________________
સાધક-ભાવને પ્રાપ્ત થયેલ ષકારકનું ચક્ર એ ચક્રવર્તીના ચક્ર-રત્નની જેમ કર્મ-શત્રુને વિદારણ કરવામાં સંપૂર્ણ સમર્થ બને છે. આ કારકચક્રની અનાદિકાલીન બાધક પ્રવૃત્તિને અટકાવી દઈને મોક્ષ-સાધક પ્રવૃત્તિમાં તેને ગતિમાન કરવાનો ઉપાય શાસ્ત્રોમાં આ પ્રમાણે દર્શાવવામાં આવ્યો છે –
(૧) પરમાત્મ-ભક્તિ : અનંત ગુણના ભંડાર, સ્વરૂપ-રમણી, સ્વરૂપ-વિશ્રામી, સ્વરૂપાનંદી, શાંત સુધા-સિંધુ એવા શ્રી અરિહંત પરમાત્માનાં દર્શન, પૂજન, વંદન, સ્મરણ, ધ્યાન અને આજ્ઞાપાલન કરવાથી જ્યારે પ્રભુની પૂર્ણ-પ્રભુતા જેવી પોતાની પૂર્ણ-પ્રભુતાનું ભાન થાય છે અને તેને પ્રગટાવવાની રૂચિ-અભિલાષ જાગ્રત થાય છે, ત્યારે કર્તાદિ કારકો સ્વભાવના સાધક બને છે.
માટે, સૌ પ્રથમ પરમાત્માનાં દર્શન-પૂજન-વંદન આદિ ભક્તિ બહુમાનપૂર્વક કરવા તત્પર બનવું જોઈએ. (૨) આત્મ-સંપ્રેક્ષણ દ્વારા આત્મ-શિક્ષા : આત્માને અહર્નિશ આ પ્રમાણે હિત-શિક્ષા આપવી જોઈએ –
હે ચેતન ! તું આ સંસારમાં વિષય-કષાયાદિની દુષ્ટ પ્રવૃત્તિ કરીને તેનાં સાધનો તન- ધન-સ્ત્રી-પુત્રાદિ પરિવાર આદિમાં અત્યંત આસક્તિ રાખે છે પરંતુ આ તારી વિભાવ-પરિણતિ છે. તારું મૂળ સ્વરૂપ તો તેનાથી જુદું છે. | માટે, ‘આ બધી વસ્તુઓ મારી છે અને હું એની કર્તા-ભોક્તા છું', એવું મિથ્યા અભિમાન તું શા માટે ધારણ કરે છે ? પુદ્ગલમાત્ર વિનશ્વર છે-નાશવંત છે. આ બધા મળેલા સંયોગ પણ ક્ષણિક છે-અલ્પ સમય પૂરતા જ છે. તેના સંયોગથી જ તું તારા શુદ્ધ-સ્વરૂપને વીસરી ગયો છે અને તે શુદ્ધ-સ્વરૂપના વિસ્મરણને લઈને જ જન્મ, જરા અને મરણાદિક નાં અનંત દુઃખોની પરંપરા તારે ભોગવવી પડે છે. | માટે હે જીવ ! હવે તું જિન-વાણીરૂપ અમૃતનું પાન કરી રાગ-દ્વેષાદિ વિભાવ-વિષને દૂર કરી અને તારા પૂર્ણ શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવા માટે દઢ નિશ્ચયી બન. આ જ તારું મહાન કર્તવ્ય છે.
આ કાર્ય કરવાની સમ્યગુ-દર્શનાદિ શક્તિઓ તારામાં જ રહેલી છે. શુદ્ધ દેવ-ગુરુ-ધર્મના પુષ્ટ-નિમિત્તને પામીને તું સમ્યગુ-દર્શન, સમ્યગુ-જ્ઞાન અને સમ્ય-ચારિત્રાદિ ગુણોને પ્રાપ્ત કર અને તારા અસંખ્ય પ્રદેશમાં રહેલા અનંતા ગુણ-પર્યાયરૂપ પરિવારને તે ગુણો સમર્પિત કર, જેથી તે સર્વ ગુણો ઉત્તરોત્તર વિકસિત બનતા જાય. | હે જીવ ! તારી સર્વ સંપત્તિનો આધાર પણ તું પોતે જ છે, માટે તું તારા તત્ત્વને પ્રગટ કરવા સદા પુરુષાર્થશીલ અને જાગ્રત બન. ઉપર્યુક્ત રીતે ભાવનાથી ભાવિત થયેલો આત્મા પરમાત્માના ધ્યાનમાં તન્મય બની શકે છે.
