા સમય પછી હેમખેમ આવેલો જોઈ સૌના આનંદનો પાર ન રહ્યો, બધા અગડદત્તના રથને ઘેરી વળ્યા.
સ્વામિનું! આપ કુશલ તો છો ને?” એકે પૂછ્યું. મને તો ક્ષેમકુશલ છે, તમે અહીં કઈ રીતે પહોંચ્યા?”
કુમાર! જે રાત્રે ભીલોનો હુમલો થયો, ત્યારે પરિસ્થિતિ ગંભીર જણાતા અમે થોડા સૈનિકો રાજકુમારી કમલસેનાને લઈ દૂર નાસી ગયા હતા. બીજા બધા નાસતા-ભાગતા ભેગા થઈ ગયા. આપની ખૂબ પ્રતીક્ષા કરી પણ આપની ભાળ ન મળતા અમે “આપ નીકળી ગયા હશો!” એમ માની આગળ નીકળ્યા પરંતુ ક્યાંય આપનો ભેટો ન થયો. અહીં બે માર્ગો મળતા હતા. કોઈની પાસેથી જાણવા મળ્યું કે “આ બન્ને રસ્તા વારાણસીના જ છે. અને અહીંથી શંખપુર બહુ દૂર નથી.” તેથી અમને આશા બંધાઈ કે આપનું મિલન અહીં થવું શક્ય છે. અને આમ પણ આપના વિના નગરમાં પ્રવેશવું ઉચિત તો ન જ કહેવાય, માટે અમે અહીં જ પડાવ નાખી આપની રાહ જોતા રહ્યા છીએ.
બધાએ એ દિવસે પ્રીતિપૂર્વક ભોજનાદિ કર્યું અને એક દૂત મોકલી શંખપુરના મહારાજાને પુત્ર આવ્યાની જાણ કરી.
અગડદત્તનું આગમન સાંભળી સમગ્ર રાજપરિવાર હર્ષથી નાચી ઉઠ્યો. મહારાજા તરત મહારાણી સુલસા પાસે દોડી ગયા.
“મહારાણી...” “શું છે આજે? આટલો બધો આનંદ છે શાને!”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org