________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૫ જેની તેની નહિ પણ વીતરાગ પુરુષની આજ્ઞા માનો. કદાચ કહેનાર વીતરાગ ન હોય તો પણ જે કહેતો હોય તે વીતરાગનું કહેલું કહેતો હોય અને વાત કરતાં કરતાં પોતે વચ્ચે ન આવે તો તેનું વચન માનો.
આસ્રવ એટલે ચારેબાજુથી કર્મોનું આવવું. અંદર શું થાય છે ? અંદર શું ઘટના ઘટે છે તે તમે જુઓ તો ખરા ! એમને એમ બોલ્યા કરો છો કે મોક્ષ જોઈએ છે. થોડું તો સમજો. જે બંધાયેલો છે તેને મોક્ષ જોઈએ છે, કોણ બંધાયેલો છે ? પોતે. શેનાથી બંધાયેલો છે ? તમે જાતે તો વિચારો. શબ્દોમાં તો નક્શો તૈયાર છે, સંપૂર્ણ છે. તમને વિચાર કરવા માટે સત્ શાસ્ત્રો કાચો માલ પૂરો પાડે છે, તેમાં વર્ણન છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ, અને યોગ. આ બધા કારણો બંધના છે પછી તમે જાતે વિચારો. આપણને બધું તૈયાર જોઈએ છે. વિચારવું નથી. બધું તૈયાર મળી જાય તો આપણને ગમે. રોટલી બજારમાં તૈયાર મળી જશે પણ ધર્મ બજારમાં તૈયાર મળતો નથી. એને તમારે શોધવો પડશે. તેના ઉપર વિચાર કરવો પડશે. અમે તમને કહીએ છીએ તે સોએ સો ટકા સત્ય છે. છતાં પણ તમને કહીએ, તેની હા કહેતાં પહેલાં સૂક્ષ્મ બુદ્ધિથી ચિંતન કરજો. વિચાર કરજો, તમે ના પાડશો તો દુઃખ નહિ થાય પરંતુ સમજ્યા વગર હા પાડશો તો દુઃખ થશે. સમજ્યા વગર હા પાડશો તે નહિ ચાલે.
પહેલી વાત એ કરી કે, જ્યાં તમને સુખ લાગે છે તે બંધનું કારણ છે. હવે આપણને સુખ વગર ચાલશે ખરું ? આપણું સુખ શેમાં? આપણું સુખ વિષયોમાં છે. વિષયોમાં સુખ હોય તો પદાર્થો જોઇશે અને પદાર્થો મેળવવા જતા ન કરવાનું કરીએ છીએ. અન્યાય, ખોટાં તોલમાપ, જુઠું બોલવું, આ બધું શા માટે કરવું પડે ? પદાર્થો પ્રિય છે, તે મેળવવા છે, તો નક્કી થયું કે પદાર્થો પ્રત્યેનું મમત્વ અને વિષયો પ્રત્યેની આસક્તિ તે બંધનું કારણ છે. વિષયોમાં સુખ છે તેમ માનવું તે વિપરીત બુદ્ધિ. વિપરીત બુદ્ધિના કારણે વિષયો તરફ દોડવું તેને કહેવાય છે અવિરતિ. આપણી ઇન્દ્રિયો વિષયો તરફ જ દોડે છે અને દોડ્યા પછી પદાર્થો પ્રાપ્ત થાય તો અહંકાર થાય, સરળતાથી ન મળે તો છેતરપીંડી કરીએ, માયા કરીએ અને મળ્યા પછી વધારે અને વધારે મળે તેવી વૃત્તિ થાય તે લોભ. અને વચ્ચે કોઈ અવરોધ આવે તો ક્રોધ આવે. આમ ચાર કષાય આવી ગયા ને ? મેળવતા વચ્ચે અવરોધ આવે તો ક્રોધ, મળ્યું તો અહંકાર, સરળતાથી ન મળ્યું તો છેતરપીંડી - માયા. મળ્યા પછી હજુ વધારે અને વધારે જોઈએ તે લોભ. આ જ્યારે આવે છે ત્યારે પ્રમાદ પણ આવે છે. (૪) પ્રમાદ એટલે માત્ર આળસ કે નિદ્રા નહિ, પણ પ્રમાદ એટલે બેહોશી. નશીલી ચીજો માણસ ખાય તે પ્રમાદી નથી પણ તેને બેહોશી તો જરૂર છે.
(૫) અને છેલ્લે મન, વચન, કાયાની જે કંઈ પ્રવૃત્તિ થાય તે યોગ. કષાયથી પ્રેરિત પ્રવૃત્તિ છે. શરીરની ક્રિયા ખરી પણ કષાયથી પ્રેરિત છે, આવી જે પ્રવૃત્તિઓ થાય તે બંધના કારણો છે. આ બંધના કારણોનું વર્ણન કર્યું, તેહ બંધનો પંથ છે.
હવે શું કરવું તેની સૂચના આગળની કડીમાં પરમકૃપાળુ દેવ આપવાના છે. ગાથા ૯૯,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org