(૩) આત્મ-ભાવના : પરમાત્મ-સ્વરૂપમાં સ્થિરતા મેળવવા આ પ્રમાણે ભાવના ભાવવી જોઈએ – એકતા : હું જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયના સમુદાય સ્વરૂપ એક અખંડ અવિનાશી આત્મ-દ્રવ્ય છું.
શુદ્ધતા : નિશ્ચય-નયની અપેક્ષાએ હું પૂર્ણ શુદ્ધ, નિષ્કલંક, નિર્દોષ, નિરામય, નિઃસંગ આત્મા છું. જો કે વ્યવહાર-નયની અપેક્ષાએ અનાદિકાળથી પર-ભાવમાં લુબ્ધ બની, સ્વભાવ-ભ્રષ્ટ થઈ અશુદ્ધ બનેલો છું છતાં જાતિથી મૂળ-ધર્મે તો હું શુદ્ધ ગુણ-પર્યાયમય આત્મા જ
નિર્મમતા : હું મમતા(મારાપણા)થી રહિત છું. નિરાવરણતા : હું કેવળજ્ઞાનમય અને કેવળદર્શનમય છું.
સ્થિરતા : શુદ્ધ-સ્વરૂપના ભાસન(અનુભવ-જ્ઞાન)અને રમણતા(આનંદ)માં સ્થિર થયેલો હું સર્વ બાહ્ય અને અત્યંતર ઉપાધિઓનો નાશ કરી રહ્યો છું. ( આ પ્રમાણે પ્રભુભક્તિ આદિ ઉપાયો દ્વારા ષકારક ચક્ર શુદ્ધ આત્મ-સ્વરૂપનું ‘સાધક' બને છે. અને ‘સાધકતાને પામેલા કારકોની પ્રવૃત્તિ પરિવર્તન પામે છે ત્યારે સાધકને – ' (૧) હું આત્મ-ધર્મનો કર્તા છું. (૨) આત્મ-ધર્મમાં પરિણમવું એ મારું કાર્ય છે. (૩) જ્ઞાનાદિ ગુણો એ મારા આત્મ-ધર્મને અનુરૂપ પ્રવૃત્તિ કરે છે. (૪) મારા આત્માની અપૂર્વ શક્તિઓ ક્રમશઃ પ્રગટતી જાય છે. (૫) મારા આત્માની વિભાવ-પરિણતિ પણ ક્રમશ: નષ્ટ થતી જાય છે. (૬) સમગ્ર ગુણ-પર્યાયનો આધાર મારો આત્મા જ છે. એવી પ્રતીતિ થાય છે.
આ રીતે, ષટુ-કારક સાધક-ભાવને પામે છે ત્યારે અવશ્ય સિદ્ધતારૂપ કાર્ય સિદ્ધ થાય છે. આ જ કારક એ કાર્યને ઉત્પન્ન કરવાનાં સાધનો છે માટે એ કારણના જ પ્રકારો છે. સર્વ કાર્ય કર્તાને આધીન હોય છે, પરંતુ કારણાદિ સામગ્રી વિના કર્તા કોઈ પણ કાર્ય કરવા સમર્થ બની શક્તો નથી..
આત્માના છ કારક એ આત્માના પ્રગટ-નિરાવરણ પર્યાય છે. કર્તાપણું વગેરે આત્માનો વિશેષ-સ્વભાવ છે. ગુણ અને પર્યાયને આવરણ હોય છે પણ સ્વભાવને કોઈ આવરણ હોતું નથી. પરંતુ તેના કારણભૂત ચેતના અને વીર્ય કર્મથી આવૃત્ત છે તેથી કત્વ-શક્તિ મંદ પડે છે, વિપરીતરૂપે પરિણમે છે પણ તે કર્તુત્વ-શક્તિ કદાપિ મૂળથી આવૃત્ત થતી નથી.
મૂળ આત્મ-સ્વરૂપ કર્મથી આવૃત હોવાને લીધે કર્મ-બંધરૂપ અશુદ્ધ કાર્યનો કર્તા જીવ બને છે પરંતુ જ્યારે પરમાત્માના આલંબને શુદ્ધસ્વભાવને પ્રગટ કરવાની રૂચિ જાગે છે, ત્યારે કર્તુત્વ-આદિ ષટુ-કારક સ્વ-કાર્ય કરવાને શક્તિમાન થાય છે.
માટે, શ્રી અરિહંત પરમાત્માની સેવા એ જ મોક્ષ-પ્રાપ્તિનો સરળ અને સર્વશ્રેષ્ઠ ઉપાય છે. આ જ સર્વ-શાસ્ત્રોનું પરમ રહસ્ય છે. તે રહસ્યને પામીને સર્વ મુમુક્ષુ આત્માઓએ જિન-ભક્તિમાં તત્પર અને તન્મય થવા સદા ઉદ્યમશીલ બનવું જોઈએ.
www.jalnelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
| ૩૭૩.