________________
૩૫ વ્યર્થ સમય ગાળે. પણ ભાઈ ! તું ક્યાં જઈશ એ વિચારતો નથી! ત્યાં રળવા માટે જેટલો પ્રયત્ન કરે છે તેથી અધિક આ સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અન્યથા માથે અનંત સંસારની ડાંગ ઊભેલી છે.
ભાઈ ! સઘળાં કામ છોડીને આ કરવા જેવું છે. સ્તુતિ, વંદના વગેરે બહારની ક્ષિાના વિકલ્પોને તો વિષરૂપ કહ્યા છે કેમ કે ભગવાન અમૃત સ્વરૂપ આત્માથી તે વિરુદ્ધ ભાવ છે. તો એ ઝેરને છોડીને તારી ચીજમાં જ્યાં એકલું અમૃત ભર્યું છે ત્યાં જા. ત્યાં જા... !
જેના દર્શન અને જ્ઞાનમાં આત્મા સમીપ છે અને રાગ દૂર છે તે જ્ઞાની છે. અજ્ઞાનીને રાગ સમીપ છે અને આત્મા દૂર છે. જેને રાગની રુચિ છે તેવા અજ્ઞાનીને આત્મા હેય છે અને જ્ઞાનીને રાગ હેય છે, અને ત્રિકાળી શુદ્ધ ભૂતાર્થ વસ્તુ ઉપાદેય છે. અરે ભગવાન ! તારી બલિહારી છે, પણ તારી તને ખબર નથી. આ બહારની લક્ષ્મી, આબરૂ, વિષય વાસના, બધા જ ભાવ તો પાપ ભાવ છે. અને પઠન-પાઠન, સ્તુતિ, ભક્તિ, દયા-દાન-વ્રત-તપ-જપના જે શુભ ભાવ આવે તેને પણ ભગવાન ઝેર કહે છે. એ ઝેરથી અમૃતની-આત્માની પ્રાપ્તિ થાય નહિ.
ભગવાનનો આ માર્ગ છે; લોકોએ તેને બગાડી નાખ્યો છે. શુભ કિયારૂપ વિકલ્પો વિષ છે. અંદર આનંદનો કંદ ભગવાન આત્મા બિરાજે છે તે એકનો જ અનુભવ અમૃત છે અને તે જ સમ્યગ્દર્શન છે, ધર્મ છે. આઠ વર્ષની બાલિકા પણ સમ્યગ્દર્શન પામે છે તે અંદર એક ભૂતાઈ ભગવાન આત્માનો અનુભવ કરીને સમ્યગ્દર્શન પામે છે. આ જ રીત છે.
સંપ્રદાયમાંથી નીકળવું લોકોને કઠણ પડે અને તેમાંથી નીકળે તો શુભ ભાવમાંથી નીકળવું કઠણ પડે. અહીં તો કહે છે કે શુદ્ધ ચિદ્રુપ એકરૂપ વસ્તુનું એકવાર ગ્રહણ કર. ભાઈ!ત્રિકાળી શુદ્ધધ્રુવ વસ્તુના અનુભવ વિના સમ્યગ્દર્શન નહિ થાય. લાખ ક્રિયાકાંડના વિકલ્પ કરે, મુનિપણું બહારથી લે, પણ ભૂતાર્થના અનુભવ વિના સમકિત નહિ થાય અને સમકિત વિના ધર્મની શરૂઆત નહિ થાય. દિગંબરમાં દેવ-ગુરુ-શાસ્ત્ર સત્ય છે. છતાં દિગંબરોને સત્ય વસ્તુની ખબર નથી. બહારથી દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરવી કે નવ તત્ત્વના ભેદની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન નથી.