________________
શ્રી અગડદત્ત રાસમાલા
115
આ રીતે રાજા પાસે અનુજ્ઞા મળતા અગડદત્તને જાણે પાંખો મળી.
અગડદત્ત ત્યાંથી નીકળી પોતાના મહેલે આવ્યો. પ્રયાણની તાત્કાલિક તૈયારીઓ શરૂ કરાવી. મદનમંજરીને પણ સાથે કઈ રીતે લેવી? તે મનોમન વિચારી લીધું.
શુભ દિવસે સારા શુકન જોઈને મહારાજા અગડદત્તને વિશાળ સૈન્ય સાથે વિદાય આપવા આવ્યા.
પોતાની વહાલસોયી દિકરીના વિરહમાં મહારાણી અને મહારાજાની આંખો છલકાઈ. માતપિતાની વિદાયની વેદના કમલસેનાના નયનોથી વહી રહી.
સાસરે જતી દિકરીને યોગ્ય શિખામણ આપવી એ આપણી ફરજ છે.' એમ સમજી મહારાણીજીએ કમલસેનાના માથે હાથ મૂક્યો.
કમલા! મા-બાપની જેમ સાસુ-સસરાની પૂજા કરજે.”
“ઘરના વડીલોનો વિનય કરવામાં કચાશ ન રાખતી.” “પતિ જ પરમેશ્વર છે એમ માની પતિના પગલે પગલા માંડજે.”
બેટા! બન્ને કુળની કીર્તિ વધે એવું ઉજવળ જીવન જીવજે.” કમલસેનામાં એક પણ અક્ષર બોલવાની હિમ્મત રહી નહોતી. માત્ર સજળ નયને જન્મદાત્રી સન્મુખ જોયા કર્યું. અંતે માત-પિતાના ચરણ-સ્પર્શ કરી આશીર્વાદ લીધા.
મહારાજા વિશાળ સૈન્ય સાથે દીકરી-જમાઈને વળાવવા નગરની બહાર થોડે દૂર સુધી આવ્યા. અંતે અગડદત્તને અવસરોચિત શીખ દઈને પાછા વળ્યા.
રાત્રિના પ્રથમ પ્રહરે અગડદત્ત એક રથમાં બેસી નગર તરફ પાછો ફર્યો. મદનમંજરીની સેવિકાના ઘરે રથ ઊભો રાખ્યો અને સેવિકા દ્વારા સમાચાર મોકલ્યા.
સેવિકા પણ સ્વામિનીને ખુશ કરવા તરત જ દોડી. અગડદતે પહેલાથી જ મદનમંજરીને સમાચાર મોકલી દીધેલા. માટે તે પણ તૈયાર જ હતી. એતો સેવિકાની રાહ જ જોતી હતી.
સેવિકા આવી અને અગડદત્તના આગમનની વધામણી આપી. મદનમંજરીના શરીરમાં આનંદની વિજળી ફરી વળી. જેની કેટલાય મહિનાઓથી ઝંખના હતી, જેના માટે કેટકેટલાય રંગીન સ્વપ્ન સેવ્યા હતા. એ પિયુમિલનની ઘડી આવી પહોંચી, ઘરમાં કોઈનેય ખબર ન પડે એવી ચૂપકીથી દરવાજો ખોલી બન્ને બહાર નીકળી, અગડદત્તના રથ પાસે આવી. મદનમંજરીએ પોતાના ગળાનો હાર સેવિકાને ભેટ આપી વિદાય કરી અને પોતે રથ ઉપર ચઢી ગઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org