________________
શ્રી અગડદત્ત રાસમાલા
પહેલીવાર જેને પોતાના પ્રિયતમ માની બેઠી છે. એના મુખથી પોતાના માટે બોલાયેલા શબ્દો સાંભળ્યા. સુંદરીનું મન હિલોળે ચઢ્યું. અંગ-અંગ રોમાંચિત થઈ ગયા.
હે પ્રિયતમ! જ્યારથી મેં તમને જોયા છે. હું તમારી પાછળ પાગલ બની ગઈ છું. મનથી તો તમને વરી જ ચૂકી છું. હવે મારા પ્રાણ, મારા પ્રિયતમ તમે જ છો. તમારા વિના હવે હું એક ક્ષણ પણ જીવી શકુ એમ નથી”.
પ્રિયે! પણ એ તો કહે, તું કોની પુત્રી છે? તારું નામ શું છે? હું શ્રેષ્ઠી બંધુદત્તની પુત્રી મદનમંજરી છું.
આ જ નગરમાં એક યુવાન સાથે મારા લગ્ન થયા હતા. કારણોસાર હું તેનાથી વિરકત થઈ પિતાને ઘરે રહી છું'.
પરંતુ હવે અંતરથી વિનંતી કરું છું કે આપ મારો સ્વીકાર કરો. તમારા વિના ક્ષણ પણ હું જીવી શકું એમ નથી.”
જો તમે મારો સ્વીકાર નહીં કરો તો! તો?” તો નારી હત્યાનું પાપ તમારા શિરે ચઢશે!'
કુમાર પણ તેનું રૂપ જોતાં જ તેનામાં આસક્ત બની જ ગયો હતો. અને તેમાં પણ સામેથી મનગમતી જ માંગણી આવી એટલે જાણે “ભાવતું તું ને વૈદે કીધું' જેવો ઘાટ ઘડાયો. બે ક્ષણ વિચારી કુમારે કહ્યું... - “તું મને ઓળખે છે, હું કોણ છું? અજાણ્યા પુરુષ સાથે સંબંધ બાંધતા સો વાર વિચારવું જોઈએ.”
“તમારું રૂપ અને તમારું કલા કૌશલ્ય જ તમારા ઉત્તમ કુલની ચાડી ખાય છે. તમે જે હો તે પણ હવે તો મારા નાથ તમે જ છો એ નિશ્ચિત વાત છે. તમે મારો સ્વીકાર કરો તો હું કૃતકૃત્ય થઈ જાઉં.'
“હું શંખપુરના મહારાજા સુંદરનો પુત્ર અગડદત છું. વિદ્યાભ્યાસ માટે અહીં રોકાયો છું. મારો વિદ્યાભ્યાસ પૂરો થશે. પછી જ્યારે હું શંખપુર જઈશ ત્યારે ચોક્કસ તને સાથે લઈ જઈશ. પરંતુ હમણાં હું તારી સાથે પાણિગ્રહણ નહીં કરી શકું. હમણાં મારો વિદ્યાભ્યાસ સુંદર રીતે ચાલે છે.
કુમારના જવાબથી મદનમંજરીને કાંઈક ટાઢક વળી, કેટલાય દિવસોથી જેને ઝંખતી હતી. તેનો મેળાપ થશે. જીવનભરનો સંગાથ રહેશે. એની કલ્પનાએ મદનમંજરીના શરીરમાં હર્ષનું મોજું ફેરવી નાખ્યું. બન્ને એકબીજાના વિચારોમાં ખોવાઈને દિવસો પસાર કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org