________________
૩૮
પ્રવચન ક્રમાંક – ૭૦, ગાથા ક્યાંક-૯૯-૧ જાય છે. એ બદલાયેલી સ્થિતિને વિકૃતભાવ અથવા પારિભાષિક શબ્દમાં વિભાવ કહે છે. દૂધ એ દૂધ છે અને દહીં તે દહીં છે. બંને સ્વતંત્ર પદાર્થો છે. દૂધ ફાટી જાય તો ન રહે દૂધ કે ન બને દહીં. એ ત્રીજી અવસ્થા વિકૃત અવસ્થા છે, તેમ આત્મામાં પણ આવી વિકૃત અવસ્થા ઉત્પન્ન થઈ છે. તે વિકૃત અવસ્થાને કારણે જે કાંઈ અવસ્થા થાય તેને કહેવાય છે બંધ અવસ્થા.
આપણો આત્મા બંધ અવસ્થામાં છે, બંધાયેલો છે. તે બંધન બે વચ્ચે હોય, એકમાં બંધન ન હોય. બે વસ્તુ ભેગી થઈ. આત્મા અને પુદ્ગલનો સંયોગ થયો તેને કહેવાય છે બંધ. જ્યારે બંધ થાય છે ત્યારે આત્માનો મૂળભૂત સ્વભાવ પ્રગટ થઈ શકતો નથી. ચેતન દ્રવ્યમાં અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય છે. આવું અનંત સામર્થ્યવાળું આત્મદ્રવ્ય છે. પરંતુ આજે આપણને આવું સામર્થ્ય દેખાતું નથી. આજે આપણી આંખ નબળી પડે તો જોઈ શકીએ નહિ. જ્ઞાન તો એવું ને એવું છે. કેવળજ્ઞાન જેને પ્રગટ થાય તે તમામ ચોદે રાજલોકમાં રહેલા પદાર્થોને એક સમય માત્રમાં જોઈ શકે, આવો કેવળજ્ઞાનનો ધણી આત્મા આંખે મોતિયો આવ્યો હોય તો પૂરું જોઈ શકતો નથી. જરા વિચારો, આ શું અવસ્થા થઈ? આટલી આપણી તાકાત, આટલી આપણી શકિત છે, અને એમ કહ્યું છે કે આત્મા આનંદનો સાગર છે અને આવા આનંદમય આત્માને જરા ભૂખ લાગી હોય અને ખાવામાં મોડું થાય તો માથું ગુમાવી બેસે છે. આ આનંદનો સાગર આ શું કરવા બેઠો? તેણે આનંદ ખોયો.
અસ્તિત્વ પૂરેપૂરું ખીલવું જોઈએ, પૂરેપૂરું પ્રગટવું જોઈએ, આવિર્ભત થવું જોઈએ, તે ન થાય તે પ્રકારની અવસ્થા તેને કહેવાય છે બંધ. આવો બંધ થવાથી જે ઘટના ઘટે તેને કહેવાય છે સંસાર. સંસાર કોઇએ બનાવ્યો નથી, કોઇએ ઘડ્યો નથી, રચ્યો નથી. કોઈ નવરો બેસી સંસાર ઘડતો હોય તેવી ઘટના જગતમાં ઘટતી નથી. જગતમાં પદાર્થો અને વસ્તુઓ પણ છે. અહીં પરમકૃપાળુદેવને એમ કહેવું છે કે જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ'. બે રસ્તા છે. એક બંધાઈ જવાનો રસ્તો, અને એક છૂટવાનો રસ્તો, તમારે શું કરવું છે ? તે તમારે નક્કી કરવાનું છે. બંધાઈ ગયેલા જ છીએ એટલે નવી પસંદગી કરવાની નથી. જ્ઞાની છૂટવાની વાત કરે છે, જે બંધાયેલો છે તે કેમ મુક્ત થાય ? મુક્ત અવસ્થા એ જીવનની સહજ અવસ્થા, સ્વાભાવિક અવસ્થા છે. મોક્ષ શબ્દ વારંવાર બોલીએ છીએ પરંતુ મોક્ષ શબ્દનો સીધો અર્થ એ છે કે જે મૂળભૂત ચૈતન્ય છે, તે સંપૂર્ણપણે નિરાવરણ થતાં તેમાં રહેલી તમામ ક્ષમતાઓ પૂરેપૂરી પ્રગટ થાય, અને પ્રગટ થયા પછી કાયમ ટકે તેવી અવસ્થાને મોક્ષ કહે છે.
ફરીથી સમજીએ, જે મૂળભૂત ચૈતન્ય દ્રવ્ય, તેમાં રહેલા અનંત ગુણો, તેમાં રહેલું અનંત સામર્થ્ય અને તેમાં રહેલી ક્ષમતા એ પૂરેપૂરી ખીલે, ક્ષમતા આજે તેનામાં છે જ, પરંતુ પૂરેપૂરી ખીલી નથી. જેમ ૬૪ પ્રહરી પીપરમાં સામર્થ્ય અને શકિત તો છે પણ તે ઘૂંટાય તો શકિત પ્રગટ થાય. ૬૪ પ્રહર ઘૂટ્યા પછી જ તેની સંપૂર્ણ શકિત પ્રગટ થાય છે. જ્યારે શકિત પ્રગટ થઈ ન હતી ત્યારે પણ અંદર હતી અને ઘસારો આપ્યો ત્યારે પ્રગટ થઈ. પ્રગટ થઇ એ નવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org