________________
૨૨૨
ભાવતીર્થ - દ્વાદશાંગી
જિનવચન પ્રત્યે પૂ. શ્રી હરિભદ્રસૂરિજીના ઉદ્ગાર ઃ
પૂ. હરિભદ્રસૂરિ કે જેઓ જન્મથી અર્જન છે, રાજમાન્ય પુરોહિત છે, વેદવિદ્યાના પારગામી, મહાવિદ્વાન બ્રાહ્મણ પંડિત છે; તેમને જૈનધર્મ પ્રત્યે મનમાં એટલો પૂર્વગ્રહ બંધાયેલો હતો કે જૈનધર્મ વેદોને ન માનનાર હોવાથી નાસ્તિકોનો ધર્મ છે આવું કહેતા. જેનું આવું background-પૂર્વાવસ્થા છે તે વ્યક્તિ એક મામૂલી નિમિત્તથી જૈનશાસનમાં આવી. જીવનમાં અહીંનાં શાસ્ત્રો વાંચવાનાં ચાલુ કર્યા. પછી તેમને હૃદયથી જિનવચન પ્રત્યે એવું સમર્પણ થયું કે બોલી ઊઠ્યા કે “ જો આ જિનવચન અમને ન મળ્યું હોત તો અનાથ એવા અમારું આ સંસારમાં શું થાત?” કટ્ટર વિરોધીને પણ હૃદયથી ઓગાળી દે, જીવન સમર્પિત કરાવે તેવા જિનવચનમાં સત્યનો રણકાર કેટલો હશે ! જિનવચનથી આ જગતમાં કંઈ મહાન નથી. આ ત્રિકાલાબાધિત તીર્થ છે. અનંત કાળથી ચાલ્યું આવે છે, અનંત કાળ સુધી રહેવાનું છે. ક્ષેત્ર-કાળની સીમા બહાર કાયમનું સનાતન તારક આ તીર્થ છે. અત્યાર સુધીમાં જેટલા તીર્થંકરો થયા, ગણધરો થયા, કેવલજ્ઞાની થયા, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા થયા, અન્યધર્મમાં પણ સાધકો થયા તે સર્વને જો કોઈ તારક બન્યું હોય, જેનું આલંબન લઈને પાર પામ્યા હોય તો તે જ આ પ્રવચનરૂપ તીર્થ છે.
સભા ઃ આ તીર્થનો temporary-થોડો સમય પણ વિચ્છેદ ન થાય ?
સાહેબજીઃ ના, જગતનું તત્ત્વ કદી વિચ્છેદ ન પામે. પદાર્થવિજ્ઞાનની દૃષ્ટિએ વિશ્વના તત્ત્વને કોઈ વિખેરી શકે તેમ નથી. વાણીથી અભિલાપ્ય તત્ત્વસ્વરૂપ જ દ્વાદશાંગી છે, જેને અભિવ્યક્ત કરવા સમયે સમયે નવા શબ્દો રચાય છે, પરંતુ અંદરનું હાર્દ સનાતન છે. ભાવતીર્થનું સાંગોપાંગ રેખાચિત્ર રજૂ કરવા હું પ્રયત્ન કરું છું, જે સાંભળતાં તમને ધર્મતીર્થ પ્રત્યેનું અંતરથી બહુમાન વધે.
१ कत्थ अम्हारिसा जीवा दूसमादोसदूसिया। हा अणाहा कहं हुंता न हुंतो जइ जिणागमो।।८७।।
(संबोधप्रकरण गुरुस्वरूपअधिकार)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org