________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૫૫. ફૂંકી ફંકીને કરડે છે તેથી ખબર પડતી નથી તેમ રાગ બહુ મીઠો છે. ફોલી ખાય છે પણ ખબર પડતી નથી. આ રાગની મીઠાશ છે, રાગ ગમે છે, વ્હાલો લાગે છે. જ્યાં સુધી રાગનો રાગ છે, ત્યાં સુધી ધર્મની શરૂઆત થઈ શકશે નહીં. સમજાયું કાંઈ ? રાગ તો સારો નહિ, પણ આ રાગનો રાગ બહુ ભૂંડો. આપણને જે કાંઈ છે તે રાગ નથી પણ રાગનો રાગ છે. રાગ પ્રિય છે.
જેટલો રાગનો રાગ તેટલો દ્વેષ તીવ્ર. હજાર ઉપાય તમે કરશો. અને હજાર ગીત તમે ગાશો કે “પ્રેમ કી ગંગા બહાતે ચલો'. કયાંથી બહાવે ? અંદર રાગની આગ છે ત્યાં પ્રેમની ગંગા કયાંથી બહાવે ? અરે ! વિશ્વ દાવાનળ ત્યાં સળગશે. દ્વેષ એટલા માટે થાય કે વસ્તુ પ્રત્યે રાગ થાય અને જીવતી વ્યક્તિ પ્રત્યે દ્વેષ થાય. કેટલીયે ઘટનાઓ ઘરમાં ઘટે છે. ત્રણ ભાઈઓ વચ્ચે ઘરની વસ્તુઓનું વિભાજન કરવાનું હતું. વિભાજન કરતાં કરતાં છેલ્લે એક ઓશીકું વધ્યું. હવે શું કરવું ? તો ત્રણ ભાગ કરો. કોઈ ઓશીકું છોડવા તૈયાર નથી અને ત્રણ ભાગ કરો તો કોઈના માથા નીચે મૂકવાના કામમાં ન આવે. કામમાં આવે કે ન આવે, પણ ભાગ તો સરખા જ કરવા પડે. ન કરો તે ન ચાલે. આ કોણ કહેવડાવે છે ? ઓલો રાગ. રાગ શું કરાવે છે ? રાગ દ્વેષ કરાવે છે. રાગમાંથી દ્વેષ આવે છે. અજ્ઞાન રાગ પેદા કરે છે અને રાગ દ્વેષ પેદા કરે છે. દ્વેષ આપણને ડહોળી નાખે છે. તમારે શું કરવું છે, તે કહો.
શાંતિથી જીવવું છે? પ્રેમથી જીવવું છે ? ધર્મ કરવો છે? કોઈને હાલાં થવું છે? હાલાં અને વાળાં કાઢી નાખો. પેકીંગ અને રીબન કાઢી નાખો. નગદ ધર્મ, ઉધાર નહિ, આ ક્ષણે થાય. મંદિરમાં ગયા અને રાગ ઘટ્યો તો સફળ થયા. સદ્ગુરુ પાસે ગયા અને રાગનો અંશ ઘટ્યો તો દર્શન સફળ. પ્રવચનમાં ગયા અને રાગનો અંશ તૂટયો તો પ્રવચન સફળ. કંઈ પણ ઘટ્યું નહિ, ગયું નહિ તો મોટું મીંડું. અહીં ૧૦૦મી ગાથા પૂરી થાય છે.
અમારી દૃષ્ટિએ હવે જે ૧૦૧મી ગાથા આવે છે તે એટલા માટે અત્યંત ગહન છે કે આખો દ્રવ્યાનુયોગ આમાં ભર્યો છે. આ તમારો ખજાનો છે. આ ગાથામાં જેટલી સાધના છે તે બહાર નહિ દેખાય. આમાં કોઈ બહારના સાધનો નથી, અનુષ્ઠાન નથી. કોઈ કર્મ કાંડ નથી. અહીં એવી સાધના છે, જે અંતરમાં જ થાય અને આત્મામાં અંતરની અવસ્થામાં એ ઘટના ઘટે. સમગ્ર ધર્મનો દ્રવ્યાનુયોગનો પાયો આ એકસો એકમી ગાથામાં છે.
જ્યારે પાછા મળીશું ત્યારે આ ગાથાને લક્ષમાં રાખી ચિંતન કરીશું. અત્યારે આ વાત શુષ્ક અને કઠિન પડે તેવી છે પણ અમે કહીએ છીએ કે તમે સાંભળો ને સાંભળો, અમને તમારી ગરજ છે. અમે એમ ઇચ્છીએ છીએ કે વહેલી તકે સાગમટે મોક્ષમાં જઈએ. કાઠિયાવાડમાં કહે છે ને કે સાગમટે જમવા આવજો. મિત્રો અને સગા સબંધીને લાવજો. હું પણ એમ જ કહું છું કે આપણે સાગમટે મોક્ષમાં જઈએ. આ જ રસ્તો છે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org