________________
૬૯
૩. મોક્ષ જ હિત છે એવા નિર્ણય વિના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઉપાય કરી શકે નહિ.
૪. આત્માનું હિત મોક્ષ જ છે, અન્ય નથી. એવો નિશ્ચય કેવી રીતે થાય ? આત્મામાં અનેક પ્રકારે ગુણની અવસ્થા થાય છે તેમાં અન્ય ગમે તે અવસ્થા હોય તેથી કાંઈ બગાડ-સુધાર નથી પરંતુ દુ:ખથી બગાડ છે ને સુખથી સુધાર છે. સુખને જીવો ઇચ્છે છે પણ સુખના કારણને ઇચ્છતો નથી ને દુ:ખને ઇચ્છતો નથી પણ દુ:ખના હેતુમાં નિરંતર રચ્યો પચ્યો રહે છે.
અનાદિ કાળથી વિકારના દુ:ખ ભોગવી રહ્યો છે તો પણ આત્મા શુદ્ધ ચિદાનંદ છે તેની રુચિ કરતો નથી. આત્માને હિતને નહિ માનતા બહારમાં મોક્ષમાર્ગ માને છે. અંતરમાં આનંદ છે તેની રુચિ કરતો નથી. જેના નિમિત્તથી દુ:ખ થાય તેને દૂર કરવા માગે ને જેના નિમિત્તથી સુખ થતું જાણે તેને રાખવાનો ઉપાય કરે છે. પણ સુખ ક્યાં છે તે તથા સુખના ઉપાયની ખબર નથી. અંતરમાં સુખ છે એવી સત્તાની કબૂલાત નથી ને વ્યવહારની રુચિ કરે છે તેને પણ સુખના સાચા ઉપાયની ખબર નથી. કોઈ પણ ભોગે સુખ લેવા મથે છે. સુખની સત્તા કબૂલે છે, તેના ઉપાયો પણ કબૂલે છે પણ સાચા ઉપાયની ખબર નથી.
આત્માનો સ્વભાવ સુખ છે. જેમ જ્ઞાનગુણ વિશેષ છે તેમ સુખ ગુણ પણ જીવનો વિશેષ ગુણ છે. તે સુખ ગુણ દ્રવ્યમાં વ્યાપક છે, તે અસંખ્ય પ્રદેશમાં ને સર્વ હાલતમાં રહે છે. દુ:ખ વખતે સુખની ઉલટી અવસ્થા છે. સુખ અંતરમાં વ્યાપી રહેલું છે એવી અંતર પ્રતીતિ વિના સુખ થાય નહિ. આત્મા અરૂપી ચિદ્ઘન છે; તેની કબૂલાત વિના ઉપાયો નિરર્થક છે.
વળી જીવ બધું સહન કરે છે પણ દુ:ખને સહન કરી શકતો નથી. માટે સુખની હયાતી કબૂલ કરે છે. પૂર્ણ સુખ મોક્ષમાં છે ને મોક્ષ દ્રવ્યના આધારે છે આમ યથાર્થ જાણવું જોઈએ.
લોકો અનુકૂળ સંયોગમાં સુખ માને છે અને પ્રતિકૂળ સંયોગમાં દુ:ખ માને છે પણ તે સુખ-દુ:ખ નથી. આકુળતા દુ:ખનું લક્ષણ છે. આકુળતા રહિત સ્વભાવની ખબર નથી ને પરથી આકુળતા મટાડવા માગે છે તે સાચો ઉપાય નથી. આત્માના અવલંબને પૂર્ણ સુખનો ઉત્પાદ થવો ને સર્વ દુ:ખનો નાશ થવો તે પરમ હિતરૂપ છે. પરના અવલંબને સુખ નથી