________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૫૯ જવા તૈયાર છે. પણ પાયાની ભૂલ એ છે કે પોતાનો આત્મા અને રાગ જુદા છે, તેનું આપણને ભાન નથી. સંસ્કાર અને સ્વભાવ બંને જુદાં છે. સંસ્કાર અનાદિ કાળથી સાથે છે પરંતુ તેના માટે એક નિયમ છે કે તે અનંતકાળ રહી શકે તેમ નથી. તો કેમ રહ્યા ? તમે રાખ્યા એટલે રહ્યા. જ્યાં સુધી રહેશે ? તમે રાખશો ત્યાં સુધી રહેશે. એમ પૂછશો નહિ કે રાગ કેમ દૂર થાય ? તમારે રાગને રાખવો હોય તો રાખી શકશો અને કાઢવો હશે ત્યારે કાઢી શકશો. તમે મનમાં એમ નક્કી કર્યું હોય કે આ પાડોશીને અહીંથી કાઢવો છે તો કાઢે જ છૂટકો કરો ને! એની પાછળ પડીને પણ તમે કાઢ્યા વગર રહેતા નથી તેમ રાગને કાઢ્યા વગર તમે રહી શકવાના નથી કારણ કે રાગ સ્વભાવ નથી.
પરમકૃપાળુદેવ કહે છે કે આત્મામાં રાગનો વિકારી પર્યાય જે દેખાય છે તે આભાસ છે, પણ તેનાથી ચૈતન્યમૂર્તિ આત્મા તે વખતે પણ જુદો છે માટે જુદો પાડી શકાય છે. જો જુદો ન હોય તો જુદો પાડી શકાય નહિ. એજીન સાથે ડબ્બો જોડાયો છે અને મજબૂત શેન્ટીંગ થયું છે. પરંતુ બીજા સ્ટેશને ગયા પછી ડબ્બો જુદો પાડવો હોય તો પાડી શકાય છે. કારણ કે શેન્ટીંગ થયું ત્યારે બંને જુદા હતા. રાગ અને આત્મા બન્ને એક ક્ષેત્રમાં દેખાતા હોવા છતાં બંને જુદા છે. રાગ દેખાય છે તેમાં ના નહિ. વેદાંત અને સાંખ્યદર્શન રાગની ના પાડે છે પરંતુ જૈનદર્શન રાગની હા પાડે છે પણ રાગ હોય તે વખતે ચૈતન્યતત્ત્વ આત્મા રાગથી જુદો છે તેમ સ્વીકાર પણ કરે છે અને કહે છે કે રાગ જુદો છે તેથી તેને કાઢી શકાય છે. આ શું કહેવાઈ રહ્યું છે ?
તમે કહો છો કે શું કરીએ ? આ કષાયો શાંત થતા નથી. તું ટકાવી રાખે છે ને શું કરીએ એમ કહે છે. તારામાં કયાંક ગડબડ છે. કયાંક અંદર તને મીઠાશ છે. કયાંક ગમે છે. એટલા માટે જ્ઞાની પુરુષો કહે છે રાગ જેટલો ભૂંડો છે, તેના કરતાં વધારે મૂંડી રાગની મીઠાશ છે. રાગનો રસ છે તે ભૂંડો છે. રાગ તો જશે પણ તેનો રસ જશે ત્યારે રાગ ટળશે, નહિ તો રાગ ટળશે નહિ.
અહીં એમ કહેવું છે કે આત્મા વિષે જે કેટલીક ભ્રમણાઓ છે તેની વાત ક્રમે ક્રમે આવશે. ઘણા કહે છે અને જ્યોતિ દેખાય છે, લાલ પીળો રંગ દેખાય છે, ગોળ ગોળ ચક્કર દેખાય છે. જે દેખાતું હોય તે ખરું, પણ તે આત્મા નથી. આત્મામાં આ બધું હોય નહિ. આત્મામાં રંગ, આકાર હોય નહિ. આત્મા તો નિરાકાર છે, તે આકૃતિ વગરનો છે. આત્મા અરૂપી છે. તેમાં રૂપ, રસ, ગંધ, આકાર નથી, દેખાવ નથી. આ બધું દેખાય છે પણ તે આત્મા નથી. અને સાથે સાથે આત્મામાં જે રાગ દેખાય છે, વિકાર અને વિભાવ દેખાય છે, તે પણ આત્મા નથી, એટલે શાસ્ત્રીય પરિભાષામાં વર્તમાન આત્મ દ્રવ્યમાં પર્યાયાર્થિક નયથી જોતાં, આત્મામાં જે વિકારો દેખાય છે તેની બાદબાકી કરીને આત્માને જોવો તે આત્માને જોવાની કળા છે. સમ્યગ્દષ્ટિ આવા આત્માને જોવે છે. જૈનદર્શને બે દૃષ્ટિ આપી છે. એક દ્રવ્ય દૃષ્ટિ અને બીજી પર્યાય દૃષ્ટિ. તમે વસ્તુ તરફ કઈ દૃષ્ટિથી જોવો છો તે મહત્ત્વનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org