________________
ધર્મતીર્થની વ્યાખ્યા સંકુચિતતા, કઠોરતા છે. દાન આપનારમાં જેટલો શુભ પરિણામ છે તેટલો પુણ્યબંધ કહેવો પડશે, જેનાથી તેને ભવિષ્યમાં કાંઈક સારું મળશે. એ બધો પ્રભાવ ધર્મનો છે. જૈનશાસ્ત્ર કેટલી ઉદાર દૃષ્ટિથી વિચારણા કરે છે તે સમજો.
સભા : અભક્ષ્ય ખવડાવનારને અભક્ષ્ય ખવડાવવાનું પાપ નહીં લાગે ?
સાહેબજી : અવશ્ય લાગશે. ખાવાનું અને ખવડાવવાનું બંને લાગશે. માત્ર અત્યારે તફાવત બતાવવો છે કે એક માણસ ખાતી વખતે બીજાને આપવા તૈયાર છે, અને બીજો માણસ આપવા તૈયાર નથી. તો આ ઉદારતાના પરિણામથી પાપ બંધાય તેવું કહેવું? માંસાહાર કરે છે, અભક્ષ્ય ખાય છે; તે કારણથી તેને ક્રૂરતા, અવિવેક બધાનું પાપ લાગે છે. દાન આપનારનાં પણ પાપ માફ નહીં થાય, પરંતુ આ શુભ ભાવેનું શુભ ફળ પણ મળશે.
ગમે ત્યાં રહેલો જીવ ગમે તે પ્રકારનો શુભ પરિણામ કરે, પછી તે નાસ્તિક હોય કે આસ્તિક, સદાચારી હોય કે દુરાચારી, ધર્મી હોય કે અધર્મી, મનુષ્ય હોય કે પશુ-પંખી, આ દુનિયામાં ૮૪ લાખ જીવાયોનિમાં ચારે ગતિમાં રહેલો કોઈપણ જીવ, ગમે ત્યારે શુભ પરિણામ કરે તો તેને અશુદ્ધ નૈગમનય ધર્મ કહેવા તૈયાર છે. જૈનશાસ્ત્રમાં જ આ વ્યાખ્યા આપી છે, માટે મારાથી કેન્સલ ન કરાય. કહેવું જ પડે કે નાસ્તિક ડૉક્ટર પણ પ્રામાણિકતા જાળવે તો તે તેના જીવનમાં રહેલું એક પ્રકારનું સદ્વર્તન છે, અને તેનાથી તેને પુણ્ય બંધાશે; જે ભવાંતરમાં પણ તેનાં આપત્તિ-સંકટ દૂર કરશે, અને જે દુઃખને દૂર કરે તે બધો ધર્મ જ છે. આ સંસારમાં ત્રણ કાળ ત્રણ લોકમાં દુઃખ દૂર કરવાની શક્તિ ધર્મને છોડીને બીજી કોઈ વસ્તુમાં નથી. સમગ્ર સંસારમાં ક્યાંય પણ કોઈનું પણ દુઃખ દૂર થાય, તો સમજવાનું કે કારણરૂપે તેના આત્મામાં કાંઈક ધર્મ હાજર હતો, બાકી તેનું દુઃખ દૂર થાય જ નહીં. જે Rule of causality(કારણતાનો નિયમ) સમજતા હશે તેમને આ વાત માનવામાં કોઈ શંકા નહીં થાય. આ એટલી વિશાળ વ્યાખ્યા છે કે આમાં દુનિયાના કોઈ ધર્મનો ભેદ નથી. આસ્તિક-નાસ્તિકનો પણ ભેદ નથી. મુસલમાન પણ શુભ પરિણામ કરે તો અમે તેને ધર્મ કહેવા તૈયાર છીએ.
તમે સત્કાર્ય એવું કરો કે જે મામૂલી પુણ્ય બંધાવે, તો તે સદ્ગતિનું કારણ ન બને અને તમારા આત્માને દુર્ગતિમાં જતાં અટકાવી શકે નહીં. દા.ત. નાસ્તિક ડૉક્ટરે પણ નીતિ પાળી તો તેને પુણ્ય બંધાયું; છતાં મરીને પશુયોનિમાં ગયો તો ત્યાં તેને પુણ્યથી ખાવા-પીવાની, રહેવા-કરવાની સગવડ મળી, જેથી હટ્ટાકટ્ટા બની પશુજીવન આનંદથી જીવી શકે છે, તેમાં કારણ ભૂતકાળમાં પાળેલ નીતિરૂપ ધર્મ. આજે એવાં પણ શ્રીમંતોના કૂતરાં છે કે જે ઇચ્છા મુજબ બિસ્કિટ ઝાપટે છે, ગરીબ મનુષ્ય કરતાં સારો ખોરાક ખાય છે, સુખ-સગવડતા સાથે રહે છે. તેનો અર્થ એ કે તેણે પણ ભૂતકાળમાં પુણ્ય બાંધેલું, પણ તે તેને દુર્ગતિમાં જતો અટકાવે તેવું નહોતું. માત્ર દુર્ગતિમાં આપત્તિ-સંકટ ઓછાં આપે અને સુખ-સગવડ આપે તેવું પુણ્ય બાંધીને આવેલો જીવ છે. તેણે તે કક્ષાનો ધર્મ કરેલો જેના પ્રભાવે એટલું જ મળે. આત્માને સદ્ગતિ અપાવે તેવો તેનો ધર્મ ન હતો. અહીં અલ્પ અશુદ્ધિવાળો અશુદ્ધ નગમનય એમ કહેશે કે જે ધર્મ આત્માને નરક અને તિર્યંચરૂપ દુર્ગતિમાં પડતાં અટકાવી ન શકે, અને આત્માને સદ્ગતિમાં ધારી ન શકે, તેવા તુચ્છ પુણ્યને ધર્મ શબ્દની વ્યાખ્યામાં સમાવવું યોગ્ય નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org