________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૪૫ જે ધારા આવે છે તે અજ્ઞાન (મિથ્યાત્વ, ઊંધી માન્યતા). અજ્ઞાન, રાગ, દ્વેષ ત્રણેનું એક થવું તેને કહેવાય છે ગ્રંથિ. આ ગ્રંથિ અથવા ગાંઠમાં રાગ, દ્વેષ, અજ્ઞાન ત્રણે સમાઈ જાય છે.
ટૂંકમાં એક છેલ્લી વાત, કર્મના ઉદયમાં સૌથી વધારે આપણા ઉપર શાસન જો કોઈ કરતું હોય તો મોહનીય કર્મનું શાસન છે. એનું સામ્રાજ્ય આપણા ઉપર સૌથી વધારે છે. મોહનીય કર્મના ઉદયમાં આત્મા તન્મય થાય છે. એકાકાર થાય છે. કોઇએ ગાળ આપી. અંદર કેટલું દુધ્ધન ચાલે છે ! એ કોણ ? મને ગાળ કેમ આપી ? જોઈ લઈશ, બતાવી દઈશ, વિગેરે વિગેરે. આ આર્તધ્યાન થયું અને કોઈ પ્રશંસા કરે તો કહેશે, કરે જ ને ? હું લાયક જ છું, મને ઓળખનારાં ઘણાં ઓછાં છે. તમે ડાહ્યા માણસ છો, તેથી મને ઓળખી લીધો અને માન, સન્માન આપ્યું. આ મોહનીયકર્મનો ખેલ છે. રસ્તામાં ચાલ્યા જતા હો, સોનાની લગડી પડી છે. મનમાં થાય કે લઈ લઉં? થોડા સારા સંસ્કાર હોય તો એમ થાય કે પારકું છે, લેવાતું હશે ? વળી વિચાર આવે કે બીજો કોઈ લઈ જશે, તેના કરતાં હું લઈ લઉં તો શું ખોટું ? તમે જ બધા ઘાટ ઘડ્યા કરો અને મનમાં ને મનમાં વિચાર કર્યા કરો. આ ખેલ કોનો ? મોહનીયકર્મનો.
यो न मुह्यति लग्नेषु, भावेष्वौदयिकादिषु ॥ आकाशमिव पङ्केन, नासौ पापेन लिप्यते ॥
(જ્ઞાનસાર. ૪/૩) ઉપા. યશોવિજયજી મહારાજ કહે છે કે જે ઔદયિકાદિ ભાવોમાં મોહ પામતો નથી તે પાપકર્મથી લપાતો નથી, (જેમ આકાશ કાદવથી નથી લેવાતું) પણ જે મોહભાવ પામે તે કર્મથી બંધાય છે.
લોઢું ભઠ્ઠીમાં નાખ્યું તો લાલચોળ થઈ ગયું અને હાથેથી અડો તો ફોલ્લા પડે. કારણ? લોટું અગ્નિમાં તન્મય થયું. અગ્નિમાં લોઢાનું તન્મય થવું તે એક અવસ્થા ઉત્પન્ન કરે છે તેમ મોહનીય કર્મના ઉદયમાં તન્મય થવું એવી જે અવસ્થા છે તે બંધનું મુખ્ય કારણ છે. કઈ રીતે આત્મા બંધાય છે, તે સમજાયું ?
આ વિચાર કરજો કે મોહનીય કર્મના ઉદયમાં જીવ તન્મય અને એકાકાર થાય છે તે બંધનું કારણ છે. જે વખતે રૂપિયાની નોટો ગણતાં હો ત્યારે તેમાં એકાકાર થઈ જાઓ છો. માળા ગણતાં મન ઠેકાણે નથી રહેતું ? આ કોનો ખેલ છે? મોહનીયનો. મોહનીય કર્મના ઉદયમાં આત્મામાં જે તન્મય ભાવ થાય તે બંધનું કારણ છે.
આ ગાથાની શરૂઆત થઈ છે. ચર્ચા આગળ વિસ્તારથી થશે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org