________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૪૧૫ બીજો કયો માર્ગ હોય ? તમે જે મત માન્યતાની વાત કહો છો, તમે જે પક્ષની વાત કરો છો, જે ગચ્છની વાત કરો છો કે આવાં જ કપડાં પહેરવાં, આમ જ કરવું, તેમ નહિ પણ આ રાગ દ્વેષ અને અજ્ઞાનની ગાંઠ છે તે તોડો. જગતના તમામ ધર્મો આ વાતમાં સંમત છે. રાગ, દ્વેષ અને અજ્ઞાનના કારણે જ કર્મ બંધાય છે અને તેના કારણે જ સંસારનું પરિભ્રમણ ચાલે છે. તમે એમ કહો છો કે જન્મ મરણનો કંટાળો આવ્યો છે પણ એમ બોલવાથી કે કહેવાથી કંઈ નહિ થાય. પરંતુ અંદરમાં એક અવસ્થા પ્રાપ્ત થાય, એક જાગૃતિ આવે, પછી તેનાથી નિવૃત્તિ માટેના ઉપાયો લો તો જન્મ મરણથી મુક્ત થવાય.
રાગાદિની નિવૃત્તિ કરવા શાસ્ત્રોમાં ત્રણ પ્રકારે ઉપાયો બતાવ્યા છે. જાત જાતનાં સાધનો છે. કેટલાક સાધનો રાગની નિવૃત્તિ માટે છે. કેટલાંક સાધનો દ્વેષની નિવૃત્તિ માટે છે અને કેટલાંક સાધનો અજ્ઞાનની નિવૃત્તિ માટે છે. સ્વાધ્યાય, તત્ત્વચિંતન, સદ્ગુરુની ઉપાસના, તેમના નિકટમાં વાસ, તેમના ચરણોમાં, તેમની સમીપમાં બેસી તત્ત્વનું શ્રવણ કરવું, એ અજ્ઞાનને દૂર કરવાની સાધના છે. જગતનાં તમામ જીવો પ્રત્યે મૈત્રીભાવ, પ્રેમભાવ, વાત્સલ્યભાવ, પ્રમોદભાવ આ ટ્રેષને દૂર કરવાની સાધના છે. અને જગતના તમામ પદાર્થો પ્રત્યે જે આસકિત છે તે આસકિત ઉઠાવી લેવી, મમત્વ ઉઠાવી લેવું, મારાપણું અને મૂછ ઉઠાવી લેવી, તે રાગને દૂર કરવાનો ઉપાય છે. તેમ જ તેમાં સુખબુધ્ધિ છે એને દૂર કરવી. તે જ આધાર છે, એના વગર નહિ જીવાય, તેવી જે માન્યતા છે તે દૂર કરવી તે અજ્ઞાનને તોડવાનો ઉપાય છે. શાસ્ત્રોમાં તો હજારો ઉપાયો છે, પરંતુ ત્રણને દૂર કરવાના આ ઉપાયો છે. રાગ દૂર કરવા માટે વૈરાગ્યથી પ્રારંભ થાય. વૈરાગ્યની વાત કરવી હોય તો સંસારનું સ્વરૂપ જાણવું પડે. જગતનાં પદાર્થો અનિત્ય છે, ક્ષણભંગુર છે, નાશવંત છે, આપણી માલિકીના નથી, આપણે રાખી શકતા નથી, જેમ રાખવા હોય તેમ રાખી શકતા નથી. તમને એમ થાય છે કે શેરના ભાવો ઘટી ન જાય, શેરના ભાવો ઘટી જાય તેવી ભગવાનને પ્રાર્થના નહિ કરી હોય પરંતુ ભાવો વધી જાય તો સારું, તેવી પ્રાર્થના જરૂર કરી હશે, કારણકે પૈસા પ્રત્યે રાગ છે. રાગ એટલે આકર્ષણ. જગતના પદાર્થો પ્રત્યે જે આકર્ષણ છે તે ટાળ્યા સિવાય વૈરાગ્ય નહીં આવે, વૈરાગ્ય એટલે તિરસ્કાર, અણગમો કે નફરત નહિ, પણ પદાર્થોનું આકર્ષણ ટળવું જોઈએ.
કોઈ કવિએ કહ્યું છે કે “ઓલું પતંગિયું નહિ માને.” દીવા થાય એટલે તેની આજુબાજુ પતંગિયાનું નૃત્ય ચાલુ થઈ જાય. આજુબાજુ ફર્યા જ કરશે. તેને કહી દેજો કે દીપમાં ઝંપલાવવા કરતાં તેનાથી દૂર રહેવામાં જ મઝા છે. સંસારના પદાર્થોમાં આકર્ષણ કરવા કરતાં એ પદાર્થોના આકર્ષણથી દૂર રહેવામાં મઝા છે. કંઈ ગળે ઊતરે છે ? ઓલું પતંગિયું નહિ માને પણ તમે પણ કયાં માનો છો ? તમને અત્યાર સુધી ઓછા કહેનારા મળ્યા છે ? બધાને ઘોળીને પી ગયાં છો. એક ધારશીભાઈ નામના ભાઈ વ્યાખ્યાનમાં રોજ આવે અને આગળ બેસે. મોટી પાઘડી અને ખેસ પહેરે, બની ઠનીને આવે અને પાછા બોલે કે જી, સાહેબ ! હા, સાહેબ!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org