________________
92
અગડદત્ત કથા
એના મનમાં સતત મહારાજાના વચનોના પ્રતિઘોષ સંભળાતા હતા. “તે મારા જલ જેવા નિર્મલ કુલને કલંકિત કર્યું છે.' “તેં મારી સાત નહીં સત્તોતેર પેઢીનું નામ ડુબાડ્યું છે.'
“જા, ચાલ્યો જા, મારો મહેલ, મારું નગર, મારું રાજ્ય છોડીને ચાલ્યો જા. આજ પછી ક્યારેય તારું કલંકિત મુખ મને દેખાડીશ નહીં.'
અગડદત્તના મનમાં વિચારોના ઘોડાપૂર ઉમટ્યાં... “મારા આવા ઘોર અપમાનનું કારણ હું પોતે જ છું. મારી જ ઉદ્ધતાઈએ મારી આ હાલત કરી છે. પિતાની સંપત્તિ, બળ અને સત્તાથી ઉન્મત્ત થઈને મેં પોતે જ કરેલી ભૂલોનું આ પરિણામ છે. હવે તો મારે મારી ભૂલો સુધારવી જ જોઈએ. મારે મારું જીવન ઉચ્ચ મૂલ્યવાન બનાવવું જોઈએ. મારું આ પતન કદાચ ઉત્થાનનો પાયો બની જાય.
પણ, એકલો હું શું કરું? ક્યાં જાઉં? હવે મને રાખશે પણ કોણ? નથી મારી પાસે સત્તા કે સંપત્તિ? નથી કોઈનોય સાથ-સંગાથ?
ના, પણ મારે આમ નિરાશ થવાની જરૂર નથી. હું ગમે તેમ તોય ક્ષત્રિય-પુત્ર છું. હું મારા બળ અને પરાક્રમને પુરવાર કરી આપીશ, ગયેલું સ્વામાન હું પાછું પ્રાપ્ત કરીશ..”
અગડદત્તે પશ્ચાતાપની પાવન ગંગામાં સ્નાન કર્યું અને જીવન-ઉત્થાનના દ્રઢ સંકલ્પના ચીવર પહેર્યા. એના લડથડીયા ખાતા પગમાં હવે મક્કમતાનો નવો સંચાર થયો.
નિર્ભય બની એણે આખી અટવી પાર કરી. અને આવી પહોંચ્યો વારાણસી નગરી... ગંગાકાંઠે વસેલી એ નગરીને પ્રભુ પાર્શ્વના ત્રણ-ત્રણ કલ્યાણકોએ પવિત્ર બનાવી છે. નગરીમાં અગડદત્ત કોઈને પણ ઓળખાતો નથી. આમ તેમ ફર્યા કરે છે. અને નગરીને જોયા કરે છે. ફરતા ફરતા એની નજર એક ઘરની સામે સ્થિર થઈ ગઈ. એ ઘર હતું પવનચંડ ઉપાધ્યાયનું,
ઉપાધ્યાયની આજુબાજુ કેટલાક વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસમાં મસ્ત હતા. ને કેટલાક કલાભ્યાસમાં રત હતા. કોઈ વિદ્યાર્થીઓ ઉપાધ્યાયની સેવા કરતા હતા. તો વળી કોઈ ગજ, અશ્વ ને રથ શિક્ષા ગ્રહણ કરતા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org