________________
માટે પર ઉપરનું લક્ષ છોડ ને સ્વભાવ પર લક્ષ કર તો આકુળતા મટે. સુખ માટે શુદ્ધ ચૈતન્ય સ્વભાવની પ્રતીતિ કરવી પડશે.
સંયોગો દુ:ખ નથી, કર્મમાં દુ:ખ નથી, દ્રવ્ય-ગુણમાં દુ:ખ નથી, આત્માની અવસ્થામાં દુ:ખ છે. આ નક્કી કરવું જોઈએ, દુઃખ ન થાય, આકુળતા ન થાય એ જ સુખ છે. “હું આત્મા જ્ઞાનાનંદ છું. મારી અસ્તિમાં બધા પદાર્થોની નાસ્તિ છે.” તેથી પરના આધારે સુખ-દુખ નથી એવા નિર્ણયમાં જ સુખ છે.
વળી કોઈ પર વસ્તુ અનુકૂળ છે ને કોઈ પ્રતિકૂળ છે એવી માન્યતાથી આકુળતા થાય છે. ઊંધી માન્યતા વડે અનેરાં પદાર્થોને અનેરા અનેરા રૂપે પરિણમાવવા માંગે છે પણ અનંતા પદાર્થોનો હું જ્ઞાતા છું એ વાત બેસતી નથી. મારો જ્ઞાન સ્વભાવ અનંતા પદાર્થોને જાણવાનો છે, કોઈ પણ પર પદાર્થને પલટાવવાનો મારો અધિકાર નથી. આ એક જ આકુળતા મટાડવાનો ઉપાય છે. માટે પરને પલટાવવા તે આકુળતા મટવાનો ઉપાય નથી પણ સ્વ લક્ષ કરે ને પરનો જ્ઞાતા રહે તો આકુળતા મટે.
આત્મા સિવાય પર દ્રવ્યમાં તારો બીલકુલ અધિકાર નથી. પરથી ભેદજ્ઞાન કરી સ્વની રુચિકર, પરમ તારો અધિકાર નથી, પરનો તારામાં અધિકાર નથી. આત્માની રુચિને લીનતા કરતાં પરની રુચિ ને આસક્તિ છૂટી શકે છે.
પરને સુખી-દુ:ખી કરી શકું એવી કર્તુત્વબુદ્ધિ-એવી ભ્રાંતિ જીવ કરે છે. તેમાં મોહ કર્મ નિમિત્ત છે. પરની અવસ્થા કોઈ કરી શકે નહિ ને પરની અવસ્થા કોઈ અટકાવી શકે નહિ, પરનું કરી શકે છે એમ માનનાર મિથ્યાત્વી છે. પર લક્ષે થતી આકુળતા ઉપાધિ ભાવ છે, તે મટાડી શકાય છે. પર વસ્તુની અવસ્થા ફરી શકશે નહિ.
આ બધાનો સાર એ જ છે કે તત્ત્વનો યથાર્થ નિર્ણય કર. હું જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું.” આવા ચિદાનંદસ્વભાવનો નિર્ણય થતાં અને એમાં લીનતા થતાં આકુળતા દૂર થાય છે ને સુખ પ્રાપ્ત થાય છે. આત્માનું હિત સુખ છે. મોહ, રાગ, દ્વેષ રાખવો હિતકારી નથી. રાગનો અભાવ કરવો હિતકારી છે તે જ મોક્ષની પર્યાયની પ્રાપ્તિનું કારણ છે.