________________
૧૭૦
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ કોઈનો સહકાર ન લીધો હોય. મરુદેવામાતા આદિથી અંત સુધી કોઈની સહાય વિના આપબળે તર્યા. આવા જીવો તો અનંતામાં કોઈક વિરલા જ નીકળે. તેથી જ આ ઘટના અચ્છેરા તુલ્ય છે, છતાં અશક્ય નથી. મરુદેવામાતાને તરવા તીર્થની જરૂર જ ન પડી; કારણ કે તેમનું જીવદળ એટલું ઉત્તમ છે કે, તારક તીર્થના આલંબન વગર પણ કર્મોનો ક્ષયોપશમ થવાથી અંદરમાં મોક્ષમાર્ગની સ્વયં દિશાસૂઝ, પ્રકાશરૂપ ઉઘાડ અને ક્રમિક પુરુષાર્થશક્તિ ખીલતી જ ગઈ, જેથી અંદરમાં સીધેસીધી દિશા દેખાતી જાય અને તેમનો આત્મા તે તરફ સીધાં પગલાં માંડતો જાય. જેને આવું બને તેને તરવા માટે તારક તીર્થની સહાયની જરૂર નથી, પણ જેને અંતરાત્મામાં આવું ન બને અને તરવું હોય તેવા આત્માઓને સહાય માટે તીર્થની સ્થાપના છે.
મરુદેવામાતા તીર્થની સહાય વિના તર્યા તે અચ્છેરા તુલ્ય :
સભા મરુદેવામાતાએ પૂર્વભવોમાં ક્યારેક તો કોઈ ધર્મસાધના કરી હશે ને ?
સાહેબજી : ના, તેમણે કોઈ આરાધના કરી નથી. આગમમાં શબ્દો છે કે “અત્યંતસ્થાવરસિદ્ધ”. અર્થાત્ ભૂતકાળમાં સ્થાવરપણું છોડીને કદી ત્રસપણું પામ્યાં જ નથી. જૈન જીવવિજ્ઞાનમાં સંસારી જીવોના બે પ્રકાર છે. ત્રસ અને સ્થાવર. જે જીવો વિકસિત છે, પોતાના સુખ-દુઃખની લાગણી અભિવ્યક્ત કરી શકે એમ છે, દુઃખથી છૂટવા અને સુખ મેળવવા હલન-ચલન, દોડ-ધામ કરવા સક્ષમ છે, તે બધા ત્રસ છે; પરંતુ જે જીવોમાં ચેતના છે, તેથી સુખ-દુઃખની સંવેદના છે, છતાં તેની અભિવ્યક્તિ કરી શકે તેવો દેહ-ઇન્દ્રિયનો વિકાસ નથી, તે બધા સ્થાવર છે. Most underdeveloped-સૌથી અવિકસિત જીવો સ્થાવરમાં આવે. મરુદેવામાતા અનાદિથી સ્થાવર જ હતાં, સૂક્ષ્મ નિગોદના જીવો પણ સ્થાવર એકેન્દ્રિય છે, અને ત્યાંથી નીકળીને તેમનો આત્મા કેળના ઝાડમાં આવ્યો, જે પ્રત્યેક વનસ્પતિકાયરૂપ સ્થાવર એકેન્દ્રિયનો જ ભવ છે. અને ત્યાંથી ત્રસપણાનો બીજો કોઈ ભવ પામ્યા વગર પહેલવહેલાં સીધો મનુષ્યભવ પામ્યાં, તે પણ તીર્થંકર પરમાત્માની માતારૂપે. સ્થાવર એકેન્દ્રિયના ભવો ધર્મ માટે સદંતર અયોગ્ય ગણાય છે. તેથી પૂર્વભવમાં ધર્મસાધના કરવાનો કોઈ અવકાશ જ નથી. વળી, મરુદેવામાતાના ભાવમાં પણ યુગલિકનો કાળ હોવાથી તેમનું સમગ્ર જીવન ધર્મવિહોણું જ પસાર થયું છે. હજી ઋષભદેવે ધર્મતીર્થ સ્થાપ્યું નથી, લોકમાં કોઈ ધર્મકરણી પ્રસિદ્ધ નથી. એટલે મરુદેવામાતાએ ૮૪ લાખ પૂર્વના આયુષ્યમાં એક દિવસ પણ દર્શન, પૂજન, સામાયિક, પ્રતિક્રમણ જેવી કોઈ ધર્મક્રિયા કરી નથી. તમે જેને ધર્મ કહો તેવો કોઈ જ ધર્મ તેમણે જીવનમાં આરાધ્યો નથી. ધર્મવ્યવહાર, ધર્મપ્રવૃત્તિથી સંપૂર્ણ શૂન્ય તેમનું જીવન છે, આશ્ચર્ય પમાડે તેવો દાખલો છે. શાસ્ત્રમાં મરુદેવામાતાને અતીર્થસિદ્ધ કહ્યાં છે. જન્મજન્માંતરમાં કદી પણ તારક તીર્થની સહાય લીધા વિના હાથીની અંબાડી પર જ મોક્ષે ગયાં છે. હજી ઋષભદેવને પ્રથમ દેશના આપી તીર્થ સ્થાપવાનું બાકી છે, તે પહેલાં જ માતા સ્વબળથી મોક્ષે ગયાં છે. તેમની પ્રથમ ગુણસ્થાનકથી માંડીને ચૌદ ગુણસ્થાનક સુધીની સમગ્ર આધ્યાત્મિક સાધના, હાથીની અંબાડી પર જ પ્રારંભ થઈ અંતર્મુહૂર્તમાં જ સમાપ્ત થઈ છે. આ જીવદળ જ વિશેષ છે. કોઈક ઉપાદાન જ એવાં હોય કે આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી તેમની હળુકર્મિતા હોય, અત્યંત સરળ સ્વભાવી ભદ્રક પરિણામી હોય. આવા જીવને નામનું નિમિત્ત મળતાં જ કર્મનાં પડલ તૂટી જાય, કલ્યાણના સીધા દરવાજા ખૂલી જાય. અનંત જીવોમાં એકાદને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org